World

બ્રિક્સમાં ફરી એવો મુદ્દો ઉછળ્યો જે સાંભળીને વધી જશે ટ્રમ્પનું બ્લડ પ્રેશર! 500% ટેરિફની ધમકી બેઅસર

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
BRICS દેશોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છતાં પોતાની કરન્સીમાં વેપાર વધારવા મોટું પગલું ભર્યું છે. ભારતની આગેવાનીમાં મળેલી બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રામાં જ લેણ-દેણ કરવા સહમતિ સધાઈ છે. આ નિર્ણયથી અમેરિકન ડૉલરના વર્ચસ્વ સામે મોટો પડકાર ઉભો થયો છે. BRICS દેશોએ IMF જેવી સંસ્થાઓમાં સુધારાની પણ માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિક્સમાં ફરી એવો મુદ્દો ઉછળ્યો જે સાંભળીને વધી જશે ટ્રમ્પનું બ્લડ પ્રેશર! 500% ટેરિફની ધમકી બેઅસર
IMAGE - IANS

Brics Summit: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છતાં બ્રિક્સ દેશોએ પોતાની કરન્સીમાં વેપાર વધારવા તરફ મોટું પગલું ભર્યું છે. ભારતની આગેવાનીમાં મળેલી બ્રિક્સ દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રા (લોકલ કરન્સી)માં જ લેણ-દેણ કરવા પર સહમતિ સધાઈ છે. આ પગલાથી અમેરિકન ડૉલરના વર્ચસ્વ સામે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ નારાજ થાય છે.

ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ અને વ્યવહારુ ઉકેલ

બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કઝાન અને રિયો ઘોષણાપત્રના માર્ગદર્શન હેઠળ ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ બનાવવા અને તેનો વ્યવહારુ ઉકેલ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વ્યવસ્થા હેઠળ પેમેન્ટ અને મેસેજ મોકલવાના માધ્યમોને એકબીજાના અનુકૂળ બનાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ બ્રિક્સ દેશોની સ્થાનિક મુદ્રાઓનો ઉપયોગ કરીને વેપારના પેમેન્ટ અને રોકાણને પ્રોત્સાહન આપવા પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે.

બ્રેટન વૂડ્સ સંસ્થાઓમાં સુધારાની માંગ

બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) અને વર્લ્ડ બેન્ક જેવી બ્રેટન વૂડ્સ સંસ્થાઓની વિશ્વસનીયતા વધારવા તથા તેમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક(NDB) દ્વારા સ્થાનિક મુદ્રામાં ફાઇનાન્સિંગનો વિસ્તાર કરવા અને સભ્ય દેશોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પની નારાજગી છતાં બ્રિક્સ દેશોનો મોટો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બ્રિક્સ દેશો દ્વારા લોકલ કરન્સીમાં વેપાર કરવાની વાત પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ડૉલરને પડકારવાનો પ્રયાસ કરશે તો તેના પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. તેમ છતાં બ્રિક્સ દેશો દ્વારા ફરીથી લોકલ કરન્સીમાં કારોબારને આગળ વધારવાનો નિર્ણય લેવાતા ટ્રમ્પ માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.