Health

બોર્ડ પરીક્ષાના તમામ કેન્દ્રના ટ્રાન્સફોર્મર, વીજ મીટર અને ફીડરની ચકાસણી કરાશે

By GS TEAM
14 Feb 20261 min read
બોર્ડ પરીક્ષાના તમામ  કેન્દ્રના ટ્રાન્સફોર્મર, વીજ મીટર અને  ફીડરની ચકાસણી  કરાશે

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો ના ખોરવાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોએ એક્શન પ્લાન બનાવ્યો છે.

જે પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ના  ૨૬૭ પરીક્ષા કેન્દ્રોનો સર્વે કરવામાં આવશે.દરેક પરીક્ષા કેન્દ્રનું  વીજ મીટર, તેની સાથે જોડાયેલું વીજ ટ્રાન્સફોર્મર અને જેમાંથી વીજ પ્રવાહ મળે છે તે ફીડરનું ચેકિંગ કરવામાં આવશે.આ કાર્યવાહી શરુ પણ કરી દેવામાં આવી છે. સાથે સાથે દરેક પરીક્ષા કેન્દ્ર  માટે અલાયદો સ્ટાફ ફાળવવામાં આવશે.વીજ ડિવિઝન અને સર્કલ કક્ષાએ એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરાશે.એક નોડલ ઓફિસર ડીઈઓ કચેરીના કંટ્રોલરુમમાં બેસશે અને કો ઓર્ડિનેશનનું કામ કરશે.પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને પણ વીજ કંપનીના અધિકારીઓના ફોન નંબર પૂરા પાડવામાં આવશે.પરીક્ષા કેન્દ્રો સુધી વીજ પુરવઠો પહોંચાડતા ફીડરોનું પણ સમારકામ શરુ કરવામાં આવ્યું છે.પરીક્ષા શરુ થતા પહેલા લગભગ ૩૭૦ ફીડરોનું મેન્ટેનન્સ પૂરુ થઈ જશે.

વીજ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે, આટલી તકેદારી રાખવા છતા શહેરમાં  ચાલી રહેલા વિવિધ ખોદકામ દરમિયાન કેબલ કપાવાથી વીજ પુરવઠો બંધ થાય તેના પર અમારુ નિયંત્રણ નથી.શક્ય હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશને પરીક્ષાના સમય દરમિયાન ખોદકામ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.