શત્રુતાને બદલે મિત્રતા અને સંહારને બદલે ક્ષમા આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- માનવઇતિહાસની એક અસાધારણ અને ભાવનાશીલ મુલાકાત
- મૈં ખુશ હૂઁ ઔર સબકો બહુત ખુશ ભી રખતા હૂં,
લાપરવાહ હૂં ફિર ભી સબકી પરવાહ કરતા હૂં.
૧૯૪૫ના છઠ્ઠી ઑગસ્ટના દિવસને યાદ કરીને આજે ય માનવજાતિ ભયથી થરથરી રહી છે. એવો વિનાશક પરમાણુ બોમ્બ કોઈ નાખશે, તો દુનિયાની કેવી બદતર હાલત બની જશે! એ છઠ્ઠી ઑગસ્ટે બી-૨૯ એરક્રાફ્ટમાં અમેરિકાથી છ કલાકનો વિમાની પ્રવાસ કરીને જાપાન આવેલા 'એનોલા ગે' નામના એરક્રાફ્ટમાંથી હિરોશીમા શહેર પર બોમ્બ પડયો અને આશરે સિત્તેરથી એંસી હજાર લોકો તત્કાળ મૃત્યુ પામ્યા અને વર્ષના અંત સુધીમાં એની કિરણોત્સર્ગ અને દાઝવાને કારણે મૃત્યુઆંક એક લાખ ચાલીસ હજાર સુધી પહોંચ્યો.
'એનોલા ગે' વિમાનમાંથી ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બને 'લીટલ બૉય' જેવું સોહામણું નામ આપવામાં આવ્યું. વિનાશનો ચહેરો કેવી મધુરતાથી ઢાંકવામાં આવે છે. એ વિમાનના મુખ્ય કમાન્ડર રોબર્ટ લુઈસ હતા, પરંતુ આ મિશનમાં તેઓ કો-પાયલટ અને એરક્રાફ્ટ કમાન્ડર તરીકે કામગીરી બજાવતા હતા અને હુમલા પછી એમણે પોતાની ફ્લાઇટની લોગબૂકમાં લખ્યું, 'માય ગોડ, વોટ હેવ વી ડન?' (હે ભગવાન! આપણે આ શું કર્યું ?) કેપ્ટન રોબર્ટ એલ્વિસ લુઈસનું આ વાક્ય વિશ્વ ઇતિહાસમાં એક વેદનાજનક નોંધ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
કેટલાક એમના આ ઉદ્ગારમાં આંતિરક આઘાત અને માનસિક સંઘર્ષનું પ્રતિબિંબ જુએ છે, કારણ કે આ ઘટના પછી યુદ્ધ વિશેના એમના વિચારોમાં અને એથીય વધુ તો એમના જીવનમાં ઘણું માનવતાવાદી પરિવર્તન આવ્યું હતું. બરાબર આ જ સમયે જાપાનના હિરોશીમા શહે૨ના મેથોડિસ્ટ પાદરી અને શાંતિ કાર્યકર રેવરેન્ડ કિયોશી તાનિમોતો આ શહે૨માં હતા, પરંતુ ૫૨માણુ બોમ્બના વિસ્ફોટ પહેલાં એમને જોખમનો અહેસાસ થતા પથ્થરની એક મજબૂત દિવાલ પાછળ ઝૂકી ગયા અને એને પરિણામે તેઓ પરમાણુ બોમ્બની અસરમાંથી ઉગરી ગયા.
એ પછી ભયાવહ વિસ્ફોટના સમયે રેવરેન્ડ કિયોશી તાનિમોતોએ ઘાયલોને બચાવવાની કામગીરી સંભાળી. કેટલાક લોકોને નદી પાર કરાવી અને ભયાવહ રીતે દાઝી ગયેલા લોકોને પાણી પીવડાવ્યું.
૧૯૫૫માં અમેરિકાના લોકપ્રિય ટેલિવિઝનના કાર્યક્રમ 'ધીસ ઈઝ યોર લાઇફ'માં મહેમાન તરીકે રેવરેન્ડ કિયોશી તાનિમોતોને બોલાવવામાં આવ્યા. એ સમયે તેઓ હિરોશીમા મેડેન્સના જૂથ સાથે અમેરિકા આવ્યા હતા. આ જૂથમાં પચીસ યુવાન મહિલાઓ હતી જે પરમાણુ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. એમના ચહેરા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી એમને સામાજિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમયે રેવરેન્ડ કિયોશી તાનિમોતોએ અમેરિકન પત્રકા૨ નોર્મન કઝિન્સની મદદથી આ યુવતીઓને અમેરિકા લઈ જઈને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની યોજના કરી હતી.
૧૯૫૫ની પાંચમી મેએ કિયોશી તાનિમોતો અને આ પચીસ યુવતીઓએ જાપાનના ઈવાકુ એરપોર્ટથી અમેરિકાની વાયુસેનાના વિમાનમાં લોસ એન્જલસ જવા માટે મુસાફરી શરૂ કરી. એ સમયે એક મહિલા વિમાનમાં ચડતી વખતે ખૂબ ભયભીત બની ગઈ હતી, કારણ કે તે ભયાવહ વિનાશ વેરનારા દુશ્મન દેશ તરીકે અમેરિકાને જોતી હતી. અમેરિકાના ન્યૂયોર્કની માઉન્ટ સાઈનાઈ હોસ્પિટલમાં એ યુવતીઓની સારવાર કરવામાં આવી.
આ સમયે વિખ્યાત અમેરિકન લેખિકા પર્લ બકે રેવરેન્ડ કિયોશી તાનિયોતોને જણાવ્યું કે, 'તેઓ બે હિરોશીમા મેડેન્સ સાથે લોસ એન્જલસ પાછા જાય, કારણ કે ત્યાં એમનો એક વિશેષ ઇન્ટરવ્યુ લેવાનો છે.' કિયોશી તાનિમોતો હોલિવુડમાં પહોંચ્યા, ત્યારે એમને આ કાર્યક્રમ વિશે કશી વિશેષ માહિતી નહોતી અને એમની મુલાકાત કોની સાથે થવાની છે તેની પણ જાણ નહોતી.
બીજી બાજુ હિરોશીમામાં વસતા કિયોશી તાનિમોતોની પત્ની ચિસા તાનિમોતોને અમેરિકાથી ફોન આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે, 'આવતી કાલે તમારાં ચાર બાળકોને લઈને તરત અમેરિકા આવવા માટે વિમાનમાં બેસી જાવ, પરંતુ આ વાત તમે કોઈને કહેશો નહીં. ખાસ કરીને તમારા પતિને તો બિલકુલ જ નહીં.' આ સંદેશા મુજબ આખો પરિવાર ઉતાવળમાં ટોકિયો ગયો, જેથી પાસપોર્ટ બનાવી શકાય.
પાસપોર્ટ કચેરીના કર્મચારીએ કહ્યું કે, 'આટલા ટૂંકા સમયમાં પાસપોર્ટ બનાવવો શક્ય નથી.'
ચિસા મુંઝાઈ ગઈ, પણ એણે અમેરિકાથી મળેલા ગુપ્ત આમંત્રણ વિશે વાત કરી અને થોડી જ વારમાં એક અધિકારી આવ્યા અને એણે કહ્યું, 'શ્રીમતી તાનિમોતો, અમે તમારી રાહ જોઈ રહ્યા છે, આ રહ્યા તમારા પરિવારના પાસપોર્ટ! આ પાસપોર્ટ લઈને તેઓ બધા હાનિડા એરપોર્ટ પર પહોંચ્યા. તે સમયે એરલાઇનના કર્મચારીઓ શ્રીમતી ચિસા તાનિમોતોને યાત્રાની શુભેચ્છા આપતા હતા, ત્યારે એમને સમજાતું નહોતું કે આટલા બધા લોકો કેમ આવો આદર આપી રહ્યા છે?
તેઓ વિમાનમાં બેઠાં પછી એમણે પાસપોર્ટ જોયો તો એમાં પ્રવાસના કારણ તરીકે લખેલું હતું કે, 'ટેલિવિઝનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે.' લોસ એન્જલસના અલ કેપિટલ થિયેટરમાં ચિસા તાનિમોતોની દીકરી કોકોકોન્ડા અને અન્ય ભાઈ-બહેનોને અલગ ઓરડામાં રાખવામાં આવ્યાં. થિયેટરની બહાર લાંબી કતાર હતી. આ જોઈને કોકોએ ડ્રાઈવરને પૂછયું, 'આટલા બધા લોકો અંદર જવા માટે લાઇનમાં કેમ ઊભા છે ?' ત્યારે ડ્રાઈવરે સ્મિત સાથે જવાબ આપ્યો, 'આજનો કાર્યક્રમ ખાસ વિશિષ્ટ છે.' અને મંચ પર કાર્યક્રમના સંચાલક રાલ્ફ એડવર્ડ્સ તાનિમોતોની મુલાકાત લઈ રહ્યા હતા અને એક પછી એક મહેમાનોને બોલાવીને આશ્ચર્ય સર્જી રહ્યા હતા.
