Gujarat

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર

By GS TEAM
15 Dec 20252 mins read
ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને લૂંટી લેવા ,તેમના સામાનની ચોરી કરવી, રેલવે સંપત્તિની ચોરી કરવી અથવા તો નુકસાન પહોંચાડવું, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો વેપાર કરવા સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે રેલવે પોલીસે ગઇકાલે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બનાવમાં સંડોવાયેલા વધુ એક આરોપી યાસીન શેખને ગઇકાલે ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના તા.૨૨મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપી યાસીન સલીમ શેખ (રહે.સિગ્નલ ફળીયા,ગોધરા)ને કોર્ટમાં રજૂ કરી ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, સિગ્નલ ફળિયાના નામથી જે ગેંગ બનાવવામાં આવી હતી, તેનો સૂત્રધાર હસન ઉર્ફે ટફન છે અને હાલ ઝડપાયેલા આરોપી તે ગેંગનો સભ્ય છે. આ ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે, જેમાં લૂંટ, સ્નેચિંગ, સરકારી કર્મચારી પર હુમલો, દારૃ, પ્રોહિબિશન તેમજ ઢોરની ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.આરોપીઓએ ગુનાઓ આચરી કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની છે.આરોપીઓ સિગ્નલ અને પ્રેશર કોકમાં ચેડાં કરી ગુનાને અંજામ આપતા હતા અને પેસેન્જરના જાન જોખમમાં મુકતા હતા. ફરાર આરોપી ઇમરાન ખાલપાના આશ્રયસ્થાનોની તપાસ કરવાની છે. તા.૧૪ જુલાઇના રોજ જયપુર બાન્દ્રા ટ્રેન પર ૪૦થી વધુ શખ્સોએ જે પથ્થરમારો કર્યો હતો તેની ટેકનિકલ તપાસમાં આરોપીની હાજરી જણાય છે તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપી યાસીન શેખના તા.૨૨મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.