Gujarat

ધોળકાના કલીકુંડ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાનું કામ અંતે શરૂ કરાયું

By GS TEAM
6 Oct 20251 min read
ધોળકાના કલીકુંડ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાનું કામ અંતે શરૂ કરાયું

- પાલિકાના 18 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા

- મુખ્ય રોડ પરની 16 ફૂટ ઊંડી મેઈન લાઈન બેસી ગયેલી હોવાથી 24 સોસાયટીઓ હાલાકી ભોગવી રહી હતી

બગોદરા : ધોળકા પાલિકા વિસ્તારમાં મફલીપુર ઝોનલના કલીકુંડ વિસ્તારમાં છ મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી વિરાટનગર, શ્રીનાથ ફ્લેટ, જયરથ- દ્વારકાપુર સહિત ૨૪ જેટલી સોસાયટીના લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. પાલિકાની ટીમે આજે ગટર લાઈના સમારકામનું કામ શરૂ કરી દીધું છે. 

ધોળકાના મફલીપુર ઝોનમાં કલીકુંડ વિસ્તારમાં ગટર લાઈનની સમસ્યા અંગે પાલિકામાં વારંવાર રજૂઆતો કરાઈ હતી. ત્યારબાદ, સોસાયટીઓમાં ગટરની પ્રેશરવાળી ગાડીઓ નિયમિત મોકલવામાં આવતી હતી. પરંતુ સ્નેહા કોમ્પ્લેક્સની સામે મુખ્ય રોડ પર આવેલી ૧૬ ફૂટ ઊંડી મેઇન ગટર લાઈન બેસી ગયેલી હોવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નહોતો. આ મેઇન લાઈન પર જ આશરે ૨૪ જેટલી સોસાયટીઓનો ગટર પ્રવાહ આધારિત છે. ત્યારે ગંભીરતાને ધ્યાને લઈ પાલિકાના ચીફ ઓફિસની સૂચના બાદ આજે જેસીબી મશીનની મદદથી સેનેટરી વિભાગના ૧૮થી વધુ કર્મચારીઓ દ્વારા ગટર લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે.