Gujarat

વડોદરા નજીક કેનાલમાં પડતું મુકનાર યુવકને શોધવાની કવાયત માથે પડી,સ્કૂટર મૂકી દઇ નાટક કર્યું હતું

By GS TEAM
29 Oct 20251 min read
વડોદરા નજીક કેનાલમાં પડતું મુકનાર યુવકને શોધવાની કવાયત માથે પડી,સ્કૂટર મૂકી દઇ નાટક કર્યું હતું

વડોદરાઃ વડોદરા નજીક કેનાલમાં એક યુવકે પડતું મુક્યું હોવાના મેસેજથી ફાયર બ્રિગેડ અને પોલીસ દોડતા થયા હતા.તપાસને અંતે યુવકે નાટક કર્યું હોવાનું જણાતાં તમામની મહેનત માથે પડી હતી.પરંતુ પરિવારજનોએ હાશ અનુભવી હતી.

વડોદરા તાલુકાના હેકો અંકિત રાઠોડે ફાયર  બ્રિગેડને કોલ કરી શેરખી-ભીમપુરા ખાતેની કેનાલમાં એક યુવકે પડતું મુક્યું હોવાની જાણ કરતાં ફાયર બ્રિગેડની વડીવાડીની ટીમે શોધખોળ કરી હતી.પોલીસ પહોંચી ત્યારે કેનાલ પાસે સ્કૂટર પડયું હતું અને ડિકિમાં મોબાઇલ હતો.

તપાસ દરમિયાન રાયપુરા ગામનો રોહિત પરમાર નામના યુવકનું સ્કૂટર હોવાનું અને તેણે કેનાલમાં પડતું મુક્યું હોવાની આશંકા થઇ હતી.યુવકે તેની  બહેનને કરેલા મેસેજ પરથી શંકા વધુ ઘેરી બની હતી.જેમાં તેણે સ્કૂટરની ડિકિમાં મોબાઇલ મુક્યો છે અને ચાવી આગળના બોક્સમાં છે..તેવું અસ્પષ્ટ લખાણ લખ્યું હતું.કેનાલ પાસે સ્કૂટર હોવાથી તે અંદર પડયો હોવાની આશંકા ગઇ હતી.જો કે,ચારેક કલાકની તપાસ બાદ યુવક હેમખેમ મળી આવતાં સૌના જીવ હેઠા બેઠા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન ખાનગી લેબમાં કામ કરતા અને એક સંતાન ધરાવતા યુવકે મેં આમ કેમ કર્યું તે ખબર નથી તેવું રટણ રટયું હતું.