Gujarat

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર

By GS TEAM
11 Dec 20252 mins read
વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર

- ખેડા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા 

- 6 માસની દીકરીને સારવાર અર્થે ખસેડાઈ, પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી 

નડિયાદ : ખેડા નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર વડાલા પાટિયા પાસે બુધવારે બપોરના સમયે પૂરપાટ ઝડપે પસાર થતી એક ટ્રકે હાઈવે રોડ પર સાઈડમાં ઉભેલા બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર એક મહિલાનું ગંભીર ઇજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલી છ માસની દીકરીને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ખેડા તાલુકાના ઘરોડા ગામમાં રહેતા સંજયકુમાર નટવરભાઈ ચૌહાણ (ઉ.વ ૩૦) બુધવારેે બપોરના બાઈક પાછળ પત્ની અમૃતાબેન અને દીકરી જેનીબેન (ઉ.વ.૬ માસ)ને બેસાડી રતનપુર ગામે રહેતા સાઢુના ઘરે ખબરઅંતર પુછવા જતા હતા. આ સમયે નેશનલ હાઇવે નંબર ૪૮ પર ખેડા શહેર નજીક આવેલા વડાલા પાટિયા પાસે વડોદરા તરફથી વાહનો આવતા હોવાથી તેઓએ બાઈક હાઇવે રોડની સાઈડમાં ઊભું કરી દીધું હતું. આ દરમિયાન હાઇવે રોડ પર પુરપાટ આવતી ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને લઇ બાઈક પાછળ બેઠેલા સંજય કુમારના પત્ની અમૃતાબેન અને દીકરી જેની બેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા તેમના પત્ની અમૃતાબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજા થતાં દીકરી જેનીબેનને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે  ખેડા શહેર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.