World

હેલોવીન પર જર્મનીના 34 શહેરોમાં ‘Gen Z’નું આંદોલન, 1.60 લાખ યુવાનો રસ્તા પર: લક્ઝરી શોરૂમ્સ પર મરાયા પાટિયાં

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
જર્મનીમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધ Gen Z દ્વારા 34 શહેરોમાં મોટા વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. બર્લિન, ફ્રેન્કફર્ટ સહિત 1.60 લાખથી વધુ લોકો જોડાયા છે. 'Gen Z regelt' જૂથે આયોજન કર્યું છે, જે યુરોપના યુવા આંદોલનોથી પ્રેરિત છે. મુખ્ય માંગણીઓ બજેટ વધારવા, મોંઘવારીમાંથી રાહત અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ છે. હિંસાની આશંકાએ દુકાનો વહેલી બંધ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હેલોવીન પર જર્મનીના 34 શહેરોમાં ‘Gen Z’નું આંદોલન, 1.60 લાખ યુવાનો રસ્તા પર: લક્ઝરી શોરૂમ્સ પર મરાયા પાટિયાં

Germany Gen Z protests: જર્મનીમાં Gen Z દ્વારા શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વધતી મોંઘવારી સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત દેશના 34 જેટલા નાના-મોટા શહેરોમાં આશરે 1.60 લાખથી વધુ લોકો આ પ્રદર્શનોમાં જોડાવાની શક્યતા છે. યુરોપના અન્ય દેશોમાં યુવા આંદોલનોથી પ્રેરિત થઈને જર્મનીમાં 'Gen Z regelt' (જેન ઝી ટેક્સ ચાર્જ) નામના જૂથ દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોની મુખ્ય માંગણી શિક્ષણ ક્ષેત્રે બજેટ વધારવાની, મોંઘવારીમાંથી રાહત આપવાની અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ કરવાની છે.

દુકાનોના કાચ ઢાંકવામાં આવ્યા, હિંસા અને તોડફોડની આશંકા

વિરોધ પ્રદર્શન અને હેલોવીનનો તહેવાર એક જ દિવસે હોવાથી જર્મનીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં અગાઉ થયેલી હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓથી જર્મન અધિકારીઓ ચિંતિત છે. આ જ કારણોસર, સાવચેતીના ભાગરૂપે બર્લિનના મુખ્ય શોપિંગ વિસ્તાર 'કુર્ફર્સ્ટેન્ડમ' ખાતેની ઘણી મોટી દુકાનો અને વ્યાપારી સંકુલોએ પોતાની બારીઓ અને કાચને લાકડાના પાટિયાથી ઢાંકી દીધા છે તેમજ દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોની સલામતી અને મિલકતોના રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારની નીતિઓથી યુવાનોમાં ભારે રોષ

યુવા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર તેમની જરૂરિયાતો તરફ ધ્યાન આપવાને બદલે માત્ર સરકારી કાપ મૂકી રહી છે અને યુવાનો પર બોજ વધારી રહી છે. બર્લિન ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં છે, છતાં ત્યાં અભ્યાસ કરવાની મજબૂરી છે. બીજી તરફ, જર્મનીના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન (BSK)એ આ ચોક્કસ પ્રદર્શનથી પોતાને અલગ રાખ્યું છે અને અગામી 20 નવેમ્બરે અલગથી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં, યુવાનોનો દાવો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.