Gujarat

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા

By GS TEAM
9 Mar 20261 min read
કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા

ધ્રાંગધ્રા પંથકમાં બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ ઃ ટ્રક ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે બેફામ દોડતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નરાળી ગામની મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે નરાળી ગામના દંપતી બાઈક પર ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મીઠું ભરેલા ડમ્પરના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક પર સવાર લીલાબેન ભોપાભાઈ પાટડિયા પર ટ્રકનું ટાયર પગના ભાગે ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદેે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તને ગંભીર ઇજાઓ પહોંચી હોય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલક સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.