હોર્મુઝમાં મોતનું જોખમ ! યુદ્ધ બાદ અત્યાર સુધીમાં 13 ભારતીયોના મોત, 3 લાપતા, ભારતની ચિંતા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Strait Crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનું સૌથી મોટું નુકસાન ભારતીય નાગરિકો, ખાસ કરીને દરિયાઈ નાવિકોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ખાડી વિસ્તારમાં 13 ભારતીય નાવિકોના મોત થયા છે, જ્યારે 3 અન્ય હજુ પણ ગુમ છે. આ વિસ્તારોમાં વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓમાં જીવ ગુમાવનારા વિદેશી નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.
અમેરિકા-ઈરાન જંગથી તણાવ વધ્યો
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ સાથે મળીને ઈરાન વિરૂદ્ધ 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ખૂબ વધી ગયો છે. ઈરાનની જવાબી કાર્યવાહીના કારણે આખો વિસ્તાર મોટા સંકટમાં મુકાયો છે, જેના લીધે વૈશ્વિક દરિયાઈ વેપાર અને જહાજોની અવરજવર પર માઠી અસર પડી રહી છે.
હોર્મુઝ જળમાર્ગ : દુનિયાની ચિંતા વધી
ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળમાર્ગને બંધ કરવાના પ્રયાસો અને વ્યાપારી જહાજો પરના હુમલાઓએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. આ માર્ગ વિશ્વની સૌથી વ્યસ્ત ઉર્જા સપ્લાય લાઈનોમાંનો એક છે. આનાથી વૈશ્વિક વેપાર, ઉર્જા પુરવઠો અને દરિયાઈ સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
ભારતીય નાવિકો પર જોખમ વધતા સરકાર આક્રમક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, તાજેતરમાં જે બે વ્યાપારી જહાજો પર હુમલા થયા, તેમાં કુલ 30 ભારતીય નાવિકો સવાર હતા. જેમાંથી એક જહાજ પરના 12 ભારતીયોમાંથી 1 નાવિકનું મોત થયું છે, જ્યારે બીજા જહાજ પરના 18 ભારતીયોમાંથી 9 ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારત આ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ભારતે હુમલા બંધ કરવા કરી અપીલ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, 'વ્યાપારી જહાજો અને નાગરિક માળખા પર થઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ'. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો પર મુક્ત અને સુરક્ષિત અવરજવર દુનિયાની આર્થિક સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા ઈરાનની નાકેબંધી ફરી લાગુ કરી રહ્યું છે. હવે હોર્મુઝ જળમાર્ગ પરથી પસાર થતા જહાજોની સુરક્ષાના બદલામાં 20 ટકા ટેક્સ લેવામાં આવશે, જેથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને દુનિયા માટે ખુલ્લો રાખી શકાય.









