જો બાઇડન ફરી કન્ફ્યુઝ ! ટ્રમ્પને 'લૂઝર' કહ્યા બાદ મંચ પરથી નીચે ઉતરવાનો રસ્તો ભૂલ્યા, VIDEO વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Joe Biden Calls Trump Loser : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને વર્તમાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ટ્રમ્પને 'લૂઝર' કહેતા જોવા મળી રહ્યા છે. પરંતુ ભાષણ પૂરું કર્યા પછી, તેઓ સ્ટેજ પરથી ઉતરતી વખતે ખૂબ જ કન્ફ્યુઝ દેખાય છે. મેરીલેન્ડના બાલ્ટીમોરમાં આયોજિત એક ડેમોક્રેટિક પાર્ટીના સમારોહમાં બાઇડને ટ્રમ્પની ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે લિન્કન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પૂલના વિવાદિત રિનોવેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બાઇડન જ્યારે પ્રમુખ હતા ત્યારે તેમની ઉંમર અને માનસિક સ્વાસ્થ્યને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા હતા. આ જ કારણે બાઇડને 2024ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની રેસમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. હવે ફરી મંચ પર તેમને અસમંજસમાં જોઈને તેમની તબિયતને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
'વાહ! કેવો લૂઝર છે…'
બાઇડને પોતાના ભાષણ દરમિયાન કહ્યું, 'આ માત્ર તેમના વેનિટી પ્રોજેક્ટ્સ નથી. પોતાના બોલરૂમ માટે જગ્યા બનાવવા વ્હાઇટ હાઉસના ઈસ્ટ વિંગને તોડી પાડવું, કેનેડી સેન્ટર પર પોતાનું નામ લખવું, પોતાના સન્માનમાં એક આર્ક (કમાન) બનાવવી, એટલું જ નહીં પણ રિફ્લેક્ટિંગ પૂલને ઠીક કરવા માટે, પોતાના જ પૂલ વાળા માણસને કામ પર રાખવો. વાહ! કેવો લૂઝર છે.'
વેનિટી પ્રોજેક્ટ્સ પર ટ્રમ્પને ઘેર્યા
CNNના અહેવાલ મુજબ, લિન્કન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પૂલના વિવાદિત રિનોવેશન અંગે બાઇડને કહ્યું, 'રિફ્લેક્ટિંગ પૂલ આ વહીવટીતંત્રના કેન્દ્રમાં રહેલી સંકુચિતતા અને અક્ષમતા કરતાં પણ કંઈક વધુ ખરાબ દર્શાવે છે. આ ભ્રષ્ટાચાર છે, નિર્લજ્જ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. અમેરિકી ઇતિહાસમાં કોઈપણ વહીવટીતંત્રમાં આ સ્તર પર ભ્રષ્ટાચાર ક્યારેય જોવામાં આવ્યો નથી.' ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, બાઇડને ત્યાં હાજર લોકોને એવું પણ કહ્યું, 'શું તમે નોંધ્યું છે કે, અમેરિકનો કહી રહ્યા છે કે, બાઇડન વહીવટીતંત્ર હેઠળ અર્થતંત્ર ટ્રમ્પના મુકાબલે ઘણું સારું છે?'
ભાષણ પછી મંચ પર ભટક્યા બાઇડન
પોતાનું ભાષણ પૂરું કર્યા પછી જો બાઇડન મંચ પરથી ઉતરવાનો રસ્તો ભૂલી ગયા હતા. તેઓ તદ્દન કન્ફ્યુઝ દેખાતા હતા. સાચો રસ્તો શોધવા માટે તેઓ મદદ માટે ઈશારો કરતા પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિકાગોમાં બરાક ઓબામા રાષ્ટ્રપ્રમુખ પુસ્તકાલયના ઉદ્ઘાટન વખતે પણ બાઇડન મંચ પર થોડીવાર માટે અસમંજસમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્યારે તેમણે પોડિયમ તરફ આગળ વધતા પૂછ્યું હતું કે, 'મારી પૌત્રી ક્યાં છે?' તે સમયે તેમની પત્ની જીલ બાઇડન તેમની સાથે હતા, અને તેમની મદદ કરી રહ્યા હતા.









