Get The App

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શખ્સો સામે ગુનો

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શખ્સો સામે ગુનો 1 - image

Jamnagar : જામનગર શહેરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં એક યુવકનું અપહરણ કરી તેને અલગ અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગંભીર કલમો હેઠળ પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા  કલમ 137(2), 309(4), 117(2), 115(2), 352, 126(2), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી શિવમભાઈ ધનજીભાઈ રાણેવાડિયા (ઉંમર વર્ષ 25, રહે-વેલનગર, જૂના રેલવે સ્ટેશન નજીક, જામનગર) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ તા.21/05/2026 ના રોજ સવારે આશરે 11:30 વાગ્યે નાગેશ્વર વીડીનદી ધરા તરફ જતા રસ્તા પાસે આરોપીઓએ તેમને રોકી રાખ્યા હતા.

ફરિયાદ મુજબ આરોપી સાગર અશોકભાઈ પરમારને એવી શંકા હતી કે ફરિયાદીને તેના ભાભી સાથે સંબંધ છે. આ શંકાના આધારે આરોપી રોહિત શિંગાળાએ ફરિયાદીને જવા દીધા નહોતા અને અન્ય સાગર અશોકભાઈ પરમાર, વિપુલભાઈ જીગાભાઈ પરમાર, આરીફ સુમરા તથા એક અજાણ્યા ઈસમ વગેરે અન્ય આરોપીઓને બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ રિક્ષામાં આવી ફરિયાદીને બળજબરીથી તેમની જ મોટરસાયકલ ઉપર બેસાડી મધુરમ વિસ્તારમાં લઈ ગયા હતા.

ત્યાં આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી હાથ, પગ, પીઠ અને શરીરના ભાગે માર માર્યો હતો. બાદમાં ફરી ફરિયાદીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ ચાલુ રાખી હતી. આરોપીઓએ ફરિયાદીનો “ટેકનો પોવા '5' જી” મોબાઈલ ફોન, કિંમત રૂપિયા 20,000, લૂંટી લીધો હતો. હુમલામાં ફરિયાદીને શરીરે મુઢ ઈજાઓ ઉપરાંત ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપી રોહિત શિંગાળા, સાગર અશોકભાઈ પરમાર, વિપુલભાઈ જીગાભાઈ પરમાર, આરીફ સુમરા તથા એક અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.