ચીનમાં ભૂસ્ખલન થતાં 21 લોકોના દર્દનાક મોત, પૂર વચ્ચે રહેણાક વિસ્તારમાં 800થી વધુ સાપ ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Landslide: કુદરતી આફતોનો સામનો કરી રહેલા ચીનમાંથી હાલમાં ડરાવી દે તેવા બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ ઉત્તર-પશ્ચિમ ચીનમાં થયેલા ભીષણ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 21 પર પહોંચી ગયો છે, તો બીજી તરફ ગુઆંગ્શી વિસ્તારમાં પૂરના પાણી સાથે સેંકડો ખતરનાક સાપ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પૂર વચ્ચે રહેણાક વિસ્તારમાં 800થી વધુ સાપ ઘૂસ્યા
તમને જણાવી દઈએ કે, ચીનમાં ટાયફૂન 'માયસેક'ના કારણે ગુઆંગ્શી વિસ્તારમાં આવેલું પૂર હવે એક નવો અને અનોખો ખતરો લઈને આવ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે હેંગઝોઉના એક ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં એક સ્નેક ફાર્મ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે.
આ દુર્ઘટનાના કારણે ફાર્મમાંથી 800થી વધુ સાપ પાણીમાં તણાઈ ગયા હતા અને આસપાસના ગામોમાં ફેલાઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે વહીવટીતંત્ર પૂરની સાથે-સાથે આ સાપના ખતરાથી નિપટવાના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે.
ચીનમાં ભૂસ્ખલન થતાં 21 લોકોના દર્દનાક મોત
ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે ગાન્સુ પ્રાંતના લોંગનાન શહેરમાં મંગળવારે સવારે લગભગ 7:00 વાગ્યે અચાનક થયેલા ભીષણ ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે. માટીના કાટમાળ નીચે કુલ 33 લોકો જીવતા દફનાઈ ગયા હતા.
સઘન રેસ્ક્યૂ ઓપરેશન
બુધવાર સવાર સુધી ચાલેલા સઘન રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યંત દુઃખદ બાબત એ છે કે તેમાંથી 21 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જોકે રાહતના સમાચાર એ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 5 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે 7 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે.
ભૂસ્ખલનના કારણોની તપાસ ચાલુ
રિપોર્ટસ પ્રમાણે હાલમાં આ ભૂસ્ખલન પાછળના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. સરકારી ટીવી ચેનલ 'સીસીટીવી' દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આકાશ બિલકુલ સાફ છે અને તડકો નીકળેલો છે, જેની વચ્ચે રેસ્ક્યૂ ટીમો અને ત્રણ મોટી JCB મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયેલી છે. વહીવટીતંત્ર હવે આ ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે.









