દુનિયાનો એવો પ્રથમ બોલર જેણે T20I માં ઝડપી 200 વિકેટ, રાશિદ ખાને રચ્યો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rashid Khan 200 T20I Wickets : અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે આ ફોર્મેટમાં 200 વિકેટ પૂરી કરનારો દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. ગુરુવારે (29 ઑક્ટોબર) શારજાહમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી T20 સિરીઝની બીજી મેચમાં તાદીવાનાશે મારુમાનીને આઉટ કરીને રાશિદે આ ઐતિહાસિક રૅકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાશિદ ખાને ઑક્ટોબર 2015માં ઝિમ્બાબ્વે સામે જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં તે આ ફોર્મેટનો સૌથી સફળ બોલર બન્યો હતો. ત્યારે તેણે ન્યૂઝીલૅન્ડના ટિમ સાઉથીને પાછળ છોડ્યો હતો. હવે 200 વિકેટનો આંકડો પાર કરીને તેણે પોતાની સિદ્ધિમાં વધુ એક ઐતિહાસિક નોંધ ઉમેરી છે. આ યાદીમાં ઇંગ્લૅન્ડનો આદિલ રાશિદ 171 વિકેટ સાથે બીજા ક્રમે છે.
ઉમરઝઈ અને અહમદઝઈની રૅકોર્ડબ્રેક ભાગીદારી
આ મેચમાં અફઘાનિસ્તાનના અજમતુલ્લાહ ઉમરઝઈ અને ઇજાજ અહમદ અહમદઝઈએ પણ રૅકોર્ડ બનાવ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠી વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. તેમણે આન્દ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડની 139 રનની ભાગીદારીનો રૅકોર્ડ તોડ્યો હતો. આ અફઘાનિસ્તાન તરફથી T20 ઇન્ટરનેશનલમાં કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી પણ છે. અગાઉ આ રૅકોર્ડ મોહમ્મદ નબી અને ઇબ્રાહિમ ઝદરાનના નામે હતો. બંનેએ 86 રન જોડ્યા હતા.
અફઘાનિસ્તાને 19 રને મેચ જીતી
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા હતા. ઉમરઝઈએ 50 બોલમાં 116 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે ઇજાજ અહમદ અહમદઝઈએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. 222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી હતી. બ્રાયન બેનેટ અને ઇનોસન્ટ કાયાએ પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. જોકે, ત્યારબાદ ટીમે 84 રન સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
સિકંદર રઝાની આક્રામક ઇનિંગ
કૅપ્ટન સિકંદર રઝાએ અણનમ 106 રન બનાવ્યા હતા. છઠ્ઠી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 202 રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાને આ મેચ 19 રને જીતીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.




