Int ane Imarat

ઓહ ! આ ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાાની એક પાદરીનું ઘર માગે છે

By GS Team
2 Jul 20267 mins read
TukuTouch Logo
ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. કલામે શાંતિપૂર્ણ સમાજ માટે 'હું' અને 'મારું'ની ભાવના ત્યાગવા પર ભાર મૂક્યો. ડૉ. સારાભાઈએ થુમ્બામાં રોકેટ લોન્ચિંગ માટે બિશપ પીટર પરેરા પાસેથી ચર્ચની જમીન મેળવી, જે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બન્યું. આ પ્રસંગ પ્રેરણાદાયક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓહ ! આ ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાાની એક પાદરીનું ઘર માગે છે

મારે બાળકોમાંથી 'હું' અને 'મારું'ની સંકુચિત ભાવના દૂર કરવી છે
અબ તો હમેં મૌંત કી નિંદ તક જાગના હોગા,
યહી કિસ્મત હમારી હૈ, સિતારે તુમ તો સો જાઓ.

આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઇચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ?
'જે વ્યક્તિ ઘોંઘાટ દરમિયાન પણ સંગીત સાંભળીને માણી શકે છે, તેને તેના કાર્યનો બદલો મળી રહે છે.'
પ્રતિભાવંત વિજ્ઞાાની વિક્રમ સારાભાઈની આ પ્રિય ઉક્તિ હતી. તેઓ કહેતા કે, 'લક્ષ્યવેધ માટે તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે અર્જુનની માફક માછલીની માત્ર જમણી આંખ જ દેખાવી જોઈએ.' અને એમણે પોતાના જીવનમાં કઠોર પરિશ્રમ કરીને સંશોધનકાર્ય કર્યું. વિપરીત સંજોગોનો મુકાબલો કરીને સતત આગળ વધતા રહ્યા, કૌશલ્ય, કલ્પનાશીલતા અને મૌલિકતા દ્વારા એમણે પોતાના સમયના વિજ્ઞાાનીઓને નેતૃત્વ પૂરું પાડયું અને પોતાના સહકાર્યકર્તાઓ પ્રત્યે સદાય સહૃદયતા દાખવતા હતા અને તેથી જ તેઓ સહુ કોઈને માટે પ્રેરણાનું સ્થાન બની રહ્યા હતા.
અમદાવાદની પીઆરએલને વૈશ્વિક સ્તરે આગવું ગૌરવ અપાવ્યું. એ સમયે એવું બન્યું કે એમના એક સાથીદારે બીજા સાથીદારને કહ્યું, 'જુઓ, વિક્રમભાઈ આવ્યા છે, તમે તેમની સાથે વાત કરો.'
બીજો સાથીદાર સત્ય હકીકત કહેતા ગભરાતો હતો, ડરતો પણ હતો. આથી એણે કહ્યું, 'હું નહીં કરું, તમે જ વાત કરો.'
આ સંવાદને શાંત પાડવા માટે વિક્રમભાઈએ પહેલ કરી અને પોતાના પ્રથમ સંશોધન વિદ્યાર્થી કાણેને પ્રશ્ન કર્યો, 'કાણે, એવી કઈ બાબત છે કે તમે કહેતા નથી?'
કાણે કહ્યું, 'સાહેબ, વિદ્યુતપ્રવાહમાપકમાં ભૂલથી વધુ પ્રવાહ પસાર કરતાં તે બળી ગયું છે. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. અમે ખૂબ ગભરાઈ ગયા છીએ.'
વિક્રમભાઈએ સ્નેહથી કહ્યું, 'ઓહો, બસ આટલી જ વાત છે ને! એમાં આટલી બધી ચિંતા શા માટે કરો છો? આ રીતે ભયભીત થશો તો કેવી રીતે ભણી શકશો? ખરી વાત તો એ છે કે આવું થાય તો જ ભવિષ્યમાં બીજી વખત તમને વધુ સાવધ રહેવાની તક મળે.'
