પાકિસ્તાનના મદદગારને ભારતે સૌથી વધુ ડીઝલ સપ્લાય કર્યો, યુરોપની પણ જરૂરિયાતો પૂર્ણ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Diesel exports: અમેરિકા-ઈરાન તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક સંઘર્ષોને કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય પર ગંભીર અસર પડી છે. જેના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા અનેક દેશોમાં ખાદ્યચીજોથી લઈને પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. જોકે, આ વૈશ્વિક સંકટ વચ્ચે પણ સરકારની રણનીતિ અને પ્લાન-બીને કારણે ભારતમાં તેની અસર નહિવત રહી છે અને ભારત અનેક દેશો માટે મુશ્કેલ સમયમાં મોટો તારણહાર બનીને ઉભર્યું છે.
પાકિસ્તાનનું ખાસ મિત્ર તૂર્કિયે પણ હવે ભારત પર નિર્ભર
પાકિસ્તાનનું સમર્થક ગણાતું તૂર્કિયે લાંબા સમયથી તેની જરૂરિયાતના ઓઇલ માટે રશિયા પર નિર્ભર હતું. વર્ષ 2025માં તૂર્કિયેની કુલ ડીઝલ આયાતનો આશરે 85 ટકા હિસ્સો માત્ર રશિયામાંથી આવતો હતો. પરંતુ વર્ષ 2026માં રશિયા તરફથી સપ્લાય ઘટવાને કારણે તૂર્કિયેની મુશ્કેલીઓ વધી ગઈ અને તે ભારત તરફ વળ્યું. ઓગસ્ટ 2026ના આંકડા મુજબ ભારત તૂર્કિયે માટે ડીઝલનું ટોપ સપ્લાયર બન્યું છે. રશિયા પાસેથી ઝટકો મળ્યા બાદ તૂર્કિયેએ ભારત પાસેથી દરરોજ 1.2 લાખ બેરલથી વધુ ડીઝલની ખરીદી કરી છે, જે ઓગસ્ટ 2022 પછીની સૌથી મોટી માસિક સપ્લાય છે.
યુરોપની 60 ટકા જરૂરિયાત ભારતે પૂરી કરી
માત્ર તૂર્કિયે જ નહીં, પરંતુ યુરોપ જેવા વિકસિત દેશો માટે પણ ભારત મોટું સંકટમોચક સાબિત થયું છે. રિપોર્ટ્સ અનુસાર, બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ થઈને યુરોપ જતી ડીઝલ અને ગેસોલિનની કુલ સપ્લાયનો આશરે 60 ટકા હિસ્સો ભારતીય રિફાઇનરો દ્વારા મોકલવામાં આવ્યો છે. રશિયા અને અમેરિકાથી થતી નિકાસમાં ઘટાડો થવાને કારણે યુરોપ હવે મોટા પ્રમાણમાં ભારતીય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર નિર્ભર બન્યું છે.
કેન્યા માટે પણ સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યા લાંબા સમયથી સાઉદી અરામકો અને અબુ ધાબીની કંપનીઓ પાસેથી ઓઇલ ખરીદતો હતો. પરંતુ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવને કારણે કેન્યાને પોતાનો ફ્યુઅલ સોર્સ બદલવો પડ્યો. કેપ્લરના ઓગસ્ટ 2026ના ડેટા મુજબ, ભારતે ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલની સપ્લાયમાં યુએઈ અને સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધા છે અને કેન્યા માટે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સૌથી મોટો સપ્લાયર બની ગયો છે.
વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર છે ભારત
ભારતની આ વધતી વૈશ્વિક ભૂમિકા પાછળ દેશની શક્તિશાળી રિફાઇનિંગ ક્ષમતા મુખ્ય કારણ છે. ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર છે, જેની વાર્ષિક ક્ષમતા 258.1 મિલિયન ટન છે. ઘરેલુ જરૂરિયાત પૂરી કર્યા બાદ ભારત મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. આ સમગ્ર રણનીતિમાં રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઇલ આયાત કરીને તેને રિફાઇન કરવાની ભારતની નીતિ અત્યંત સફળ રહી છે, જેનાથી ભારત વૈશ્વિક બજારમાં એક મહત્ત્વપૂર્ણ ઊર્જા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.




