ઈસ્લામિક નાટોમાં જોડાવા ભારતનો પાડોશી દેશ પણ તૈયાર, પાકિસ્તાન સાથે છે મધૂર સંબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Defense Alliance: સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે તાજેતરમાં રચાયેલા નવા સંરક્ષણ ગઠબંધનમાં સામેલ થવા માટે બાંગ્લાદેશ સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. બાંગ્લાદેશના બે રાજ્ય કક્ષાના મંત્રીઓએ આ અંગે સંકેત આપતા જણાવ્યું છે કે દેશના રાષ્ટ્રીય હિતો, સાર્વભૌમત્વ અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
7 ઓગસ્ટે મક્કામાં થયો હતો સુરક્ષા કરાર
7 ઓગસ્ટના રોજ મક્કામાં સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કરાર થયો હતો. આ સમજૂતી હેઠળ સામૂહિક સુરક્ષા અને પ્રતિરોધનું એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ત્રણેયમાંથી કોઈ એક દેશ પર પણ સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પરનો હુમલો માનવામાં આવશે.
'બાંગ્લાદેશ ફર્સ્ટ' નીતિ અને રાજદ્વારી વ્યૂહરચના
બાંગ્લાદેશના નવનિયુક્ત વિદેશ રાજ્ય મંત્રી હુમાયૂ કબીરે જણાવ્યું કે, 'સરકાર 'બાંગ્લાદેશ ફર્સ્ટ' અને સંતુલિત વિદેશ નીતિ પર આગળ વધી રહી છે. વૈશ્વિક અર્થતંત્ર અને ક્ષેત્રીય પરિસ્થિતિઓને જોતાં બાંગ્લાદેશ કોઈપણ આર્થિક કે સુરક્ષા માળખામાં જોડાવા માટે સકારાત્મક છે.' વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબેદ ઈસ્લામે પણ આ વાતનું સમર્થન કરતાં કહ્યું કે, 'દેશના લોકોના હિત સુરક્ષિત રહેશે તો જ બાંગ્લાદેશ આવા બહુપક્ષીય સંગઠનનો ભાગ બનશે.'
પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરાશે
હુમાયૂ કબીરે વધુમાં કહ્યું હતું કે, 'સામાન્ય રાજદ્વારી સંબંધોના માધ્યમથી બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે પણ પોતાના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને બંને દેશો વચ્ચે વેપાર, વાણિજ્ય અને લોકો વચ્ચેના સંપર્ક (પીપલ-ટુ-પીપલ કનેક્ટ) વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.'
વડાપ્રધાન તારિક રહેમાનને રિયાધનું નિમંત્રણ
સાઉદી અરબના શેહજાદા મોહમ્મદ બિન સલમાન દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને રિયાધ આવવાનું સત્તાવાર નિમંત્રણ મળ્યું છે. ગરમીની સીઝન પૂર્ણ થયા બાદ વડાપ્રધાનની આ સાઉદી અરબ યાત્રાની તારીખો નક્કી કરવામાં આવશે.
બાંગ્લાદેશની વિદેશ નીતિમાં મોટો બદલાવ
વડાપ્રધાન તારિક રહેમાનના નાણાકીય અને આયોજન સલાહકાર પ્રોફેસર રાશેદ અલ મહમૂદ તિતુમીરે 'બાંગ્લાદેશ ફર્સ્ટ' નીતિને દેશની વિદેશ નીતિમાં એક મૂળભૂત પરિવર્તન ગણાવ્યું હતું. આ નીતિ હેઠળ વિદેશી સંબંધોમાં રાષ્ટ્રીય હિત, પરસ્પર સન્માન અને ક્ષેત્રીય સૌહાર્દને કેન્દ્ર સ્થાને રાખીને તમામ દેશો સાથે પરસ્પર લાભદાયી સંબંધો જાળવવા પર ભાર મુકાઈ રહ્યો છે.