સૌપ્રથમ તાનિમોતોને ખ્રિસ્તી ધર્મ પ્રતિ પ્રેરિત કરનાર મેથોડિસ્ટ મિશનરી બર્થી સ્ટાર્કી આવ્યા, જેને તાનિમોતો પોતાના માતા-પિતા સમાન ગણતા હતા. એ પછી માવન ગ્રીન આવ્યા, જે તાનિમોતોના સહાઘ્યાયી હતા અને અચાનક સ્ટેજ પર એમના પત્ની ચિસા તાનિમોતો આવ્યાં અને તાનિમોતો એકાએક ગુસ્સે થઈ ગયા. એમના મનમાં પહેલો વિચાર આવ્યો કે, 'મારી પત્ની ચાર બાળકોને છોડીને અહીં કેમ આવી છે?' પરંતુ નજીકમાં જ બાળકોને ઊભેલાં જોયા અને એ બાળકો દોડીને તાનિમોતોને ભેટી પડયા.
હવે કાર્યક્રમની પરાકાષ્ઠાનો પ્રારંભ થયો. હિરોશીમા પર બોમ્બ ફેંકીને વિનાશ સર્જનારા એનોલા ગે વિમાનના સહ પાયલટ કેપ્ટન રોબર્ટ એ. લુઈસ મંચ પર આવ્યા. રોબર્ટ લુઈસને જોતાં જ રેવરન્ડ તાનિમોતોના ચહેરા પર સખ્તાઈ ઉપસી આવી. એ અત્યંત ગંભીર અને કઠોર નજરે એમને જોતા હતા. એમની પુત્રી કોકોની નજર પણ રોબર્ટ લુઈસ ૫૨ નોંધાયેલી હતી. એને માટે અમેરિકા એ એનું દુશ્મન નહોતું, પણ દુશ્મન હતા એનોલા ગે વિમાનના સભ્યો.
કોકો એક દિવસ એનું માથું ઓળનારી છોકરીઓનો હાથ જોયો, ત્યારે એ ધ્રુજી ઊઠી હતી. પરમાણુની ઘાતક અસરને કારણે એના હાથની બધી આંગળીઓ એકબીજા સાથે ચોંટી ગઈ હતી અને એ વિકૃત હાથ જોતા સમયે જ બાલિકા કોકોના મનમાં એવો ગુસ્સો ભરાયો હતો કે, 'હું મોટી થઈશ ત્યારે એનોલા ગે વિમાનના પાયલોટને શોધી કાઢીશ, મુક્કા મારીશ અને દાંતે કરડીશ.'
રોબર્ટ લુઈસે મંચ પર રેવરેન્ડ તાનિમોતો સાથે હાથ મિલાવ્યો અને એ પછી હિરોશીમા શહે૨ ૫૨ પરમાણુ બોમ્બ ફેંક્યો, ત્યારે એણે વિમાનમાંથી શું જોયું હતું તેનું વર્ણન કર્યું. આ સાંભળતી વખતે રેવરેન્ડ કિયોશીનો ચહેરો ભાવશૂન્ય હતો. એ પછી કેપ્ટનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. શો પૂરો થયો અને એ પછી કેપ્ટન લુઈસે રેવરેન્ડને પત્ર લખ્યો, 'હું તમારા માટે કંઈક કરી શકું તો મને જરૂ૨ જણાવશો. હું તમારી બાજુમાં ઊભો રહેવા ઇચ્છું છું.'
…અને આ વાક્ય એ બંને વચ્ચે વિકસેલી મિત્રતા અને પરસ્પર આદરનું પ્રતીક બની ગયું. એ પછી એમનાં પત્રોમાં યુદ્ધમાં થતી માનવીય પીડા, હિરોશીમાનાં પીડિતોની સ્થિતિ વિશેની વિગતો મળે છે. વળી એને પરિણામે શાંતિ અને પરમાણુ નિઃશસ્ત્રીકરણની તાતી જરૂરિયાત અંગે બંને પત્રો દ્વારા વિચારોની આપ-લે કરે છે. આમ આ પત્રવ્યવહારથી બંને વચ્ચે સમજણ અને સન્માન વઘ્યા.
રોબર્ટ લુઈસે 'હિરોશીમા મેડેન્સ'ની સહાય માટે આથક સહાય આપી. રાહતફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિઓને સમર્થન આપ્યું અને વિશ્વયુદ્ધ પછી માનવતાવાદી અભિગમ અપનાવીને હિરોશીમાના પીડિતો પ્રત્યે સહકાર દર્શાવ્યો.
