World Cancer Day: કેન્સર જેવી જીવલેણ બીમારીથી લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્સર જાગૃતિ માટે અનેક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને લોકોને આ ગંભીર બીમારીના લક્ષણો અને તેના નિવારણ માટે જાગૃત કરવામાં આવે છે. દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેથી આરોગ્ય નિષ્ણાતો સમયાંતરે ચેતવણી આપતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે.
ભારતમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સર 'સાયલન્ટ કિલર'ની જેમ પગ પેસારો કરી રહ્યા છે અને લોકો ઘણીવાર તેના શરુઆતના સંકેતોને સામાન્ય નબળાઈ અથવા નાની-મોટી બીમારી સમજીને અવગણી દે છે અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.
કેન્સરના લક્ષણોની સમય પર ઓળખ અને તેની યોગ્ય સારવાર જ આ જીવલેણ બીમારીથી બચવાનો એક માત્ર ઉપાય છે. તો ચાલો આજે આપણે એ 5 પ્રકારના કેન્સર વિશે જાણીએ જે ભારતીયોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને તેના લક્ષણે શું છે.
બ્રેસ્ટ કેન્સર (Breast Cancer)
લક્ષણો
ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ બીમારી હવે માત્ર મોટી ઉંમરની મહિલાઓ સુધી જ મર્યાદિત નથી રહી, પરંતુ તેની લપેટમાં હવે ઓછી ઉંમરની મહિલાઓ પણ આવી રહી છે.
જો તમને તમારા બ્રેસ્ટમાં કોઈ પ્રકારની ગાંઠ અનુભવાઈ રહી છે, નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અથવા બેસ્ટની સાઈઝમાં અચાનક ફેરફાર દેખાય તો તે તેના શરુઆતના સંકેતો હોઈ શકે છે. જો ગાંઠ છે પરંતુ તેમાં દુ:ખાવો નથી તો પણ તેને હળવામાં ન લેવું.
ઓરલ કેન્સર (Oral Cancer)
તમાકુના વગેરેના સેવનને કારણે ભારત અને વિશ્વમાં ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર) ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે મુખ્યત્વે ગુટખા, ખૈની અને તમાકુના વધુ પડતા સેવનને કારણે થાય છે. ઓરલ કેન્સરનું નિદાન ઘણીવાર ખૂબ મોડું થાય છે કારણ કે લોકો શરુઆતના લક્ષણોને સામાન્ય ચાંદા સમજીને અવગણે છે.
લક્ષણો
મોંની અંદર ઘા અથવા ચાંદા જે અઠવાડિયા સુધી રૂઝાતા નથી, સફેદ કે લાલ ધબ્બા, અવાજમાં ભારીપણું અથવા ગળવામાં તકલીફ થવી એ તેના શરુઆતના લક્ષણો છે.
સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)
ભારતીય મહિલાઓમાં મોતનું બીજું સૌથી મોટું કારણ સર્વાઇકલ કેન્સર છે. જોકે, રાહતની વાત એ છે કે, સમય પર સ્ક્રીનિંગ અને વેક્સિન દ્વારા તેને અટકાવી શકાય છે.
લક્ષણો
પિરિયડ સાયકલ વચ્ચે અથવા ઇન્ટરકોર્સ બાદ બ્લિડિંગ થવું, કમરના નીચેના ભાગમાં સતત દુ:ખાવો અને અસામાન્ય ડિસ્ચાર્જ થવું એ તેના કોમન લક્ષણ છે.
ફેફસાંનું કેન્સર (Lung Cancer)
ફેફસાંનું કેન્સર ધૂમ્રપાન ન કરનારા લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે વધતું પ્રદૂષણ અને પેસિવ સ્મોકિંગ તેના મોટા કારણો છે.
લક્ષણો
ફેફસાંના કેન્સરના લક્ષણો ઘણીવાર ત્યારે દેખાય છે જ્યારે બીમારી ગંભીર સ્ટેજ પર પહોંચે છે. સતત ઉધરસ, ગળફામાં લોહી આવવું, શ્વાસ લેવામાં તકલીફ અને અચાનક વજનમાં ઘટાડો થવો એ તેના લક્ષણો હોઈ શકે છે.
કોલોરેક્ટલ કેન્સર (Colorectal Cancer)
જંક ફૂડ અને ઓછા ફાઇબરવાળા ડાયટના કારણે યુવાનોમાં કોલોરેક્ટલ (કોલન) કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકો ઘણીવાર પેટની સમસ્યાઓને ગેસ અથવા કબજિયાત સમજીને અવગણી દે છે.
લક્ષણો
પેટ સાફ ન થવું, મળ સાથે લોહી આવવું, પેટમાં મરોડ અને ભૂખ ન લાગવી એ તેના લક્ષણો હોઈ શકે છે.
ડૉક્ટર્સનું માનવું છે કે, કેન્સરનો ઇલાજ સંભવ છે પરંતુ ત્યારે જ્યારે તેને સ્ટેજ-1 અથવા તો સ્ટેજ-2માં જ પકડી લેવામાં આવે. તેથી સાવધાની અને લક્ષણોને ઓળખી કાઢવા એ જ સૌથી મોટો ઉપાય છે.


