World

9/11 હુમલાના 25 વર્ષ પછી મોટો ઘટસ્ફોટ: શંકાસ્પદ ઓમર અલ-બાયોમીનું સાઉદી કનેક્શન ખુલ્યું, FBI પર પુરાવા દબાવવાના આરોપ

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના 9/11 હુમલાને 25 વર્ષ બાદ નવા રહસ્યો ખૂલ્યા છે. એક અહેવાલમાં 9/11ના શંકાસ્પદ ઓમર અલ-બાયોમીનો અલ-કાયદાના ભાવિ નેતા અનવર અલ-અવલાકી સાથે પેઇન્ટબોલ રમતો વીડિયો સામે આવ્યો છે. આ ફૂટેજ 2001માં FBIને મળ્યા હતા. 9/11ના પીડિત પરિવારોએ સાઉદી અરેબિયા સામે 1 ટ્રિલિયન ડોલરનો દાવો કર્યો છે, જેમાં બાયોમી પર હુમલાખોરોને મદદ કરવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

9/11 હુમલાના 25 વર્ષ પછી મોટો ઘટસ્ફોટ: શંકાસ્પદ ઓમર અલ-બાયોમીનું સાઉદી કનેક્શન ખુલ્યું, FBI પર પુરાવા દબાવવાના આરોપ

9/11 Suspect Bayoumi's Al-Qaida Video | અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાને 25 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ તે કાવતરાના એવા રહસ્યો હવે સામે આવી રહ્યા છે જેણે સમગ્ર તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. બીબીસીની એક વિશેષ તપાસમાં સામે આવેલા અગાઉ ક્યારેય ન જોવાયેલા વીડિયો ફૂટેજ દર્શાવે છે કે 9/11 હુમલાખોરો સાથે જોડાયેલો શંકાસ્પદ ઓમર અલ-બાયોમી સાઉદી સરકારના અધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં હતો અને તે અલ-કાયદાના ભાવી લીડર અનવર અલ-અવલાકી સાથે પેઇન્ટબોલ રમતો પણ જોવા મળ્યો હતો.

આ ફૂટેજ, જે 2001ના હુમલાના ગણતરીના દિવસોમાં જ FBIના હાથમાં આવી ગયા હતા, તે હવે 9/11ના પીડિત પરિવારો દ્વારા સાઉદી અરેબિયા સામે કરવામાં આવેલા 1 ટ્રિલિયન ડોલરના દાવાના પુરાવા તરીકે સાર્વજનિક થયા છે. પીડિત પરિવારોનો આક્ષેપ છે કે બાયોમીએ હુમલો કરનારા 19 હાઇજેકર્સમાંથી બેને સીધી મદદ પહોંચાડી હતી. બીજી તરફ, સાઉદી અરેબિયાએ કોઈપણ પ્રકારની સંડોવણીનો સતત ઇનકાર કર્યો છે.

ભાવી અલ-કાયદા લીડર સાથે પેઇન્ટબોલ અને મિલિટરી-સ્ટાઇલ તાલીમ

ઓમર અલ-બાયોમી 1994માં સાઉદી અરેબિયાથી અંગ્રેજીનો અભ્યાસ કરવાના બહાને સાન ડિએગો આવ્યો હતો. જોકે, કોર્ટના દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે તેણે અભ્યાસ પડતો મૂકીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું.

અહેવાલ મુજબ, 1997 અથવા 1998ની શરૂઆતમાં શૂટ થયેલા ફૂટેજમાં બાયોમી, અવલાકી અને અન્ય લોકો મિલિટરી અંદાજમાં પેઇન્ટબોલની લડાઈ લડતા જોવા મળે છે. કેટલાકે લશ્કરી ડ્રેસ પહેર્યા હતા અને યુદ્ધના મેદાનની જેમ આગળ વધતી વખતે "અલ્લાહુ અકબર"ના નારા લગાવી રહ્યા હતા. 9/11 હુમલા પછી બાયોમીની તપાસ કરી રહેલા FBI એજન્ટોને બાતમી મળી હતી કે કેટલાક સહભાગીઓ આ સત્રોનો ઉપયોગ 'જેહાદની તાલીમ' માટે કરતા હતા. અવલાકીની આતંકવાદી પ્રવૃત્તિઓ વ્યાપક સ્તરે જાહેર થઈ તે પહેલાંથી જ તે અલ-કાયદા સાથે સંપર્કમાં હતો. અન્ય એક ક્લિપમાં જાન્યુઆરી 1998માં બાયોમી અને અવલાકી ગળે મળતા દેખાય છે, જ્યારે બાકીના વીડિયોમાં તે સાઉદી મંત્રાલયના ધાર્મિક અધિકારીઓ સાથે બેઠકો કરતો જોવા મળે છે.

બાયોમી વર્ષો સુધી એવો બચાવ કરતો રહ્યો હતો કે તે કોઈ આતંકવાદી કે સાઉદી જાસૂસ નથી. પરંતુ આ પુરાવા દર્શાવે છે કે હુમલા પહેલાં તે અલ-કાયદાના વડાઓ અને સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો.

હુમલા પછી મળ્યું હતું પ્લેન ક્રેશનું મેથેમેટિકલ ડ્રોઇંગ

પેન્ટાગોન પર હુમલો કરનારા બે હાઇજેકર્સ—નવાફ અલ-હઝમી અને ખાલિદ અલ-મિહધારના એપાર્ટમેન્ટ રેન્ટલ એગ્રીમેન્ટ પર બાયોમીનું નામ સામે આવ્યા બાદ તે શરૂઆતથી જ FBIની રડારમાં હતો.

હુમલા બાદ બર્મિંગહામ શિફ્ટ થઈ ગયેલા બાયોમીની મેટ્રોપોલિટન પોલીસે 21 સપ્ટેમ્બર 2001ના રોજ ધરપકડ કરી હતી. તેના મકાનની તલાશી દરમિયાન હજારો દસ્તાવેજો, તસવીરો અને ઓછામાં ઓછી 80 વિડીયો ટેપ મળી આવી હતી. આ સામગ્રીમાંથી એક નોટબુકનું પાનું મળ્યું હતું, જેમાં એક વિમાનનું ડ્રોઇંગ દોરેલું હતું અને ટાર્ગેટથી તેની ઊંચાઈ તેમજ અંતર સંબંધિત ગાણિતિક ગણતરીઓ લખેલી હતી.

આ રેખાચિત્રની નકલો લંડનમાં હાજર FBI એજન્ટો સુધી પહોંચી હતી, પરંતુ બાયોમીની પૂછપરછ કરી રહેલા બ્રિટિશ ડિટેક્ટિવ્સને તેની જાણ સુધ્ધાં કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, આ પુરાવા સાન ડિએગોના FBI તપાસકર્તાઓ કે 9/11 કમિશન સાથે પણ શેર કરવામાં આવ્યા નહોતા. પાછળથી એક ફેડરલ જજે સ્પષ્ટ નોંધ્યું હતું કે આ દસ્તાવેજ પ્રાથમિક દ્રષ્ટિએ જ પુરવાર કરે છે કે બાયોમી 9/11 હુમલાની પૂર્વ જાણકારી ધરાવતો હતો.

FBIની તપાસ કેમ અટકી ગઈ? અધિકારીઓએ કર્યા ચોંકાવનારા ઘટસ્ફોટ

સાન ડિએગોમાં તપાસ કરી રહેલા FBI એજન્ટોએ બ્રિટનમાં જપ્ત કરાયેલા પુરાવાઓ વારંવાર માંગ્યા હતા, પરંતુ તેમને નામ માત્રની માહિતી મળી. જ્યારે હકીકતમાં આ સામગ્રી લંડનના જે પોલીસ સ્ટેશનમાં બાયોમી કેદ હતો ત્યાંથી થોડાક જ મીટરના અંતરે પડી હતી.

બાયોમીએ સતત એવો દાવો કર્યો છે કે તેને હુમલા સાથે કોઈ લેવાદેવા નથી, જેમાં FBIના આંકડા મુજબ 2,976 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. બીજી તરફ, સાઉદી અરેબિયાએ પોતાના કે પોતાના અધિકારીઓ સામે લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જ્યારે આ નવા ઘટસ્ફોટ પર FBIએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.