World

પાકિસ્તાની સેના પર BLAના લડાકૂઓનો ખતરનાક હુમલો, 25 સૈનિકો ઠાર માર્યાનો દાવો

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 3 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સેના પર બે મોટા હુમલા થયા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. BLAના દાવા મુજબ, ઝિયારત ક્રોસ નજીક કાફલા પરના હુમલામાં 18 અને સુરાબના હાજીકા વિસ્તારમાં રિમોટ કંટ્રોલ વિસ્ફોટમાં 7 સહિત કુલ 25 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાની સેના પર BLAના લડાકૂઓનો ખતરનાક હુમલો, 25 સૈનિકો ઠાર માર્યાનો દાવો
IMAGE - IANS

Baloch Liberation Army: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો પર બે મોટા હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાઓની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલા આ હુમલાઓમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 25 જવાનો માર્યા ગયા છે.

કાફલા પર હુમલો અને રિમોટ કંટ્રોલ વિસ્ફોટ

BLAના જણાવ્યા અનુસાર, પહેલો હુમલો ઝિયારત ક્રોસ પાસે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાફલાના બે વાહનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને 18 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં BLAની 'ફતેહ સ્ક્વોડ' સામેલ હોવાનું કહેવાય છે. બીજો હુમલો સુરાબના હાજીકા વિસ્તારમાં થયો હતો, જ્યાં રિમોટ કંટ્રોલ સંચાલિત વાહનમાં વિસ્ફોટ કરીને 7 સુરક્ષાકર્મીઓને ઠાર કરવાનો દાવો કરાયો છે.

પાકિસ્તાની સેના તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં

જોકે, BLA દ્વારા કરવામાં આવેલા 25 સૈનિકોના મોત દર્શાવતા આ દાવાની પાકિસ્તાની અધિકારીઓ કે કોઈ સ્વતંત્ર સ્ત્રોત દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ BLA આવા અનેક મોટા હુમલાઓની જવાબદારી લેતું રહ્યું છે.

બલૂચિસ્તાનમાં સતત વધી રહી છે હિંસા

બલૂચિસ્તાનમાં અલગતાવાદી સંગઠન BLA લાંબા સમયથી પાકિસ્તાની સેના સામે સશસ્ત્ર સંગ્રામ ચલાવી રહ્યું છે. ઓગસ્ટ 2026 દરમિયાન પણ BLAએ 9થી 15 ઓગસ્ટ વચ્ચે 22 સુનિયોજિત હુમલા કરીને 26 સૈનિકોને માર્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત મસ્તુંગ પાસે IED હુમલામાં 13 સૈનિકો અને જુલાઈ 2026માં ગ્વાદર કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલો કરીને 30થી વધુ જવાનોને ઠાર કર્યાનો દાવો સંગઠનની 'મજીદ બ્રિગેડ' દ્વારા કરવામાં આવ્યો હતો.