'1971ના યુદ્ધમાં ભારતે મદદ નહોતી કરી...', પાકિસ્તાન પહોંચતા જ બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Speaker Slams India in Pakistan Over 1971 War: પાકિસ્તાનના પ્રવાસે ગયેલા બાંગ્લાદેશની સંસદના સ્પીકર હાફિઝ ઉદ્દીન અહમદે ભારત વિરુદ્ધ અત્યંત વિવાદાસ્પદ નિવેદનો આપીને નવો વિવાદ છેડ્યો છે. ઇસ્લામાબાદ ખાતે સંસદ ભવનની મુલાકાત દરમિયાન તેમણે 1971ના યુદ્ધના ઈતિહાસ પર સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે ભારતે તે સમયે બંગાળીઓની મદદ કરવાને બદલે માત્ર પાકિસ્તાનને નબળું પાડવાનું કામ કર્યું હતું.
આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશ એક રીતે ભારતનું 'સંસ્થાન' બની ગયું હતું, જેના કારણે દેશના લોકોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહમદ પોતે પાકિસ્તાની સેનામાં પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે અને 1971ના યુદ્ધમાં ભાગ લીધા બાદ બાંગ્લાદેશમાં તેમને બહાદુરી માટે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
બંગાળીઓના અધિકાર અને લોકશાહી અંગે ટિપ્પણી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાફિઝ ઉદ્દીન અહમદે 1971ના યુદ્ધ અને ઢાકાના પતનને યાદ કરતા કહ્યું હતું કે, 'તે સમયે બંગાળીઓ લોકશાહીની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને તેમનો અધિકાર આપવામાં આવ્યો ન હતો.'
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદીય વ્યવસ્થાની સરખામણી કરતા તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં 1975માં એકપક્ષીય શાસન વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. દેશમાં વાસ્તવિક લોકશાહી ન આવી શકી હોવાનો અફસોસ વ્યક્ત કરવાની સાથે તેમણે ફેબ્રુઆરી 2026માં બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ગણાવી હતી.
શેખ હસીનાના પ્રત્યાર્પણ અને જેલવાસની ચેતવણી
બાંગ્લાદેશના સ્પીકરે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના મુદ્દે પણ ભારત પર નિશાન સાધ્યું હતું. ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશ છોડ્યા બાદથી ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીના અંગે અહમદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તેઓ બાંગ્લાદેશ પરત ફરશે તો તેમને સીધા જ જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાની કોઈ શક્યતા નથી.
બાંગ્લાદેશ સતત ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે અને અહમદે ચેતવણી આપી હતી કે જો ભારત તેમને પરત નહીં સોંપે તો બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)નો દરવાજો ખખડાવી શકે છે. જોકે, આ મામલે ભારત પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે પ્રત્યાર્પણની વિનંતીની સક્ષમ અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન અને અવામી લીગ પર પ્રહાર
હાફિઝ ઉદ્દીન અહમદે શેખ હસીનાની પાર્ટી અવામી લીગને 'આતંકવાદી પાર્ટી' ગણાવતા કહ્યું હતું કે બાંગ્લાદેશના લોકોએ સરમુખત્યારશાહીને નકારી કાઢી છે. નોંધનીય છે કે ઑગસ્ટ 2024માં હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારે અવામી લીગની રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ફેબ્રુઆરી 2026ની ચૂંટણીમાં પણ તેમને ભાગ લેતા રોકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, અહમદે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું હતું કે, 'કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ આવવો જોઈએ. તેમણે ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની કારોબારી સમિતિ માટે બાંગ્લાદેશના ઉમેદવારને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ઢાકા અને ઇસ્લામાબાદના સંબંધો વધુ મજબૂત બનશે.




