ખેડા- ધોળકા ચોકડીએ બાઇક પરથી કાબૂ ગુમાવતા મહિલાનું પટકાતા મોત

- ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવ
- અરેરા પાટિયા પાસે બે બાઈક સામસામે અથડાતા મહેમદાવાદ મંદિરે દર્શન કરવા જતા બે મિત્ર સહિત 4 ને ઈજા
વસો તાલુકાના અલીન્દ્રા ઇન્દિરા નગરીના નરેશભાઇ પિરાજી વણઝારા માતા શારદાબેનને મોટરસાયકલ પર બનેવીના ઘરે રસીકપુરા ગયા હતા. તેઓ રાત્રે પરત ઘરે આવતા હતા.
ત્યારે ખેડા ધોળકા ચોકડી પર બમ્પ ઉપર મોટરસાયકલ ઉછળતા પાછળ બેઠેલા શારદાબેન પીરાજી વણઝારા (ઉં.વ.૬૦) રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરાના પલકેશ સોમાભાઈ ચૌહાણ ગઈકાલે સાંજે મોટરસાયકલ લઇ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન નડિયાદ ચકલાસી ભાગોળ ખાતેથી મિત્ર કાલિદાસ તળપદા પણ દર્શન કરવા બાઈક પર બેસી ગયો હતો. દરમિયાન મોકમપુરાથી આગળ અરેરા પાટીયા નજીક સામેથી આવતી મોટરસાયકલ અથડાતા બંને મોટરસાયકલના ચાલક તેમજ પાછળ બેઠેલા વ્યક્તિઓને રોડ પર પડી જતા ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ચારેયને સારવાર માટે નડિયાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પલકેશ સોમાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.









