ચૂંટણીની જાહેરાત થતાં ટિકિટ મેળવવા વગદારો દ્વારા કાવા-દાવા શરૂ થઇ ગયાં

જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની
મૂરતિયાઓ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરીને ચૂંટણી લડવાના મુડમાં : દમદાર નેતાઓનો સંપર્ક શરૂ કરી દેવાયો
મુખ્ય કહેવાતા પક્ષ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ છે. સાથે જ અનિવાર્ય કિસ્સામાં પણ સળંગ ત્રણ ચૂંટણી લડી ચુકેલા મૂરતિયાઓને બાકાત કરવાની વાતો ચાલી છે. તેમાં તો જીતેલાઓને પણ ટિકીટ નહીં આપવાનો મુદ્દો સામેલ છે. ત્યારે ઘણા રીઢા સ્થાનિક રાજકારણીઓનાં ભંવા ઉચકાઇ ગયાં છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી મુખ્ય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી છે. કેમ, કે ગત ચુંટણીમાં ઇતિહાસમાં પ્રથમવાર બહુમતી સાથે ભાજપનો વિજય થયો હતો. હવે ભાજપ માટે સતા જાળવી રાખવાનો અને કોંગ્રેસ માટે ફરી સતારૂઢ થવાની સાથે આપ માટે કંઇક કરી દેખાડવાનો સવાલ આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાંથી અસંતુષ્ટો પણ સામે આવવાના છે. છેલ્લે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલા સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીના આદેશથી ઘણા જુના જોગીઓના ફરી ટીકિટ મેળવીને વિજેતા બનવાના સ્વપ્ના રોળાઇ ગયાં છે. તો ઘણાને ફરીથી લોટરી લાગે તેવી સ્થિતિનું પણ સર્જન થયું છે. આવા મૂરતિયા ટિકીટ કન્ફર્મ થાય તેના માટે આચાર સંહિતા લાગુ પડયા પહેલાથી રીતસરના દોડતાં થઇ ચુક્યા હોવાથી રાજકારણ ગરમાઇ ચુક્યું છે.









