World

14 વર્ષમાં 6.8 લાખ પેંગ્વિન ગાયબ! એન્ટાર્કટિકાની સૌથી મોટી વસાહતનું શું થયું?

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
એન્ટાર્કટિકાના ઝાવોડોવ્સ્કી ટાપુ પરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માત્ર 14 વર્ષમાં 6.8 લાખથી વધુ ચિનસ્ટ્રેપ પેંગ્વિન ગાયબ થઈ ગયા છે, જે 63%નો ઘટાડો દર્શાવે છે. 2011માં 10.9 લાખ હતા, જે 2025 સુધીમાં ઘટીને 4.02 લાખ થયા છે. ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું વધતું તાપમાન મુખ્ય કારણ છે, જેનાથી પેંગ્વિનના મુખ્ય ખોરાક 'ક્રિલ'ની અછત સર્જાઈ છે. આ ક્લાઇમેટ ચેન્જની ભયાનક ચેતવણી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

14 વર્ષમાં 6.8 લાખ પેંગ્વિન ગાયબ! એન્ટાર્કટિકાની સૌથી મોટી વસાહતનું શું થયું?

Climate Change Threat: એન્ટાર્કટિકાના છેવાડાના વિસ્તારોમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માત્ર 14 વર્ષના ટૂંકા સમયગાળામાં 6.8 લાખથી વધુ પેંગ્વિન ગાયબ થઈ ગયા છે! આ આંકડો કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આપણી પૃથ્વીની બદલાતી આબોહવાની ભયાનક ચેતવણી છે. ચાલો સમજીએ કે વિશ્વની સૌથી મોટી પેંગ્વિન વસાહત ગણાતા આ વિસ્તારમાં આવું કેમ બની રહ્યું છે.

વસ્તીમાં 63%નો ચોંકાવનારો ઘટાડો

એન્ટાર્કટિકાના સાઉથ સેન્ડવિચ ટાપુ સમૂહમાં આવેલો 'ઝાવોડોવ્સ્કી ટાપુ' એક સમયે વિશ્વની સૌથી મોટી પેંગ્વિન વસાહત તરીકે ઓળખાતો હતો. અહીં મુખ્યત્વે 'ચિનસ્ટ્રેપ’ પ્રજાતિના પેંગ્વિન રહે છે. 'કરન્ટ બાયોલોજી જર્નલ'માં પ્રકાશિત થયેલા નવા રિપોર્ટ મુજબ, વર્ષ 2011 થી 2025 ની વચ્ચે, 14 વર્ષના સમયગાળામાં અહીં પેંગ્વિનની વસ્તીમાં 63 ટકાનો અધધ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011 માં અહીં આશરે 10.9 લાખ ચિનસ્ટ્રેપ પેંગ્વિન હતા, જે 2025 સુધીમાં ઘટીને માત્ર 4.02 લાખ રહી ગયા છે.

પેંગ્વિન કેમ ગાયબ થઈ રહ્યા છે?

બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે (BAS) ના વિજ્ઞાનીઓએ ડ્રોન, સેટેલાઇટ ફોટોગ્રાફ્સ અને પેંગ્વિનના શરીર પર લગાવેલા ટ્રેકિંગ ડિવાઇસની મદદથી આ સંશોધન કર્યું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું વધતું તાપમાન છે. ચિનસ્ટ્રેપ પેંગ્વિનનો મુખ્ય ખોરાક 'એન્ટાર્કટિક ક્રિલ' છે. ક્રિલ એ ઝીંગા જેવો એક નાનો દરિયાઈ જીવ છે. સમુદ્રનું પાણી ગરમ થવાને કારણે આ ક્રિલનું રહેઠાણ બદલાઈ ગયું છે. ટ્રેકિંગ ડિવાઇસના ડેટાથી જાણવા મળ્યું કે હવે પેંગ્વિનને ક્રિલ શોધવા માટે ટાપુના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઠંડા પાણી તરફ ભટકવું પડે છે. ખોરાકની આવી અછત અને સંઘર્ષ પેંગ્વિનના સ્વાસ્થ્ય તેમજ તેમના બચ્ચાના ઉછેર પર ગંભીર અસર કરી રહ્યા છે.

જ્વાળામુખી વિસ્ફોટની ભૂમિકા

વર્ષ 2016 માં આ ટાપુ પર એક મોટો જ્વાળામુખી ફાટ્યો હતો. વિજ્ઞાનીઓએ તપાસ કરી કે શું પેંગ્વિનના મોતના કારણમાં આ વિસ્ફોટ જવાબદાર છે? પરંતુ ડેટા દર્શાવે છે કે પેંગ્વિનની સંખ્યામાં ઘટાડો તો 2016 પહેલા જ શરૂ થઈ ગયો હતો. તેથી જ્વાળામુખીને મુખ્ય કારણ માનવામાં આવતું નથી, સમુદ્રના તાપમાનમાં થતા ફેરફારો જ આ વિનાશ માટે જવાબદાર છે.

હવે ક્યાં છે પેંગ્વિનની સૌથી મોટી વસાહત?

ચિનસ્ટ્રેપ પેંગ્વિનની વસ્તી ઘટવાથી ઝાવોડોવસ્કી ટાપુએ ‘વિશ્વની સૌથી મોટી પેંગ્વિન વસાહત’ હોવાનો રેકોર્ડ ગુમાવી દીધો છે. હવે એન્ટાર્કટિકાના રોસ સમુદ્રમાં આવેલ 'કેપ અડારે' (Cape Adare) વિસ્તારને વિશ્વની સૌથી મોટી વસાહત માનવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં 'એડેલી પેંગ્વિન' વસવાટ કરે છે.

ક્લાઇમેટ ચેન્જની અસર તમામ જીવો પર એકસમાન હોય છે?

આશ્ચર્યની વાત એ છે કે, ઝાવોડોવસ્કી ટાપુ પર જ જોવા મળતી બીજી પ્રજાતિ 'મેકરોની પેંગ્વિન'ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આનો સીધો અર્થ એ છે કે પર્યાવરણ અને સમુદ્રના ફેરફારોની અસર બધી પ્રજાતિઓ પર એકસરખી થતી નથી.

ચિંતાનો વિષય

આ રિપોર્ટ સાબિત કરે છે કે પૃથ્વીના જે વિસ્તારોમાં માનવ વસવાટ બિલકુલ નથી, ત્યાં પણ ક્લાઇમેટ ચેન્જની ઘાતક અસરો પહોંચી ગઈ છે. જો સમુદ્રનું તાપમાન આમ જ વધતું રહેશે અને ક્રિલની અછત વર્તાશે, તો પેંગ્વિનની વસ્તી બચાવવી અશક્ય બની જશે. વિજ્ઞાનીઓ હવે આ ઘટાડાને રોકવા માટે તાત્કાલિક કયા પગલાં લઈ શકાય તેની શોધમાં લાગી ગયા છે.