Int ane Imarat

જિંદગીથી પરવારી જવાનો વિચાર કરો, ત્યારે શર્મિલાને યાદ કરો

By GS Team
27 Aug 20268 mins read
જિંદગીથી પરવારી જવાનો વિચાર કરો, ત્યારે શર્મિલાને યાદ કરો
  • પોલિયો એ મારા શરીરની મર્યાદા છે, મારાં સપનાંઓની નહીં
  • શર્મિલા ધનખર
  • વફા કી રાહ મેં હમને તો લુટા દી દુનિયા,
    જિસે અપના કહા, વહી સિતમગર નિકલા.

સામે આપત્તિનો ગગનચુંબી પહાડ ખડો હોય છતાં એના પર હિંમતભેર આરોહણ કરીને જીતનારા તો તમને જગતમાં ઘણા જડશે. આપત્તિનો આખોય પહાડ માથા પર સતત ઝળુંબતો હોય અને જીવન જીવનારા પણ કેટલાક વિરલા મળશે, પણ ગરીબી, ઘરેલું હિંસા, પોલિયો અને આર્થિક સંકડામણની આપત્તિના પહાડ સામે ઝઝૂમીને વિજય મેળવનારા શર્મિલા ધનખર જેવા કોઈક જ મળશે.
જિંદગીમાં આવતી એકાદ આપત્તિથી આજનો માનવી અકળાઈ જાય છે, ગુસ્સે ભરાઈ જાય છે, હતાશ થઈ જાય છે કે પછી કાયર થઈને આત્મહત્યાનો આશરો લે છે. જિંદગીની આવી સઘળી આપત્તિઓનો તમે હિસાબ લગાવો અને એ સઘળી આપત્તિઓ સહન કરનારી શર્મિલા ધનખરના જીવનને જુઓ, તો ખ્યાલ આવશે કે જિંદગી એ જોશ અને જઝબાતથી જીવનારી મોજીલી કહાની છે.
શર્મિલા ધનખરનાં જીવનનાં પ્રારંભે જ અંધારું ફેલાઈ ગયું. માત્ર બે વર્ષની ઉંમરે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના છિથૌલી ગામમાં જન્મેલી શર્મિલાનાં જીવનનાં શ્રીગણેશ જ આફતોની આંધી સાથે થયા. એ માત્ર બે વર્ષની હતી અને એને પોલિયો થયો અને એને પરિણામે એનો એક પગ સદાને માટે લકવાગ્રસ્ત થઈ ગયો. થોડી જમીન પર સામાન્ય ખેતી કરીને માંડ ઘરના બે છેડા ભેગા કરનાર એના પિતાને યોગ્ય સારવાર તો ક્યાંથી પરવડી શકે? વળી શર્મિલાની માતા સંતોષ તો જન્મથી જ દ્રષ્ટિહીન હતી. આવી ગરીબીમાં જન્મેલી પોલિયોગ્રસ્ત શર્મિલા સ્કૂલમાં દાખલ થઈ અને પહેલા ધોરણથી દસમા ધોરણ સુધી એ હંમેશા પોતાના વર્ગમાં પ્રથમ આવતી હતી, પણ વધુ અભ્યાસ કરાવે તેવી ઘરની સ્થિતિ નહોતી.
૧૯વર્ષની વયે શર્મિલાનાં લગ્ન લાખુ સાથે થયા અને એ લગ્ન શર્મિલાનાં જીવનમાં અનેક આફતો લઈને આવ્યું. એનો પતિ સતત દારુના નશામાં રહેતો હતો. શર્મિલાને માર મારતો હતો. આજેય ૨૦૧૨નો એ દિવસ શર્મિલા ભૂલી નથી કે જ્યારે એના વ્યસની પતિએ એને નિર્વસ્ત્ર કરીને એની બંને દીકરીઓ સાથે રેવાડીના ગુરકાવાસમાં આવેલા ઘરમાંથી કાઢી મૂકી હતી. નિર્વસ્ત્ર શર્મિલાને પડોશણોએ આવીને એક રજાઈમાં લપેટી દીધી. એ પછી આવી ઘરેલુ હિંસાનો સામનો કરનાર શર્મિલા એના માતા-પિતા જયલાલ અને સંતોષ પાસે પોતાને ગામ પાછી ચાલી ગઈ. એ દિવસ પછી એણે ક્યારેય એ લાખુના ઘરનો વિચાર કર્યો નથી.
છ વર્ષ બાદ ૨૦૧૮માં એને છૂટાછેડા મળતા શર્મિલાનાં માતા- પિતાએ એના લગ્ન અજિત સિંહ સાથે કરાવ્યા. અજિત સિંહનો લગ્ન માટેનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે શર્મિલાએ એટલું જ માગ્યું કે, 'મને અને મારી પુત્રીઓને સાથ અને ટેકો આપે.' જીવનમાં ચોતરફ પરેશાની જ પામનારી શર્મિલાને અજિતે હૂંફાળો આશરો આપ્યો. એની બંને પુત્રીઓને સંભાળી લીધી. અજિત સબમર્શીબલ ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. એ જ વર્ષે હરિયાણા રોડવેઝ કર્મચારીઓના યુનિયને હડતાલનું એલાન કર્યું, ત્યારે શર્મિલાને ત્રણ મહિનાનાં કરાર પર બસ કન્ડક્ટરની નોકરી મળી. એ રાજ્યની પ્રથમ બસ મહિલા કન્ડક્ટર બની, પરંતુ રૂઢિચુસ્ત સમાજ આ સાંખી શક્યો નહીં. એના સંબંધીઓ એના પર ફિટકાર વરસાવવા લાગ્યા અને આવી નોકરી કરવા બદલ એની ચોતરફ ટીકા કરવા લાગ્યા. આ બસ કન્ડક્ટર તરીકે માત્ર અઢાર દિવસ કામ ક૨વા મળ્યું. હડતાલ સમેટાઈ ગઈ અને શર્મિલાની નોકરી પણ ચાલી ગઈ.
૧૯૮૬ની ૧૫મી ઓગસ્ટે જન્મેલી પોલિયોગ્રસ્ત શર્મિલામાં રહેલી ખેલકૂદની ક્ષમતાને એના પતિ અજિત સિંહે પારખી લીધી. શર્મિલાએ ખેલકૂદના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. એ સમયે શર્મિલાની ઉંમર ૩૪ વર્ષની હતી. સામાન્ય રીતે મેદાની ખેલ કરનાર રમતવીર આટલી મોટી ઉંમરે નિવૃત્તિ લઈ લે અને એમાં પણ શર્મિલાની માફક એક પગ પોલિયોગ્રસ્ત હોય, ત્યારે તો ખેલકૂદની કલ્પના ક્યાંથી થાય, પરંતુ શર્મિલાનાં પતિ અજિત સિંહે એને ૨મતો માટે પ્રોત્સાહિત કરી. એને કહ્યું કે, 'એ કબડ્ડીની ૨મતમાં ભાગ લે.' એને માટે પેરા-એથ્લેટિક્સના કોચ પેરાલિમ્પિયન તાલીમબાજ ટેક ચંદ પાસે લઈ ગયા. અજિત પાસે તાલીમી ખર્ચ નહોતું, આથી એણે લોન લીધી અને સાથોસાથ શર્મિલાને સાથ આપવા માટે નોકરીને તિલાંજલિ આપી દીધી. ધીરેધીરે વધુને વધુ રકમની જરૂ૨ પડવા લાગી, ત્યારે શર્મિલાને પરિવારનું ઘર પણ વેચી નાખવું પડયું. શર્મિલાની દીકરીઓ અનુજ અને લક્ષ્મી પણ આ એથ્લેટિક્સમાં જોડાયા. તાલીમબાજ ટેક ચંદ એફ-૫૭ કેટેગરીમાં ભાગ લઈ ચૂક્યા હતા. આ એફ- ૫૭ એ પેરાલિમ્પિક ફિલ્ડનો એક ખેલ છે અને જેમાં સ્થગિત સ્નાયુઓ, અંગોની ખામી, હલનચલનની મર્યાદિત ક્ષમતા અથવા પગની લંબાઈમાં તફાવત હોય તેવા રમતવીરોને પ્રવેશ મળે છે. આવા દિવ્યાંગ રમતવીરો ખુરશી અથવા સ્ટૂલ પર બેસીને શોર્ટપૂટ, ડિસ્કસ થ્રો અને ભાલા ફેંક જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે.
એફ-૫૭ કેટેગરીમાં ટેક ચંદે શર્મિલાને થાંભલાના ટેકાથી થ્રો કરવાની તાલીમ આપી. નીચેનાં અંગોની અશક્તિ અને સ્નાયુઓની અશક્તિ ધરાવતા ખેલાડીઓ માટેની આ કેટેગરીમાં શર્મિલા થ્રો ક૨વાની તાલીમ લેવા માંડી અને કોચ ટેક ચંદે ખાસ એ બાબત પર ધ્યાન આપ્યું કે શર્મિલાની ૨મતનાં મૂળભૂત કૌશલ્યો વધુને વધુ મજબૂત બને. આ પછી શર્મિલાએ સોનપત ખાતે કોચ વીરેન્દ્ર ધનકર પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું અને ગયા વર્ષે દુબઈમાં ૯.૭૭ મીટરનો થ્રો કરીને તેણે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો.
