Get The App

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા 1 - image

ડિફેન્સ કોલોની વિસ્તારની ઘટનાથી ચકચાર

પુત્રના મિત્રએ જ મહિલાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી, લાશ કોથળામાં ભરીને બંધ મકાનમાં સંતાડી દીધી

જામનગર: જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશના મથુરાની વતની અને જામનગરમાં રહી મજૂરીકામ કરતી ૪૦ વર્ષીય વિધવા મહિલા બે દિવસ પહેલા ગુમ થયા બાદ આજે તેનો કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ હત્યામાં કોઈ બહારની વ્યક્તિ નહીં પણ મૃતકના પુત્રના જ મિત્રની જ સંડોવણી ખુલી છે, જેણે અનૈતિક સંબંધો અને નાણાંની માંગણીના કારણે સંબંધોની ગરિમા લજવી લોહિયાળ ખેલ ખેલ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક રીન્કીદેવી બનટુસિંહ કઠેરીયા (ઉ.૪૦)ના પતિનું વર્ષ ૨૦૨૧માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પતિના અવસાન બાદ રીન્કીદેવી પોતાના ત્રણ સંતાનો ૧૯ વર્ષીય રોહિત, ૧૭ વર્ષીય નીતિન અને ૬ વર્ષની માસૂમ પુત્રી અંજલી સાથે ડિફેન્સ કોલોનીમાં રહેતી હતી અને કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી. ગત ૨૩મી તારીખે તેણી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. તેના પુત્ર રોહિતે આ અંગે સીટી સી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. જો કે, બે દિવસ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. 

આખરે આજે સવારે તેના ઘરની પાછળના બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાળા તોડી તપાસ કરતા બે દિવસથી ગુમ મહિલાનો કોહવાયેલો મૃતદેહ એક કોથળામાંથી મળી આવતા સૌકોઈ ચોંકી ગયા હતા. કારણ કે આ મકાન મૃતક મહિલાના પુત્રના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચ હસ્તક હતું. જેથી પોલીસે તેને સકંજામાં લઈને આગવીઢબે પુછતાછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી દીધી હતી.

આરોપી વિજય ઓડિચે પોલીસને જણાવ્યું કે, પુત્ર સાથે મિત્રતાના નાતે રીન્કીદેવીના ઘરે અવારનવાર આવવા-જવાનું હતું. આ દરમિયાન બન્ને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા. તેણી સતત નાણાંની માંગણી કરતી હતી અને જો પૈસા ન આપે તો પોલીસ ફરિયાદ કરવાની અને સંબંધો જાહેર કરવાની ધમકી આપતી હતી. આ ઉઘરાણી અને ધમકીથી કંટાળી તેણીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. ગત ૨૩મી તારીખની રાત્રે તેણીને નજીકમાં જ આવેલા તેના કાકાના ખાલી મકાનમાં બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને ગળેટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી વિજયે લાશને એક કોથળામાં પેક કરી તે જ મકાનમાં સંતાડી દીધી હતી.

- પુત્ર સાથે જ માતાને શોધવાનું નાટક કર્યું

ઘાતકી હત્યા બાદ આરોપી વિજયે ચાલાકી દાખવી હતી. જ્યારે પોતાનો મિત્ર રોહિત તેની માતા રીન્કીદેવીને શોધી રહ્યો હતો, ત્યારે વિજય પણ તેની સાથે જ રહીને અલગ-અલગ જગ્યાએ શોધખોળમાં મદદ કરવાનું નાટક કરતો રહ્યો હતો. જેથી કોઈને તેના પર શંકા ગઈ નહોતી. પરંતુ કહેવાય છે કે 'પાપ છાપરે ચડીને પોકારે છે', તેમ આખરે તેની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.