કારાવાસની કાળી કોટડી જોશુઆ વોંગની ઉજળી આશાને રુંધી શકતી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતની જેમ હોંગકોંગને મધરાતે બ્રિટીશ શાસનમાંથી મુક્તિ મળી !
- તુમ મિલતે હો ઔર મિલકે બિછડ જાતે હો,
તુમ ખિલતે હો ઔર ખિલકે મૂરઝા જાતે હો,
તુમ શમા હો ઔર જલકે ફિર બૂઝ જાતી હો,
તુમ હંસતે હો ઔર યૂં હી ઉદાસ હો જાતે હો.
ઇતિહાસ પોતાનું પડખું ફે૨વતો હતો અને હોંગકોંગ પર ચીનના આધિપત્યની સ્થાપનાનો એ દિવસ હતો. ૧૯૯૭ની પહેલી જુલાઈએ નાનકડો હોંગકોંગ ટાપુ 'સેલિબ્રેશન'ના ચમકતા અક્ષરોવાળી નિયોન લાઈટથી ઝગમગતો હતો. ચીન પર પ્રભુત્વ ધરાવનારા પીપલ્સ લિબરેશન આર્મીના બેન્ડની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ વાતાવરણમાં ગૂંજતી હતી. હૉંગકૉંગ બ્રિટીશ સામ્રાજ્યમાંથી મુક્ત થતું હતું અને ચીન સાથે જોડાતું હતું.
એક બાજુ બ્રિટન પોતાની વિદાયને યાદગાર બનાવવા ચાહતું હતું, તો બીજી બાજુ ચીન હૉંગકૉંગના પ્રભુત્વ સાથે પોતાની તાકાત બતાવવા ઇચ્છતું હતું. આથી હૉંગકૉંગના લોકોને કેટલી રજા આપવી તેમાં પણ બ્રિટન અને ચીન વચ્ચે સ્પર્ધા થઈ. વળી આઝાદી દિવસના પ્રાત:કાળે ટેક્સી અને જાહેર વાહનો પર બે ધ્વજ ફરકતા હતા. એક ચીનનો અને બીજો હૉંગકૉંગનો. જોકે સાથોસાથ સહુને તાકીદ કરવામાં આવી હતી કે હૉંગકૉંગ કરતા ચીનનો ધ્વજ મોટો હોવો જોઈએ અને એ વાહનની જમણી બાજુએ રાખવો.
બ્રિટન અને ચીનની આ સ્પર્ધામાં બ્રિટિશરોએ વિદાય સમયે ચીનાઓ કરતાં વધુ ભવ્ય આતશબાજી કરી, તો એના જવાબ રૂપે હૉંગકૉંગે 'આઝાદીની પુન:પ્રાપ્તિની મહાન ઐતિહાસિક ઘટનાને સમર્પિત' એવી એક ફિલ્મ તમામ સિનેમાગૃહોમાં બતાવવાનું આયોજન કર્યું. આમાં બ્રિટિશ સંસ્થાનવાદે હૉંગકૉંગ પર કરેલા જુલમની વાત હતી. ઈ. સ. ૧૮૦૦ અને ૧૮૫૦ની હૉંગકૉંગની બે ઘટનાઓને બતાવતી 'ઓપિયમ વૉર' નામની ૧૧૬ મિલિયન ડૉલરના ખર્ચે તૈયાર કરેલી આ ફિલ્મ બધે વિનામૂલ્યે બતાવવામાં આવતી હતી. સવા બે કલાકની ફિલ્મના આ નિર્માણની પાછળ સત્તાગ્રહણ કરનારા ચીનના પ્રમુખનો હાથ હોવાની વાત તો મારા યજમાને કહી હતી.
બીજી બાજુ આ સ્પર્ધામાં બ્રિટન પણ ક્યાંથી પાછું પડે ! જે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનું બેન્ડ આઝાદીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરતી હતી, એ જ ચીની લશ્કરે ચીનના ટાઈનાનમેન સ્ક્વેર ૫૨ કરેલી લોહિયા હત્યાઓ બતાવતી 'ધ ગેઇટ્સ ઑફ હેવનલી પીસ' ફિલ્મ બ્રિટિશ સત્તાવાળાઓએ પ્રદર્શિત કરી હતી. જોકે વિધિની વક્રતા એવી હતી કે હૉંગકૉંગ પર ચીનની સત્તાનો પંજો ફેલાઈ રહ્યો હતો, ત્યારે ચીને ખાસ ટાઈનાનમેન સ્ક્વેર પર હોંગકોંગની પુન:પ્રાપ્તિનો ઉત્સવ યોજ્યો હતો. આ કેવો રાજકારણનો રંગ કે ૧૯૮૯ની ચોથી જૂને જ્યાં લોકશાહી ચાહતા અનેક યુવાનોની નિર્દય હત્યા થઈ હતી, અને તે પછી જે સ્થળ પર કોઈ વિરોધને વાચા આપવા પર પ્રતિબંધ મુકાયો હતો ને એનો માત્ર લશ્કરી કામકાજ માટે જ ઉપયોગ થતો હતો, ત્યાં એક બીજી લોકશાહીના ધ્વંસના આરંભની ઉજવણી કરવામાં આવતી હતી !