એની દ્રષ્ટિહીન માતાએ જ્યારે આ વાત જાણી ત્યારે એને પારાવાર આનંદ થયો. એણે કહ્યું કે, 'મેં ચાર બાળકોનો ઉછેર કર્યો છે અને આ ઘ૨ ચલાવ્યું છે અને જ્યારે શર્મિલાને પૈસાની જરૂર પડી, ત્યારે અમે અમારી જમીન વેચી દીધી છે.'
શર્મિલાએ અગાઉ બર્મિંગહામ પેરા-કોમનવેલ્થ ગેમ્સ અને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાને આવી હતી. શર્મિલાનું સ્વપ્ન હતું કે રાષ્ટ્રને માટે ખિતાબ જીતવો અને આને માટે એણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પર નજર ઠેરવી. એક વર્ષ પૂર્વે શર્મિલાના પિતાનું અવસાન થયું અને એની માતા સંતોષે પરિવારની અડધો એકર જમીન વેચી દીધી, પોતાનું ઘર પણ વેચી દીધું અને ભાડાના ઘરમાં ૨હેવા ગ્યા. માત્ર એટલી જ તમન્ના કે મારી પુત્રી સતત આગળ વધીને એનાં સપનાં સિદ્ધ કરે.
એ પછી આ વર્ષે યોજાયેલી ફઝ્ઝા ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક્સ મીટમાં એણે શોર્ટપૂટ અને ડિસ્કસ થ્રોમાં ભાગ લીધો. શોર્ટપૂટમાં ૯.૮૧ મીટર સુધી ફેંક્યો અને તે એની સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, પણ એથીયે વધુ તો ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સના પેરા શોર્ટપૂટ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને શર્મિલાએ નવો ઇતિહાસ રચ્યો. છેલ્લાં વીસ વર્ષથી ભારત આ સ્પર્ધામાં ચંદ્રકની રાહ જોતું હતું. આપણા દેશને આ ૨મતમાં સર્વપ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો અને શર્મિલા ધનખરની સિદ્ધિ એ રાષ્ટ્ર માટે ગૌરવભરી બની રહી.
પોતાના વિજય બાદ શર્મિલાએ એની માતા, પુત્રીઓ અને પતિ અજિત સિંહને ફોન કરીને પોતાની ખુશી વહેંચી હતી. શર્મિલાની માતા દ્રષ્ટિહીન હોવાથી એણે પોતાની પુત્રીના વિજયનાં સમાચારો સાંભળ્યા અને એની ઉજવણી કરવા માટે પુત્રીને ગમતી દહીં ચુરમા અથવા બાજરાનો ચુરમો બનાવીને એની રાહ જોવા લાગી.
ગ્લાસગોમાં શર્મિલાએ સુવર્ણ ચંદ્રક હાથમાં રાખીને ભારતની પ્રત્યેક મહિલાઓ અને પુત્રીઓને સંદેશ આપ્યો કે હિંસા અને અત્યાચાર સામે લડત આપો. તેનો હિંમતભેર પ્રતિકાર કરો. શર્મિલાનો આ વિજય એ માત્ર ગોલ્ડમેડલની પ્રાપ્તિનો, રમતગમતમાં મેળવેલી સિદ્ધિનો વિજય નથી, પરંતુ જીવનનાં પારાવાર સંઘર્ષોની વચ્ચે અડગ મનથી આગળ વધતા રહીને મેળવેલા વિજયનું પ્રતીક બની છે.
જિંદગીમાં અનેક આફતોની વણઝાર સાથે અને ભૂતકાળના પારાવાર સંઘર્ષો સહન કરીને એણે સિદ્ધ કર્યું કે ૩૪ વર્ષની ઉંમરે દિવ્યાંગ હોઈએ, તો પણ રમત ખેલી શકીએ છીએ અને ચાલીસ વર્ષની ઉંમરે તો દેશ માટે ઐતિહાસિક અને અજોડ સિદ્ધિ મેળવી શકીએ છીએ. પોતાના ભાંગી ગયેલા વૈવાહિક જીવનમાંથી બહાર આવીને દિવ્યાંગ શર્મિલાએ પોતાની બે પુત્રીઓને નવું જીવન આપ્યું અને ખેલના મેદાન પર ભારતને ગૌરવ અપાવ્યું.
આ સમયે પેરાલિમ્પિક કમિટિ ઓફ ઇન્ડિયાના મુખ્ય કોચ સત્યનારાયણે કહ્યું, 'ગ્લાસગોમાં અત્યંત ઠંડી હતી છતાં શર્મિલાએ આ ૨મતમાં એનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. એ જે રીતે તાલીમ લે છે એ જોતા એમ લાગે છે કે ચાલીસ વર્ષની શર્મિલા હજી ચાર-પાંચ વર્ષ સુધી એ ૨મતનાં મેદાનમાં ખેલતી રહેશે. કોચના કહેવા પ્રમાણે શર્મિલાની શ્રેષ્ઠ સિદ્ધિઓ આવવાની હજી બાકી છે.'
