'ચૂંટણી જીતી ગયા છો એટલે તમને હવા ભરાઈ ગઈ છે'
ધોળા ગામમાં ધમકી આપનારા શખ્સ સામે ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રહેતા ભાવેશભાઈ રામભાઈ સાંગાએ ઉમરાળા પોલીસ મથકમાં મહેશ ઉર્ફે જમાદાર રામભાઈ કોતર (રહે.લંગાળા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે સવારે તેમના પિતાને ભાવનગર જવાનું હોવાથી ધોળા (જં.) ખાતે ઉતારીને તેઓ પરત ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ધોળા ગામમાં સામેથી તેમના ગામના ઉક્ત મહેશભાઈએ તેમને અટકાવી 'ચૂંટણી જીતી ગયા છો એટલે તમને હવા ભરાઈ ગઈ છે' તેમ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી કાઠલો પકડી ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા અને તેમના કાકાનો દિકરો ત્યાં આવી જતાં તેમને વધુ મારથી બચાવ્યા હતા. તેમજ ઉક્ત મહેશભાઈ આજે તુ બચી ગયો છે પણ હું લંગાળા ઉભો છું ન્યા આવ તને જાનથી મારી નાખવાનો છે તેવી ધમકી આપી હતી. આ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.