શાસન બદલાય એટલે કેવા કેવા રૂપ, રંગ ને ઢંગ પલટાતા હોય છે ! એ સમયે ચીનમાં મજૂરો માટેના કાયદામાં સામ્યવાદી રંગ હોવાથી પ્રમાણમાં મજૂરોને ઘણી મોકળાશ હતી, આથી હૉંગકૉંગમાં શાસન સંભાળતાં પૂર્વે બ્રિટિશરોએ કરેલા મજૂર કાયદાઓમાંથી પાંચ કાયદાઓ તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી દીધી અને સાથે બીજા પાંચ કાયદા ઉમેરી દીધા. સરકાર વિરોધી દેખાવો અંગે પણ ચીને પહેલી જુલાઈથી જ પોતાના કાયદાઓ હૉંગકૉંગને લાગુ કરી દીધા. આઝાદીની ઉષા સમયે લોકશાહી તરફી જૂથો દેખાવો કરવા કે પછી પોતાનો મેનિફેસ્ટો જાહે૨ ક૨વા માટે હૉંગકૉંગમાં કોઈ કાર્યક્રમ કરે, તે પહેલાં જ ચીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, 'જેવું રાજપરિવર્તન થશે કે તરત જ જો તમે સ૨કા૨- વિરોધી દેખાવો કરશો, તો તમારી ધરપકડ કરીને તમને જેલમાં પૂરી દેવામાં આવશે.'
હૉંગકૉંગના ગવર્નર પેટને વિદાય પ્રવચન આપ્યું. સમારંભના મુખ્ય સ્થળ એવા કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન હૉલમાં કો-ઑર્ડિનેશન કમિટીએ યોજેલી પાર્ટીમાં એકસોથી વધુ અગ્રણીઓએ ભાગ લીધો. સાંજે સવા આઠ વાગ્યે તો વિક્ટોરિયા બંદર ભવ્ય અને રોનકભરી આતશબાજીથી ઝળહળી ઊઠયું. રાત્રે હૉંગકૉંગની વિદાય લેતું બ્રિટિશ બેન્ડ અને દેશપ્રાપ્તિ કરતું ચાઇનિઝ બેન્ડે પોતાના સૂરો રેલાવ્યા. એક ઊંચા સ્ટેજ પર ચારેક હજાર જેટલા અગ્રણીઓ બિરાજમાન થયા, જ્યાંથી વિક્ટોરિયા બંદરનું રમણીય દ્રશ્ય જોઈ શકાતું હતું. રાતના અગિયાર અને પચાસ મિનિટે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે વિદાય-વક્તવ્ય આપ્યું અને ૩૦મી જૂનની મધ્યરાત્રીની થોડીક ક્ષણો પહેલાં બ્રિટિશ સત્તાના પ્રતીક સમો ધ્વજ યુનિયન જેક ઉતારવામાં આવ્યો અને 'ગોડ સેવ ધ કિંગ'ના સૂરો સાથે નીચે બાર વાગ્યા બાદ એકવીસ તોપ-ગર્જના સાથે હૉંગકૉંગ ટાપુ પર ચીની ધ્વજ ફરક્યો. ભારતની જેમ હૉંગકૉંગને પણ મધરાતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી.
એક સમયે ગ્રેટ બ્રિટન અને જાપાનનું આધિપત્ય ભોગવનારો મેઇન લેન્ડ ચીનનો આ ભાગ અર્થાત્ હૉંગકૉંગ પ્રમુખ જિયાંગ જેમિનના પ્રવચન સાથે વિશાળ ચીનનો એક ભાગ બની ગયો. રાત્રીના એક વાગ્યે રૉયલ બ્રિટાનિયા જહાજમાં પ્રિન્સ ચાર્લ્સ અને ગવર્નર પેટને વિદાય લીધી. ૧૯૯૭ના જુલાઈની પહેલી તારીખે પોતાનો સ્વાતંત્ર્યદિન ઊજવતા રાત્રે નવ વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડનો કાર્યક્રમ વિક્ટોરિયા બંદર પર યોજવામાં આવ્યો. આ સમયે કેટલીક વ્યક્તિઓનાં ચિત્તમાં ભારે ચિંતા હતી, કિંતુ ચીને 'એક દેશ, બે પદ્ધતિ'નો સિદ્ધાંત આપીને હોંગકોંગની અસ્મિતા અને તરક્કી જાળવવાનું વચન આપ્યું હતું.