માનવ ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું અને આ મેળાપે દર્શાવ્યું કે, 'માનવતા, ક્ષમા અને શાંતિની ભાવના યુદ્ધની દુશ્મનાવટ કરતા ઘણી મોટી છે.' એક અર્થમાં કહીએ તો અણુબોમ્બ નાખ્યાના એક દાયકા પછી હિરોશીમાના પરમાણુ બોમ્બના હુમલામાંથી બચી ગયેલા પીડિત અને બોમ્બ ફેંકનાર કો-પાયલટ બંને સામસામે મળ્યા અને એ મુલાકાત શત્રુતાને બદલે સ્નેહ, સમાધાન અને માનવતાનું પ્રતીક બની રહી. આ બંનેની મુલાકાત માનવઇતિહાસની એક અસાધારણ અને ભાવનાત્મક મુલાકાત તરીકે યાદ કરાય છે.
પ્રસંગકથા
શિક્ષણનું વિનાશક વિષચક્ર
મહેશભાઈ એકાએક બીમાર પડયા. એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડૉક્ટરોએ એમની જુદી જુદી ડૉક્ટરી તપાસ શરૂ કરી. એમ લાગ્યું કે એમને કોઈ ઇન્ફેક્શન થયું છે અને રોગ પકડાતો નથી, તેથી અલાયદા રૂમમાં રાખવામાં આવ્યા. એમના કુટુંબીજનો ઊંડી ચિંતામાં પડી ગયા અને મેડિકલ રિપોર્ટ જોઈને ડૉક્ટર શું નિદાન કરે છે તેની રાહ જોવા લાગ્યા.
કેટલાક મેડિકલ રિપોર્ટ આવતાં વાર લાગે તેમ હોવાથી ડૉક્ટરે સગાંઓને મોડેથી આવવા કહ્યું. મહેશભાઈના સગાંવહાલાઓએ વિદાય લીધી. પણ થોડીવારે રિપોર્ટ આવી જતાં ડૉક્ટરે મહેશભાઈના રૂમમાં સીધો ફોન કર્યો અને કહ્યું, 'તમારો રિપોર્ટ આવી ગયો છે. મારે જણાવવું જોઈએ કે તમને થયેલો રોગ પ્રાણહારક પણ બની શકે. અત્યંત ચેપી રોગ છે.'
મહેશભાઈ બોલ્યા, 'ઓહ! ડૉક્ટર! મને જલદી સારવાર આપીને સાજો કરો.'
ડૉક્ટરે કહ્યું, 'હાલમાં તો તમારે સવારે નાસ્તામાં, બપોરે ભોજનમાં અને રાત્રિભોજન કરતી વખતે માત્ર ખાખરા જ ખાવાના રહેશે.'
'ખાખરા કેમ? શું એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે?'
ડૉક્ટરે કહ્યું, 'ના, હોસ્પિટલનાં બારણાંની ફાટમાંથી અમે માત્ર ખાખરા જ સરકાવી શકીએ તેમ છીએ.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે બારણાંની ફાટમાંથી માત્ર ખાખરા જ ખાઈ શકાય એવી સ્થિતિ આજના શિક્ષણની થઈ રહી છે.
એક સમયે એમ કહેવાતું કે, ધન-વૈભવ છીનવી શકાય છે, પણ સરસ્વતીને લૂંટી શકાતી નથી… પણ આજે સરસ્વતીના ધામ છડેચોક લૂંટ કરવાનાં સ્થાન બન્યાં છે.
કોચિંગ ક્લાસ, કોમ્પિટીશન, પેપર લીક અને પુનઃ પરીક્ષા તથા એને માથે મોંઘુંદાટ શિક્ષણે એક વિષચક્ર ઊભું થયું છે.
દેશની એક લાખ શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે. સ્કૂલ કે કૉલેજને બદલે કોચિંગ ક્લાસની બોલબાલા વધી છે અને સ્કૂલો માંદી પડવા લાગી છે. બીજી બાજુ મેડિકલ ક્ષેત્રની જેમ શિક્ષણ પણ નફાખોરીનું સાધન બન્યું છે. દેશની આવી ગંભીર પરિસ્થિતિનું નિદાન કરવા માટે દવાની જરૂર નથી, બલ્કે ઓપરેશન કરવું પડે તેમ છે.