હકીકતમાં વિક્રમભાઈ ઠપકાની ભાષા જાણતા જ નહોતા. માત્ર કર્મયોગની પરિભાષા જાણતા હતા અને આથી તો ઘણીવાર અડધી રાત્રે પીઆરએલમાં પોતાના રૂમમાં કાર્ય કરતા નજરે પડતા. ક્યારેક તો મકાનની લોબીમાંથી પસાર થતા હોય, ત્યારે પણ વિદ્યાર્થીને માર્ગદર્શન આપતા અને ગમે તેટલા વ્યસ્ત હોય તો પણ પોતાના સંશોધન-વિદ્યાર્થીને સમય કાઢીને જરૂરી માર્ગદર્શન દ્વારા પૂરેપૂરો ન્યાય આપતા હતા. ક્યારેક તો પોતાના ખર્ચે વિદ્યાર્થીને ટ્રેનમાં લઈ જાય અને ચાલુ મુસાફરીએ સંશોધનલેખ અથવા તો એના થિસિસની રૂપરેખા તૈયાર કરાવી દેતા. જેમ ડૉ. હોમીભાભા પરમાણુ-ઉર્જા યુગના પિતા ગણાય, તો ડૉ. વિક્રમ સારાભાઈ અવકાશ-સંશોધનયુગના પિતા ગણાય.
એકવાર દેશના પ્રખર વિજ્ઞાાની પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને સમર્થ દાર્શનિક આચાર્ય શ્રી મહાપ્રજ્ઞાજીએ શિક્ષણ અંગે સહચિંતન કર્યું. આ સંદર્ભમાં પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે આજે આખું જગત પોતાનાં સંતાનોને કાજે સારી કેળવણી ઝંખે છે, કારણ કે બાળકો જ આ સમાજમાં પરિવર્તન લાવી શકે તેમ છે. મનુષ્યજાતિના ત્રીજા ભાગનો હિસ્સો એટલે કે આશરે ત્રણસો મિલિયન બાળકો આ ધરતી પર છે. એ બાળકોમાં તમારે પરિવર્તન આણવાનું છે. વૃદ્ધોથી ભિન્ન પ્રકારે એમનું નિર્માણ કરવાનું છે. આમ કરીને તેનો અર્થ એ જ કે આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઇચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ?
આ સંદર્ભમાં આચાર્ય મહાપ્રજ્ઞાજી અને વિજ્ઞાાની ડૉ. અબ્દુલ કલામ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને એનો એ નિષ્કર્ષ તારવ્યો કે જો તમારે શાંતિપૂર્ણ જીવવું હોય અને તમે ઇચ્છો કે એક અબજ ભારતીયો શાંતિપૂર્ણ રીતે જીવે, તો એને માટે શિક્ષણ દ્વારા 'હું' અને 'મારું'ની ભાવના છોડવાનું શીખવવું જોઈએ. જ્યારે તમે તમારી જાતને પૂછો કે કઈ રીતે તમે 'હું' અને 'મારું' એ ભાવને છોડી શકશો? જે દિવસે તમે આ ભાવ છોડશો, તે દિવસે તમારો અહંકાર નષ્ટ થઈ જશે.
'હું' અને 'મારું' એ દૂર કરવું અત્યંત મુશ્કેલ કામ છે. એ સૌથી મોટું બાધક તત્ત્વ છે અને ઉમદા પુરુષોને માટે એ સૌથી મોટો પડકાર છે. શું શિક્ષણ બાળકોને એ રીતે કેળવે છે કે કઈ રીતે તમારામાંથી 'હું' અને 'મારું'નો ભાવ ચાલ્યો જાય? કદાચ બાળકો એ આસાનીથી શીખી શકશે? મોટાઓને માટે એ મુશ્કેલ છે, પરંતુ જો બાળકોને શીખવવામાં આવે, તો અહંકારને મિટાવી શકે છે. અહંકાર નષ્ટ થશે તો દ્વેષ નષ્ટ થશે અને પરિણામે હિંસાનો ભાવ સમાપ્ત થઈ જશે. વર્તમાન વિશ્વને આની જ આવશ્યકતા છે.
