રાજકોટમાં મહિલા રૂા. 23 લાખના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રૈયા રોડ પર યોગીનગર શેરી નં. ૪માં ગિરીરાજ એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલા ફલેટ નં. ૩માં ગઇકાલે મોડી સાંજે એસઓજીએ દરોડો પાડી રૂા. ૨૩.૮૦ લાખનાં ૬૮૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ૩૭ વર્ષની પૂજા સાગર ભટ્ટને ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેણે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તેનો ભાણેજ અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અંકિતાનો ભાઇ ગૌતમ વસંતભાઈ દવે મૂકી ગયાની કબૂલાત આપી છે. જો કે ગૌતમ હાથમાં નહીં આવતાં એસઓજીએ તેની શોધખોળ શરૂ કરી છે. તે પકડાયા પછી શહેરમાં હાઇ-ફાઇ ડ્રગ્સની વ્યાખ્યામાં આવતાં હાઇબ્રિડ ગાંજાનાં નેટવર્ક અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
એસઓજીનાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે પીએસઆઈ એમ.વી. જાડેજાએ ગઇકાલે સંધ્યા પછી પૂજાનાં ફલેટમાં દરોડો પાડતાં રસોડાનાં પ્લેટફોર્મ પર પ્લાસ્ટિકની બેગમાં વીંટાયેલો ૬૮૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે તેની નણંદ સોનલ દવેનો પુત્ર ગૌતમ પાંચેક દિવસ પહેલાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી ગયો હોવાની કબૂલાત આપી હતી.
એસઓજીએ પૂજાની અટકાયત કરી હતી. ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ગૌતમની શોધખોળ શરૂ કરી છે. એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું કે ગૌતમ બે માસ અગાઉ અમીન માર્ગ પર ભાડાનાં મકાનમાં રહેતો હતો. હાલમાં જુદી-જુદી હોટલો ઉપરાંત પૂજાનાં ઘરે પણ રહેતો હતો. કારણ કે પૂજાનાં ફલેટમાંથી તેના કપડા મળી આવ્યા હતાં.
આ સ્થિતિમાં હવે ગૌતમ પકડાયા પછી જ કેટલા વખતથી હાઇબ્રિડ ગાંજાનો વેપલો કરતો હતો, અગાઉ કેટલી વખત લઇ આવ્યો હતો તે સહિતની બાબતોનાં ખુલાસા થશે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે તેની બહેન અંકિતા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર છે અને ઇન્સ્ટાગ્રામમાં તેનાં ૪.૮ મિલીયન ફોલોઅર્સ પણ છે.
અગાઉ અંકિતા અને તેના માતા સોનલબેન રાજકોટમાં રહેતા હતા. ત્યારબાદ મુંબઇ સ્થાયી થઇ ગયા છે. ઝડપાયેલી પૂજા આ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાની શંકા સાથે એસઓજીએ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી છે. તેનો પતિ ડ્રાઇવિંગ કરે છે. જ્યારે પોતે રસોઇ કામ કરતી હોવાનું કહી રહી છે.
- હાઇ-ફાઇ વર્ગમાં હાઇબ્રિડ ગાંજાની ખૂબ જ ડિમાન્ડ
રાજકોટ : શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચોંકાવનારી હદે વધી ગયું છે તે બાબત હવે કોઇથી છૂપી નથી. શહેરમાં ડ્રગ્સ પકડવા માટે અગાઉ એસઓજી કાર્યરત હતી, હવે એન્ટી નાર્કોટીક્સ વિંગની પણ રચના કરવામાં આવી છે. ડ્રગ્સનાં બંધાણીઓ વધતાં સ્વાભાવિક રીતે જ તેનાં પેડલરો પણ વધી ગયા છે.
હાઇબ્રિડ ગાંજાની હાઇ-ફાઇ ડ્રગ્સમાં ગણતરી થાય છે. ખૂબ જ મોંઘો હોવાનાં કારણે મુખ્યત્વે અમીર બંધાણીઓ જ તેનો ઉપયોગ કરે છે. હાઇ-ફાઇ સોસાયટી, યુવાનો, છાત્રોમાં હાલ હાઇબ્રિડ ગાંજાની ડીમાન્ડ છે.
શહેરમાં પાંચ માસ પહેલા એસઓજીએ ૩૨૫ ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડયો હતો. જે રાજકોટ અને સૌરાષ્ટ્રનો પ્રથમ કેસ હતો. ગઇકાલે એસઓજીએ ૬૮૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો હતો. બીજો કેસ પ્ર.નગર પોલીસે કર્યો હતો. જેના પરથી શહેરમાં હાઇબ્રિડ ગાંજાના બંધાણીઓ પણ વધી ગયાનું તારણ નીકળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગાંજાનાં બે અલગ-અલગ છોડ ઇંડિકા અને સેરીવાને એકબીજા સાથે મેળવીને હાઇબ્રિડ ગાંજો તૈયાર કરવામાં આવે છે. ભારતમાં હાલમાં મુખ્યત્વે થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાંથી હાઇબ્રિડ ગાંજો લઇ આવવામાં આવે છે. - સંધ્યા પછી દરોડાનાં કારણે કોર્ટમાંથી બે વોરન્ટ મેળવાયાં
રાજકોટ : ડ્રગ્સનાં કેસ અંગે કોઇપણનાં મકાનમાં સંધ્યા પછી દરોડો પાડતા પહેલાં પોલીસે કોર્ટનું સર્ચ અને સીઝર વોરન્ટ મેળવવું પડે છે. પૂજાનાં મકાનમાં પણ ગઇકાલે સંધ્યા પછી દરોડો પાડવાનો હોવાથી નિયમ મુજબ એસઓજીની ટીમે કોર્ટ પાસેથી બંને વોરન્ટ મેળવી આગળની કાર્યવાહી કરી હતી.