હોંગકોંગ વિરાટકાય ડ્રેગન ચીનમાં સામેલ થઈ રહ્યો હતો, એ ઘટનાથી હૉંગકૉંગવાસીઓનાં મનમાં ઊંડે ઊંડે કેટલીક દહેશત જોવા મળતી હતી. એક વાત એ હતી કે બ્રિટીશ શાસન સમયે હોંગકોંગ એ વિશ્વનું અત્યંત મહત્ત્વનું આર્થિક કેન્દ્ર અને વેપારી બંદર બની રહ્યું હતું. એથીયે વિશેષ ન્યૂયોર્ક અને લંડન પછી વિશ્વનું ત્રીજું ધનપતિઓથી ઊભરાતું શહે૨ બન્યું હતું. કેટલાકના મનમાં ચિંતા હતી કે ચીનમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અને એની સરમુખત્યારી શાસન પદ્ધતિ સમૃદ્ધ હૉંગકૉંગને અભડાવી તો નહીં જાય ને ? તો કેટલાકને ચિંતા હતી કે ચીન હૉંગકૉંગની સત્તા સંભાળશે પછી વ્યાપારમાં ભારે મુશ્કેલીઓ આવશે અને એટલે જ કેટલાક તો પહેલેથી દહેશત અનુભવીને ભારત, સિંગાપોર, મલેશિયા, દુબઈ અને ઓસ્ટ્રેલિયામાં વસવા ચાલ્યા ગયા હતા. ચીનની 'પગ પેસારો' કરવાની નીતિ જાણીતી છે.
સત્તા લોભીઓને એમની લાલચની કોઈ સીમા હોતી નથી અને આથી જ ચીને હૉંગકૉંગની શાળાઓમાં 'મોરલ એન્ડ નેશનલ એજ્યુકેશન'ને નામે એક એવો અભ્યાસક્રમ ઊભો કર્યો કે જેને પરિણામે હોંગકોંગની લોકશાહીનું ગળું દાબી દેવામાં આવે. આની સામે ૨૦૧૪માં હૉંગકૉંગમાં વધુ લોકશાહી અને રાજકીય સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. જોશુઆ વોંગ નામના હોંગકોંગના વિદ્યાર્થી સંગઠનનાં નેતા આ આંદોલનોનો મુખ્ય ચહેરો બન્યા. પોલીસે આંદોલનકારીએ સામે ટીયર ગેસ અને પેપર સ્પ્રે(કાળા મરીનો સ્પ્રે)નો ઉપયોગ કર્યો, ત્યારે એનો સામનો ક૨વા માટે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ છત્રીનો ઉપયોગ કર્યો અને છત્રી એ આ આંદોલનનું પ્રતીક બની ગઈ. ૭૯ દિવસ સુધી આ આંદોલન ચાલ્યું. જોશુઆ વોંગ સહિત ઘણા નેતાઓની ધરપકડ થઈ. આ આંદોલન હોંગકોંગ માટે લોકશાહીયુક્ત ચૂંટણીનું ધ્યેય પ્રાપ્ત કરી શક્યું નહીં, પરંતુ હોંગકોંગના યુવાનોની રાજકીય સક્રિયતા વધી અને જોશુઆ વોંગે જાહે૨ કર્યું કે હૉંગકૉંગના રાજકારણમાં અને તેમાં પણ મુખ્યત્વે લોકશાહી, વધુ સીધી રાજકીય ભાગીદારી અને હૉંગકૉંગના ભવિષ્ય અંગે હોંગકોંગનાં નાગરિકોને નિર્ણય કરવાનો અધિકાર હોવો જોઈએ.
હોંગકોંગની આત્મનિર્ણયની શક્તિ માટે અને એના ભવિષ્ય અંગે નાગરિકોને નિર્ણય ક૨વાની તક આપવા માટે આ આંદોલનો થયા. આ આંદોલનો અહિંસક અને સત્તાના અસહકારના આંદોલનો જેવા હતા. આ સંદર્ભમાં જોશુઆ વોંગને જુદા જુદા કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યો. જેલમાં એણે પુસ્તકો વાંચ્યા, ગિટાર શીખ્યો, કસરત કરી અને નવા શોખ વિકસાવ્યા.
