Get The App

મેયર કથામાં વ્યસ્ત, કમિશનરે કામ શરૃ કરાવ્યું આજવા સરોવરને ઊંડુ કરવાનું કામ સામા ચોમાસાએ શરૃ કરાયું

ચૂંટણીના કારણે કામગીરી થઇ ના શકી હોવાનો બચાવ ઃ પ્રતાપપુરા સરોવરમાં ૧૨ ફૂટ લેવલે પાણીનો કાયમી સંગ્રહ કરાશે તેવો દાવો

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
મેયર કથામાં વ્યસ્ત, કમિશનરે કામ શરૃ કરાવ્યું  આજવા સરોવરને ઊંડુ કરવાનું કામ સામા ચોમાસાએ શરૃ કરાયું 1 - image

વડોદરા, તા.16 વડોદરાને પીવાનું પાણી પૂરુ પાડતા આજવા સરોવરને ઊંડુ કરવાની કામગીરીનો આજે સામા ચોમાસાએ કોર્પોરેશન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પંરતુ એક બાજુ મેયર સત્યનારાયણની કથામાં હતા ત્યારે બીજી બાજુ કમિશનરે આ કામની શરૃઆત કરાવતા કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ-૨૦૨૪માં વિશ્વામિત્રી નદીના પૂરના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાતા ગત વર્ષે એટલે કે વર્ષ-૨૦૨૫માં અગાઉની પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે આજવા તેમજ પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાની કામગીરી અગાઉથી જ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજવા સરોવરમાંથી ૪ લાખ મેટ્રિક ટન માટી તેમજ પ્રતાપપુરા સરોવરમાંથી ૧૧ લાખ મેટ્રિક ટન માટી બહાર કાઢવામાં આવી હતી જેથી પાણીની સંગ્રહ ક્ષમતાનો ખ્યાલ આવ્યો હતો.

જ્યારે આ વખતે પણ બંને સરોવરોને ઊંડા કરવાની કામગીરી મોડે મોડે પણ શરૃ કરવામાં આવી છે. આજે આજવા સરોવર ખાતે મેયર સત્યનારાયણની કથામાં વ્યસ્ત હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનરે સરોવરને ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. સામા ચોમાસાએ આ કામગીરી શરૃ થતા કોર્પોરેશનમાં ગણગણાટ પણ થવા લાગ્યો છે. કમિશનરે જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સતત ત્રણ મહિના કામગીરી કરવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર અને નવલાવાલા કમિટિના માર્ગદર્શન હેઠળ આખુ વર્ષ કામગીરી કરી શકાય તે મુજબ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજવા સરોવરની કેપેસિટી વધારવાથી વધુમાં વધુ પાણી સંગ્રહ કરી શકાશે અને પૂર્વ ઝોનને પાણી પૂરુ પાડી શકાશે.

તેમણે કહ્યું હતું કે આ સાથે પ્રતાપપુરા, તેમજ દેણા સરોવરને પણ પાણીના સંગ્રહ માટે મોટું અને ઊંડુ કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં પ્રતાપપુરા સરોવરનું લેવલ ૧૨ ફૂટ સુધી પાણીનો કાયમી સંગ્રહ કરી શકાય તે માટે રિઝર્વ ડેમ બનાવાશે. બીજી બાજુ કોર્પોરેશનના સૂત્રોએ સરોવરને ઊંડુ કરવાના કામને સામા ચોમાસાએ પ્રારંભ કરવાના કામનો બચાવ કરતા જણાવ્યું  હતું કે આ કામ ઉનાળામાં જ શરૃ કરવાનું હતું પરંતુ આચાર સંહિતા તેમજ ચૂંટણીના કારણે કરાયું ન હતું.  કામ શરૃ થયા બાદ જો વરસાદ પડશે અને ભીનાશ થશે તો કામ બંધ કરી દઇશું, આખુ વર્ષ આ કામગીરી કરવાની છે.