Get The App

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત

સાંકરદા પાસે આગળ જતી ટ્રકમાં પાછળથી બાઇકસવાર ઘુસી જતા ગંભીર ઇજા થતા મોત

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
ગાડી રિપેર કરતા સમયે પાછળથી  આવતી ટ્રક અથડાતા યુવકનું મોત 1 - image

 વડોદરા,હાઇવે પર બ્રેક ડાઉન થયેલી ગાડીના રિપેરીગ દરમિયાન પાછળથી એક ટ્રક ધડાકાભેર અથડાતા રિપેરીંગ કરતો યુવક ગાડી નીચે દબાઇ જતા મોત થયું હતું.કપુરાઇ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા પાવાગઢ રોડ માડોધર મહાદેવ ટાઉનશિપમાં રહેતો વૈભવકુમાર અશોકભાઇ સોની વાઘોડિયા જી.આઇ.ડી.સી. ખાતે આવેલી કંપનીમાં ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે ે ખેડામાં માલ ઉતારીને રાત્રે સાડા નવ વાગ્યે તે પરત વડોદરા આવવા નીકળ્યો હતો. રાત્રે  સાડા અગિયાર વાગ્યે હાઇવે પર એ.પી.એમ.સી. માર્કેટ પાસે ગાડીની એક્સલ તૂટી  જતા  ગાડી ડિવાઇડરની બાજુમાં ઊભી થઇ હતી. તેણે કંપનીના માલિક વિનોદ પટેલને જાણ કરતા વિનોદ પટેલ કારીગર વિક્કી દિલીપભાઇ પટેલ, ઉં.વ.૨૮ (રહે.શ્લોક રેસિડેન્સી, બાપોદ પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડ) ને સાથે લઇને આવ્યા હતા. વિનોદ પટેલ મોબાઇલ  ફોનની ટોર્ચના આધારે પાછળથી આવતી ગાડીઓને સાઇડ  પર રહેવા ઇશારા કરતા હતા. તે દરમિયાને પાછળથી આવેલી એક આયશર ટ્રકના ચાલકે પાછળથી ઉભેલી ગાડીને અથાડતા રિપેરીંગ કરતો વિક્કી પટેલ ગાડીની નીચે દબાઇ જતા તેને માથા, કપાળ અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. 

અમદાવાદ ચકલાપોળ આસ્ટોડિયા નજીક આશાપુરા માતાના ખાંચામાં રહેતો જીગર દિલીપભાઇ પારેખ ( ઉં.વ.૪૦) ગઇકાલે રાત્રે બાઇક લઇને હાઇવે પરથી જતો હતો. નેશનલ હાઇવે પર વડોદરાથી વાસદ તરફ જવાના રસ્તા પર સાંકરદા નજીક  આગળ જતી ટ્રકમાં પાછળથી તે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.