માનવી આજે નિરંતર યુદ્ધ ખેલી રહ્યો છે. જો ક્યાંય યુદ્ધ ખેલાતું ન હોય તો એ પોતે સ્વયં યુદ્ધ સર્જે છે. આ યુદ્ધ એના મનમાં ખેલાય છે અને એ નિરંતર આંતરિક અને બાહ્ય રીતે યુદ્ધ ખેલી રહ્યો છે. આ સમયે ડૉ. અબ્દુલ કલામે એક પ્રસંગ યાદ કર્યો હતો:
૧૯૬૨ માં મારા અધ્યાપક અને મારા ગુરુ પ્રો. વિક્રમ સારાભાઈ હતા. તેઓ અંતરિક્ષીય વીકિરણોના એક પ્રસિદ્ધ વિજ્ઞાાની હતા. આ ક્ષેત્રમાં તેઓ વિશેષ સંશોધન કરવા માગતા હતા અને તેમણે કેરાલાના થુમ્બા નામની જગ્યા શોધી, જે ભૂમધ્ય રેખાની નજીક હતી અને વૈજ્ઞાાનિક પ્રયોગને માટે સર્વથા યોગ્ય હતી.
એમણે અધિકારીઓ પાસેથી એ ચારસો એકર જમીનની માગણી કરી. અધિકારીઓએ કહ્યું કે તમે ઘણી મોટી માગણી કરો છો. આ ચારસો એકર જમીન પર હજારો માછીમારોની આજિવિકા આધારિત છે તથા મૅરીનું ચર્ચ તેમજ બિશપનું ઘર પણ આવેલું છે. તમે એ ચર્ચ કઈ રીતે માગી શકો?
પ્રો. વિક્રમ સારાભાઈએ એમ હાર માની લીધી નહીં. તેઓ નેતાઓને મળવા ગયા. એમણે કહ્યું, 'વિક્રમ, તમે એક સારા વૈજ્ઞાાનિક છો, પરંતુ તદ્દન અશક્ય ચીજ માગી રહ્યા છો. હવે તમને માત્ર એક જ વ્યક્તિ મદદ કરી શકે અને તે છે ચર્ચના બિશપ ફાધર પીટર પરેરા.'
શનિવારની સાંજે ડૉ. વિક્રમ સારાભાઈ બિશપના ઘેર ગયા અને કહ્યું, 'ફાધર, મને વૈજ્ઞાાનિક પ્રયોગો માટે થુમ્બા ક્ષેત્ર જોઈએ છે.'
વિક્રમ સારાભાઈએ ફાઘરને જોયા અને ફાધરે વિક્રમ સારાભાઈને. બંનેમાં એક અસાધારણ ગુણનું સામ્ય હતું. વિક્રમ સારાભાઈ હસ્યા અને ફાધર પણ હસ્યા. બંનેનું હાસ્ય અપૂર્વ સંયોગ બની ગયું. પછી ફાધર પરેરાએ કહ્યું, 'તમે અસંભવ ચીજની માગણી કરો છો. તમે ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાાની છો. તમે મારું ઘર મેળવવા ચાહો છો, એક પાદરીનું ઘર ઇચ્છો છો, એ હું કઈ રીતે આપી શકું? કાલે રવિવારીય ધર્મસભામાં ચર્ચમાં આ વિશે હું લોકો સાથે વાતચીત કરીશ.'
રવિવારે સવારે આઠ વાગે ડૉ. વિક્રમ સારાભાઈ ચર્ચમાં ગયા અને ચર્ચની બેઠકની છેલ્લી હરોળમાં બેઠા. ફાધર પિટર પરેરા બાઈબલ વાંચી રહ્યા હતા. પ્રાર્થના પૂર્ણ થતાં એમણે વિક્રમ સારાભાઈ અને એમના સાથીઓને મંચ પર બોલાવ્યા. એમણે વિક્રમ સારાભાઈનો એક અંતરિક્ષીય વિજ્ઞાાની તરીકે પરિચય આપ્યો અને કહ્યું, 'આ વિજ્ઞાાનીઓ પ્રશ્ન કરે છે, તર્ક કરે છે અને એનું સમાધાન શોધે છે, વીજળી, સંચારસાધનો અને દવાઓનો આવિષ્કાર કરે છે. ખેતીના ક્ષેત્રમાં નવી શોધો કરે છે અને એ રીતે વિજ્ઞાાનીઓ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. લોકોને ભૌતિક સુખ પ્રદાન કરે છે. હું જે આપું છું તે આધ્યાત્મિક છે. હું ભગવાન પાસે તમારા પાપને માટે ક્ષમા અને તમારી આધ્યાત્મિક સુખશાંતિ માટે પ્રાર્થના કરું છું, પરંતુ સારી રીતે જીવવા માટે ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ બંને મહત્ત્વના છે. મારો તમને લોકોને પ્રશ્ન એ છે કે આપણે એમને ચર્ચનું સ્થાન આપીશું ખરાં? અહીં તેઓ વર્ષભર પ્રયોગો કરશે અને પછી એક વર્ષ બાદ આપણને આ સ્થાન પાછું આપશે.'