ચીને આજથી છ વર્ષ પહેલાં રાષ્ટ્રીય સલામતી કાયદો પસાર કરીને હૉંગકૉંગની ચૂંટણી વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આણ્યું. એક સમયે 'વન કન્ટ્રી, ટૂ સિસ્ટમ્સ' એવા સૂત્રથી આ દેશો ચીનનો ભાગ છે, પરંતુ એમની રાષ્ટ્રીય વ્યવસ્થા અલાયદી છે, તેમ કહેવામાં આવતું હતું. હવે આજે હૉંગકૉંગને માટે ચીન કહે છે કે, 'એ તો ચીનના બીજા કોઈ સામાન્ય શહે૨ જેવું જ છે.' ચીન કઈ રીતે બીજા દેશો પર પોતાનું પ્રભુત્વ જમાવે છે, એનું ઉદાહરણ આજે હૉંગકૉંગ બની ગયું છે અને બીજી બાજુ જોશુઆ વોંગ જેવા વધુ લોકશાહી અને રાજકીય સુધારાની માગ કરતા વિદ્યાર્થીઓને સતત કારાવાસમાં ગોંધી રાખે છે.
પ્રસંગકથા
દોલતરાય અને ડોનાલ્ડ ટ્રમ્પ
દોલતરાય હૉસ્પિટલમાં દાખલ થયા. ઘણા દિવસો સુધી એમના જુદા જુદા રિપોર્ટ ડૉક્ટરોએ કઢાવ્યા. આખરે રોગનું નિદાન થયું. ડૉક્ટરોએ દોલતરાયના સ્વજનોને બાજુમાં બોલાવીને ખાનગી રીતે કહ્યું, 'દુ:ખના સમાચાર છે, પણ દોલતરાયભાઈને બ્રેઇન ટયુમર છે. માત્ર એટલું કે હજી એની શરૂઆત છે, આથી યોગ્ય ચિકિત્સાને કારણે લાંબુ આયુષ્ય ભોગવી શકશે.'
દોલતરાયની બીમારીના સમાચારથી એમના સ્વજનો ગંભીર બની ગયા. દોલતરાયને પણ સમજાયું નહીં કે કયા કારણે આ બધા આટલા ઊંડા દુ:ખ અને ચિંતામાં પડી ગયા. એમણે આગ્રહપૂર્વક પૂછયું, ત્યારે એમના પત્નીએ કહ્યું,
'બોલતા જીભ ઉપડતી નથી, પણ તમને બ્રેઇન ટયુમર છે.'
રોગનું નામ સાંભળતા જ દોલતરાય આનંદથી ઉછળ્યાં અને સીધા ડૉક્ટર પાસે પહોંચી ગયા અને કહ્યું, 'ડૉક્ટરસાહેબ, મારું એક કામ કરો. મને થયેલા રોગનું નામ લખી આપો અને સાથોસાથ ખરેખર મને આ રોગ થયો છે એવું પ્રમાણપત્ર આપો.'
ડૉક્ટર વિમાસણમાં પડયા, પરંતુ એમણે બે લીટીમાં આ વિગત લખી આપી અને દોલતરાયે પોતાના મિત્રોને બોલાવ્યા. એમણે બધાને એકઠા કરીને, છાતી ફુલાવીને પેલો રિપોર્ટ બતાવતા કહ્યું, 'જુઓ, આ જરા આપણો રિપોર્ટ જુઓ. તમે બધા કહેતા હતા ને કે મારે બ્રેઇન નથી. હું મગજ દોડાવતો નથી, પણ ડૉક્ટરનું પ્રમાણપત્ર જ સાબિત કરે છે કે મારે બ્રેઇન છે, સમજ્યા ?'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે દોલતરાયની માફક ટ્રમ્પે રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનો કરાર કર્યો. અત્યાર સુધી અમેરિકા રશિયા પાસેથી ઑઇલ ખરીદનારા ભારત અને ચીન જેવા દેશો પર એકસો ટકા ટેરિફની ચાબુક લગાવવાની વારંવાર ધમકી આપતા હતા. છેક ૨૦૨૨થી અમેરિકાએ રશિયાનાં ઑઇલ પર પ્રતિબંધો મૂક્યા હતા અને રશિયા પાસેથી ઑઇલ ખરીદનારને સખત પ્રતિબંધોનો સામનો ક૨વાની સતત ચેતવણી આપતા હતા.
દોલતરાયની જેમ અમેરિકાએ પાઘડી ફેરવીને રશિયા પાસેથી ડિઝલ ખરીદવાનું નક્કી કર્યું. આ નવેમ્બર સુધીમાં આઠ લાખ ટન ડિઝલ અને એ પછી દસ લાખ ટન ડિઝલનો પુરવઠો પૂરો પાડવામાં આવશે અને જો બધું બરાબર રહ્યું તો ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો તો રશિયા પાસેથી ત્રીસ લાખ ટન ડિઝલ મેળવવાનો છે. આખી વાત જ બદલાઈ ગઈ, ગુનેગારને સજા આપનાર ન્યાયાધીશ ખુદ ગુનો આચરવા લાગ્યા. ટ્રમ્પ પોતાના નિવેદનો ફેરવી તોળે છે અને પછી એની યોગ્યતાનું પ્રમાણપત્ર આપે છે.




