Health

કોરોના પછી હવે દિલ્હીવાસી પર કાવાસાકીનું જોખમ

By GS Team
18 Jul 20202 mins read
This article was originally published on 18 Jul 2020
કોરોના પછી હવે દિલ્હીવાસી પર કાવાસાકીનું જોખમ

નવી દિલ્હી તા. 18 જુલાઇ 2020 શનિવાર

પાટનગર નવી દિલ્હીના રહેવાસીઓ કોરોનાનો વિકરાળ સપાટો સહન કરી રહ્યા છે ત્યાં હવે નવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

દિલ્હીમાં અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર એેકસો સાતથી વધુ કેસ કોરોનાના થઇ ચૂક્યા છે અને દિવસે દિવસે હજુ કેસ વધી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 3,571 સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા થોડા મહિનાથી એક નવો ચેપ (સંક્રમણ) દેખાવાનો શરૂ થઇ ગયો હતો.

હૉસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં કોરોનાગ્રસ્ત બાળકોના શરીરમાં ચકતાં જેવા આકાર તથા સોજા જોવા મળ્યા હતા. આ અંગે પૂછતાછ કરતાં ડૉક્ટરોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કાવાસાકી નામનો નવો ચેપ દેખા દઇ રહ્યો હતો.

કાવાસાકી શી રીતે ફેલાતો થયો છે એ ડૉક્ટરો કહી શક્યા નહોતા. નવજાતથી માંડીને પાંચ વર્ષનાં બાળકોને આ ચેપ લાગી રહ્યો હતો જેના પગલે તાવ આવવા ઉપરાંત શરીર પર ચકતાં-ચાંદાં અને અંગોમાં તેમજ રક્તવાહિનીઓમાં સોજા ચડી રહેલા જોવા મળ્યા હતા. આવું કયા કારણે થઇ રહ્યું હતું એ ડૉક્ટરો સમજાવી શક્યા નહોતા.

છેલ્લા થોડા માસથી આ સંક્રમણ નિયમિત રૂપે બાળકોના વોર્ડમાં દેખાયું હતું. પાટનગર નવી દિલ્હીની મોટા ભાગની હૉસ્પિટલોમાં બાળકોના વોર્ડમાં આ તકલીફ ડૉક્ટરોના ધ્યાનમાં આવી હતી. આમ થવાનું કારણ સમજી શકાયું નહોતું. 

આ ચેપની અસર ધરાવતાં બાળકોમાં તાવ, શરીર પર ચાંદાં અને રક્તવાહિનીમાં સોજા ઉપરાંત જઠર અને આંતરડાં પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી એેમ પોતાની ઓળખ છૂપાવીને એક ડૉક્ટરે કહ્યું હતું. આ બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

કોરોનાની સાથે હવે આ નવો ચેપ દેખાતાં તબીબી જગતમાં ટેન્શન વધી રહ્યાનું પણ આ ડૉક્ટરે કહ્યું હતું.  ડૉક્ટરો આ નવા ચેપને ખાળવાના યથાશક્તિ પ્રયાસો કરી રહ્યા હોવાની જાણકારી પણ મળી હતી.