સભામાં ખામોશી છવાઈ ગઈ. પછી બધા એક સાથે ઊભા થઈ ગયા અને બોલ્યા, 'તથાસ્તુ (આમીન)'. અને વિક્રમ સારાભાઈને વૈજ્ઞાાનિક પરીક્ષણો માટે ચર્ચ મળ્યું. જ્યાંથી ડૉ. અબ્દુલ કલામે એમનું પહેલું રોકેટ (ઉપગ્રહ) અંતરિક્ષમાં છોડયું. ટૅકનિકનો વિકાસ કર્યો અને આજે આ સ્થળે ઘણી મોટી ઇમારતો છે.
આ વાતનું સ્મરણ કરીને ડૉ. કલામે કહ્યું કે, 'આથી જ આપણે આપણા જીવનમાંથઈ 'હું' અને 'મારું'નો ભાવ છોડવો જોઈએ ને અધ્યાત્મ અને વિજ્ઞાાનનો સમન્વય સાધવા પ્રયત્ન કરવો જોઈએ.'

પ્રસંગકથા
ભ્રષ્ટાચારના એવરેસ્ટ પર ભારતનો વિજય

ઓપરેશન બાદ એનેસ્થેશિયામાંથી જાગેલા એક દર્દીએ ઇશ્વરનો આભાર માનતા કહ્યું, 'હે પરમાત્મા! તારો ઉપકાર માનું તેટલો ઓછો છે. હાશ, મારું ઓપરેશન સફળતાપૂર્વક થયું.'
દર્દી ઇશ્વરનો પાડ માનતો હતો એ સાંભળી બાજુમાં સૂતેલા એક દર્દીએ કહ્યું, 'ભાઈ, આટલા જલદી નિશ્ચિંત થવાની જરૂર નથી. તમારી માફક આ હોસ્પિટલમાં મેં અગાઉ ઓપરેશન કરાવ્યું હતું, પણ મારા પેટમાં રૂ રહી ગયું, એથી આજે ફરી ઓપરેશન કરાવવું પડયું.'
એની નજીકના દર્દીએ વાતમાં સૂર પુરાવતાં કહ્યું, 'અરે, મારી પણ એ જ દશા થઈ. મારા પેટમાં ડૉક્ટરની કાતર રહી ગઈ હતી અને એમને કારણે મારે ફરી ઓપરેશન કરાવવું પડયું.'
તાજું જ ઓપરેશન કરાવીને આવેલો દર્દી આ બંનેની વાત સાંભળતો હતો ત્યાં ડૉક્ટર દોડતાં દોડતાં આવીને બોલ્યા, 'અરે, મારી ઇંજેક્શનની સિરિંજ કોઈએ જોઈ? ક્યારની શોધું છું, પણ મળતી નથી!'
આ સાંભળતા જ દર્દી બેભાન થઈ ગયો.
…આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશની પ્રજાએ રામમંદિરની રચના માટે પોતાનો જીવ રેડયો અને શ્રદ્ધાળુઓએ પોતાની સંપત્તિ સમર્પિત કરી. એ જ રામમંદિરમાં શ્રદ્ધાળુઓએ પોતાની સંપત્તિ સમર્પિત કરી. એ જ રામમંદિરમાં શ્રદ્ધાળુઓએ ચડાવેલાં સોનાં અને રૂપાનાં દાગીનાઓ તથા રોકડ રકમની ઉચાપત થાય, તે જાણીને તો પેલા દર્દીની માફક ભારે આઘાતની માત્ર રામપ્રેમીઓ જ નહીં, બલ્કે સહુ દેશવાસીઓ બેભાન થઈ ગયા છે. આ તે કેવો નિમ્નકક્ષાનો ભ્રષ્ટાચાર! પ્રજાની શ્રદ્ધા અને મૂલ્યો સાથે ખીલવાડ કરનારું આ દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાય.