World

7 લાખ લોકો બેહાલ સડકો નદીઓ બની : મોટરો ડૂબી : સાપો દરમાંથી નીકળી ચારે બાજુ ફેલાયા

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, અનેક કારો ડૂબી ગઈ. સરકારે સ્કૂલો, કોલેજો અને સરકારી ઓફિસોમાં 2 દિવસની રજા જાહેર કરી. 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. વિમાનમથકના રનવે પર પાણી ભરાતા અનેક ઉડ્ડયનો રદ થયા, જ્યારે કેટલાક મોડા પડતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી. આર્મીની મદદ લેવાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

7 લાખ લોકો બેહાલ સડકો નદીઓ બની : મોટરો ડૂબી : સાપો દરમાંથી નીકળી ચારે બાજુ ફેલાયા
  • મુશળધાર વર્ષાથી બેંગકોકમાં ભારે તબાહી
  • સ્કૂલો, કૉલેજો, સરકારી ઓફીસોમાં પણ બે દિવસની રજા : કેટલાયે ઉડ્ડયનો રદ્દ અનેક ઉડ્ડયનો મોડાં થયાં : મુસાફરોને પારાવાર મુશ્કેલી

બેંગકોક : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં છેલ્લા કેટલાયે દિવસોથી ચાલી રહેલી મુશળધાર વર્ષાએ આજે તો તેણે મહાવિનાશ સ્વરૂપ લીધું હતું. પરિણામે સડકો નદીઓ બની ગઈ હતી. અનેક કારો ડૂબી ગઇ હતી. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સાપો દરમાંથી નીકળી ચારે તરફ ફેલાતાં લોકોની તકલીફોમાં વધારો થયો હતો.
બેંગકોક ફ્લડ કંટ્રોલ સેન્ટરના જણાવ્યા પ્રમાણે સપ્તાહના અંતે થયેલી અનારાધાર વર્ષા આજે પણ ચાલુ રહેતાં સરકારે સ્કૂલો કોલેજો અને સરકારી ઓફીસોમાં રજા રાખી હતી. ખાનગી ઓફીસો, દુકાનો કે ઉદ્યોગો પણ ઠપ્પ રહ્યા હતા. વર્ષાને લીધે સાત લાખથી વધુ લોકોને ભારે અસર થઇ છે. નીચાણવાળા વિસ્તારો તો તળાવોમાં ફેરવાઈ ગયા છે. રોજીંદા તમામ કામકાજ સ્થગિત થયાં છે. ઘરોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. કેટલાયે સ્થળોએ તો પાણીની સાથે સાપ પણ ઘૂસી આવતાં હડકંપ મચી ગયો હતો.
વિમાનગૃહો ઉપર પણ આની અસર થઇ છે. આ વર્ષા સહજ રીતે છેક અંદરના ભાગો સુધી પહોંચી છે. બેંગકોક વિમાનગૃહના રનવે પાણીમાં ડૂબાડૂબ થઇ જતાં કેટલાયે ઉડ્ડયનો અને ઉત્તરાણો રદ કરવાં પડયાં છે. પછીથી પાણી ઓસરતાં ધીમે ધીમે વિમાન વ્યવહાર શરૂ થયો. પરંતુ બેંગકોકથી ઉપડતી બધી જ ફ્લાઇટો મોડી થઇ હતી તેથી મુસાફરોને ભારે મુશ્કેલી થઇ હતી. બેંગકોકમાં તો એરબેઝની સહાયતા માટે આર્મીના જવાનોને બોલાવવા પડયા હતા. વિમાનોના ડીપાચર્સ કલાકો સુધી મોડા થતાં યાત્રીઓને આસપાસની હોટલોમાં લઇ જવા અનિવાર્ય હતા. તેમને પહોંચાડવા માટે મીલીટરીની મોટી બસો લાવવી પડી હતી.
થાઈલેન્ડ સરકારે સોમ અને મંગળવારના દિવસોએ રજા જાહેર કરી છે. બીજી તરફ દેશના ઉત્તરના અને પૂર્વના ભાગો પણ ભારે વરસાદને લીધે જળબંબાકાર બનતાં પ્રશાસને લોકોને નદી કિનારાઓથી દૂર રહેવા તથા નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા કહેવા સાથે લેન્ડ સ્લાઇડથી સાવચેત રહેવાથી જણાવ્યું છે.