World Cancer Day: સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે.
પુરૂષોમાં ફેફસા-મોંના કેન્સર અને સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધ્યું: ડૉ. શશાંક પંડ્યા
કેન્સર જાગૃતિ દિવસ અંતર્ગત અમદાવાદમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) દ્વારા 'શક્તિ, આશા અને જીત - કેન્સર વિજેતાઓને સલામ' થીમ પર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સંબોધતા જીસીઆરઆઈના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે, 'ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બધા જ કેન્સરમાં જો શરૂઆતથી નિદાન કરવામાં આવે તો તેનો ફાયદો દર્દીને જરૂર મળતો હોય છે. '
આ અવસરે દરેક કેન્સર વિજેતાઓને તેમના સાહસ માટે એક મોમેન્ટો આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે બધાએ મળીને આકાશમાં બલૂનો છોડીને કેન્સર વિરુદ્ધ લડાઈ માટે જાગૃતિ અને એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ ખાસ દિવસે કેન્સર વિજેતાઓની શક્તિ અને એકતાનું ઉદાહરણ જોવા મળ્યું અને આશા, હિંમત, અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

સૌથી વધુ દર્દીઓ મધ્ય પ્રદેશમાં
દર વર્ષે ચોથી ફેબ્રુઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ 2025માં સિવિલની કેન્સર હોસ્પિટલમાં 23,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 9147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મધ્ય પ્રદેશના 4,572, રાજસ્થાનના 2678, ઉત્તર પ્રદેશના 1094, મહારાષ્ટ્રના 279 અને બિહારના 288 દર્દી હતા. છેલ્લા 6 મહિનામાં જ સિવિલની કેન્સર હોસ્પિટલમાં રેકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે, તેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસીજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી એક એવી જટિલ પ્રક્રિયા છે, જે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છે, અને હવે આ ટેક્નોલોજી દર્દીઓ માટે સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા 2021માં 1813 હતી, તે 2025માં વધીને 6333 થઈ છે.
આ પણ વાંચો: કેન્સરની સારવારની 17 દવાઓ પરની કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો
સિવિલમાં કેન્સરની ઓપીડીમાં રોજના 709થી વધુ દર્દી
• સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2025માં 2.59 લાખથી વધુ ઓપીડી નોંધાઈ.
• વર્ષ 2025માં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 17,800થી વધુ સર્જરી.
• 50130થી વધુ કીમોથેરાપી, 5852 રેડિએશન ટ્રીટમેન્ટ, 24.60 લાખથી વધુ લેબોરેટરી તપાસ.
• 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી કરાઈ.