શર્મિલાની જીતની ઉજવણી એની બે પુત્રીઓ અનુજ અને લક્ષ્મીએ ફટાકડા ફોડીને કરી અને હવે શર્મિલાને એક જ ઇચ્છા છે. એ કહે છે કે, 'મેં ૩૩ વર્ષની ઉંમરે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. હવે હું ઇચ્છું છું કે મારી બંને દીકરીઓ પણ ગેમ્સ માટે ક્વોલિફાઈડ થાય. અનુજ ભાલા ફેંકમાં અને લક્ષ્મી લાંબી કૂદમાં! અને એક દિવસ અમે ત્રણેય સાથે મળીને સ્પર્ધામાં ભાગ લેતા હોઈએ.'

પ્રસંગકથા
સફાળા જાગીએ અને વળી પાછા ઠેરના ઠેર
નગરના મુખ્ય માર્ગ પર થયેલા ટ્રાફિક જામને કારણે કેટલીય મોટરો અને બીજાં વાહનો અટકી ગયા હતા. ૨મણલાલે જોયું કે આ ટ્રાફિક જામ એવો છે કે એમાં મોટર સહેજે આગળ ચાલે તેમ નથી, તેથી એનું કારણ જાણવા માટે મોટરમાંથી નીચે ઉતર્યા.
સામેથી ટ્રાફિક પોલીસને આવતો જોયો એટલે રમણલાલે પૂછયું, 'અરે ભાઈ, શું થયું છે? આટલો બધો ટ્રાફિક જામ થયો છે, એનું કારણ શું?'
ટ્રાફિક પોલીસે કહ્યું, 'સાહેબ, એક દારૂડિયો રસ્તાની વચ્ચે સૂતો છે અને એ કહે છે કે ગઈકાલે જુગારમાં એણે પાંચસો રૂપિયા ગુમાવ્યા છે. અત્યારે એ ૨કમ એને આપવાની છે. જો આટલી રકમ મળશે, તો એ રસ્તા પરથી ઊભો થશે, નહીં તો એ દસ લિટર કેરોસિન છાંટીને અગ્નિસ્નાન કરવાની ધમકી આપે છે.'
'ઓહોહો! આ તો ઘણી વિચિત્ર પરિસ્થિતિ કહેવાય. હવે તમે શું કરશો?'
'બીજું શું કરીએ? અત્યારે તો સાહેબ ટ્રાફિક ક્લિયર થાય એ માટે ફાળો ઉઘરાવીએ છીએ.'
'બહુ સાચી વાત.' ૨મણલાલે કહ્યું, 'આ ઓફિસના સમયે તો ટ્રાફિક જેટલો વહેલો ક્લિયર થાય એટલું સારું. કેટલો ફાળો થયો છે?'
'સાહેબ, હજી માત્ર ચાર પેટ્રોલ લિટર મળ્યું છે. છ લિટર બાકી છે.'

  • આ વાત અમને એટલા માટે યાદ આવી કે કોઈ પણ સમસ્યા જાગે, જ્યારે ટ્રાફિક જામ થાય, ત્યારે સહુ એકાએક સફાળા જાગી જાય છે. દેશમાં ચોમેર ભ્રષ્ટાચાર અને ભેળસેળની બોલબાલા છે. વર્ષોથી હોટલ, રેસ્ટોરન્ટ કે લારીઓમાં સ્વચ્છતા કે આરોગ્યના કોઈ નિયમો પાળવામાં આવતા નહીં. વળી એમાં અપાતી વાનગીઓમાં ભેળસેળ જોવા મળતી. આને કારણે પ્રજાના સ્વાસ્થ્ય પર ભારે બૂરી અસર થતી, પરંતુ કોને આની પરવા છે? થોડો સમય એકાદ આંદોલન જાગે, થોડી કાર્યવાહી થાય અને પછી પાછું બધું ઠેરના ઠેર! જેવું હતું તેવું! ભેળસેળમુક્ત વાનગીઓ અંગે પગલાં લેવાય છે, અસ્વચ્છ હોવાને કારણે હોટલ બંધ કરવામાં આવે છે, પણ આ બધું થોડા સમય માટે જ. કોઈ એને જડમૂળથી નાશ કરવાનો નિર્ધાર કરતું નથી. દારૂડિયાની વાતને સમજવાને બદલે અગ્નિસ્નાન માટે પેટ્રોલ ઉઘરાવે છે!