World

BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર: ચાબહાર પોર્ટ અને વેપાર મુદ્દે થશે ચર્ચા

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
ઇરાને ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. PM મોદી અને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન વચ્ચે કિર્ગિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મુલાકાત થઈ હતી. ઇરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ગાઢ છે. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં BRICS સમિટમાં બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ અંગે ચર્ચા થશે. ચાબહાર બંદર પ્રોજેક્ટ પણ ચર્ચાનો મુખ્ય મુદ્દો બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર: ચાબહાર પોર્ટ અને વેપાર મુદ્દે થશે ચર્ચા
IMAGE - IANS

India-Iran Relations: છેલ્લાં 8 મહિનાથી યુદ્ધની આગમાં હોમાઈ રહેલું ઈરાન હવે ભારત સાથેના પોતાના સંબંધો અંગે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરી રહ્યું છે. વિશ્વભરના ભારે દબાણ છતાં ભારતે ઈરાન યુદ્ધ દરમિયાન તટસ્થ વલણ જાળવી રાખ્યું છે અને ઈરાન સામે ક્યારેય પણ નકારાત્મક નિવેદન આપ્યું નથી. હવે ઈરાને ભારત સાથેના પોતાના સંબંધોની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે, તે ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે. નોંધનીય છે કે, ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે 31 ઑગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન આ બેઠક યોજાઈ હતી.

ભારત-ઈરાન સંબંધો પર ઈરાનના વિદેશ મંત્રાલયનું મહત્ત્વનું નિવેદન

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગેઈએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત અને ઈરાનના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે.'

તમને જણાવી દઈએ કે ઈરાન પણ BRICS સંસ્થાનું સભ્ય દેશ છે અને આ જ મહિને યોજાનાર સમિટમાં ભાગ લેવા માટે તેમનું પ્રતિનિધિમંડળ ભારત આવવાનું છે. બંને દેશો વચ્ચે ખાસ કરીને વેપાર અને આર્થિક સહયોગના ક્ષેત્રમાં સતત વાતચીત થતી રહે છે.

BRICS સંમેલનમાં ભારત-ઈરાન મંત્રણાની શક્યતા

દિલ્હીમાં આયોજિત થનારા BRICS શિખર સંમેલન અંગે વાત કરતાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોને નવી દિશા આપવા માટે આ સમિટ એક શ્રેષ્ઠ તક સાબિત થશે. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ઈરાન આ મંચનો ઉપયોગ ભારત સાથે પરસ્પર હિત ધરાવતા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે કરશે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર-વાણિજ્ય, આર્થિક ભાગીદારી અને પ્રાદેશિક બાબતો પર વિગતવાર વાતચીત થવાની શક્યતા છે. આ ચર્ચા એટલા માટે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે, અમેરિકા હાલ સેકન્ડરી સેંક્શન દ્વારા ઈરાન સાથે આર્થિક કે વેપારી સંબંધો ધરાવતા દેશો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે.'

ચાબહાર બંદરને લઈને પાકિસ્તાન અને ચીનમાં અશાંતિ

ભારત અને ઈરાન વચ્ચેની વાતચીતમાં ચાબહાર બંદર હંમેશા એક અગત્યનો મુદ્દો રહ્યો છે. ઈરાનના પ્રવક્તાએ જણાવ્યું કે, 'બંને દેશો માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે. ચાબહાર પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક અને વેપારની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે, કારણ કે આ બંદર દ્વારા ભારત મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી દરિયાઈ માર્ગે પહોંચ બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટને પાકિસ્તાન અને ચીનના ગ્વાદર પ્રોજેક્ટના કાઉન્ટર તરીકે જોવામાં આવે છે. હાલમાં બલૂચિસ્તાન અને PoKમાં ચાલી રહેલા વિવાદોના કારણે ગ્વાદર પ્રોજેક્ટ અટકી પડ્યો છે, તેથી ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ પર આગળ વધતી વાતચીત પાકિસ્તાન અને ચીન માટે માથાનો દુખાવો બની શકે છે.'

અમેરિકા અને ટ્રમ્પની કડક નજર

ભારત અને ઈરાનના વધતા સંબંધો પર અમેરિકા પણ નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો મૂકેલા છે અને અન્ય દેશોને પણ તેનું પાલન કરવા દબાણ કરે છે. હાલમાં જ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, 'અમે નથી માનતા કે પીએમ મોદી અને ઈરાનના પ્રમુખની મુલાકાતનો હેતુ કોઈ નવા વેપાર કરાર કરવાનો હતો. જોકે દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચવામાં મદદ કરવી જોઈએ નહીં.' ભૂતકાળમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ પણ અમેરિકા ભારત પર ટેરિફ લગાવી ચૂક્યું છે, ત્યારે ઈરાન સાથેના વેપાર બાદ ભારત સામે અમેરિકાનું વલણ શું રહે છે તે જોવું મહત્ત્વનું રહેશે.