World

પાકિસ્તાનમાં મદરેસાના વિસ્તરણ માટે 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું! સરકારે કહ્યું- વરસાદથી તૂટી પડ્યું

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. નજીકના મદરેસાના વિસ્તરણ માટે આ ઐતિહાસિક મંદિરને ધ્વસ્ત કરાયું હોવાના આક્ષેપો છે. જોકે, સરકાર ભારે વરસાદથી મંદિર પડ્યું હોવાનો દાવો કરે છે. આ ઘટનાથી લઘુમતી સમુદાય અને માનવાધિકાર કાર્યકરોમાં રોષ ફેલાયો છે. તેમણે નિષ્પક્ષ તપાસ અને મંદિરના પુનઃનિર્માણની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં મદરેસાના વિસ્તરણ માટે 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું! સરકારે કહ્યું- વરસાદથી તૂટી પડ્યું

125-Year-Old Hindu Temple Demolished in Pakistan: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 125 વર્ષ જૂના એક પ્રાચીન હિન્દુ મંદિરને તોડી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, નજીકમાં આવેલા એક મદરેસાના વિસ્તરણ માટે આ ઐતિહાસિક મંદિરને તોડી પાડવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ લઘુમતી સમુદાય અને માનવાધિકાર કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ તથા મંદિરના પુનઃનિર્માણની માંગ કરી છે.

મદરેસાના વિસ્તાર માટે મંદિર તોડાયાનો આરોપ

મીડિયા રિપોર્ટ મુજબ, પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલું આ આશરે 125 વર્ષ જૂનું મંદિર ઓગસ્ટ મહિનામાં તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક લઘુમતી સંગઠનો અને રાજકીય પક્ષોના મતે, એક કટ્ટરપંથી સંગઠનના સભ્યોએ મદરેસા માટે જમીન ખાલી કરાવવા મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ મંદિરનો કાટમાળ અને કિંમતી ધાતુની સામગ્રી પણ ત્યાંથી હટાવી દેવામાં આવી હોવાના આરોપો લાગ્યા છે.

સરકારનો દાવો: ભારે વરસાદને કારણે મંદિર જાતે જ ધસી પડ્યું

બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)એ મંદિર તોડવાના આરોપોને નકારી કાઢ્યા છે. સરકારી અધિકારીઓએ દાવો કર્યો છે કે, 'આ મંદિર ઘણું જૂનું અને જર્જરિત હોવાથી ભારે વરસાદને કારણે પોતે જ પડી ગયું હતું.' સરકારી ચોપડે મંદિરનું કોઈ ચોક્કસ નામ નોંધાયેલું ન હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, 'મંદિરની નજીકની જમીન મદરેસા માટે લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ તે મંદિરની માલિકીની જમીન નહોતી.'

ગેરકાયદેસર કબ્જો અને વહીવટીતંત્રની બેદરકારી

લઘુમતી નેતાઓના જણાવ્યા અનુસાર, મંદિર સાથે જોડાયેલી જમીનની લીઝ શરતોનો ભંગ થવાને કારણે અગાઉ જ રદ કરવામાં આવી હતી અને તેને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે આ આદેશનો અમલ કરાવ્યો ન હતો. સ્થાનિક હિન્દુ સમુદાયના નેતાઓએ જણાવ્યું કે ડરના વાતાવરણને કારણે સ્થાનિક હિન્દુઓ તે સ્થળે જતા પણ અચકાઈ રહ્યા છે.

ઉચ્ચ સ્તરીય તપાસ અને સુરક્ષાની માંગ

પાકિસ્તાનના લઘુમતી સંગઠનોએ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ અને શાહબાઝ શરીફ સરકાર પાસે માગ કરી છે કે આ ઘટનામાં સામેલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સમગ્ર પંજાબ પ્રાંતમાં આવેલા હિન્દુ મંદિરો, શીખ ગુરુદ્વારાઓ અને ચર્ચ સહિતના તમામ લઘુમતી ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ પ્રાચીન મંદિરનું તેના મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરાવવામાં આવે.