Gandhinagar

ગાંધીનગરમાં હાઈ-સિક્યોરિટી ઝોનમાં હડકંપ, કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતને જ ગોળી મારી દીધી

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના સેક્ટર-1માં આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડની ઓફિસના પ્રાંગણમાં રવિવારે સવારે 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ નામના જવાને પોતાની રાઈફલ વડે ગળામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લેકાવાડાના વતની આ જવાનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે. ઘટનાસ્થળે FSL અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં હાઈ-સિક્યોરિટી ઝોનમાં હડકંપ, કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતને જ ગોળી મારી દીધી

Indian Coast Guard: ગુજરાતના પાટનગરના વીઆઈપી વિસ્તાર ગણાતા સેક્ટર-1 માં રવિવારની સવારે એકાએક સનસનાટી ફેલાઈ ગઈ હતી. ગાયત્રી મંદિરની બિલકુલ નજીક આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડની ઓફિસના પ્રાંગણમાં એક રક્ષકે જ પોતાની રાઈફલ વડે ગળાના ભાગે શૂટ કરી લીધું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. ગોળીબારનો પ્રચંડ અવાજ થતાં જ કચેરીમાં તહેનાત અન્ય સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં જવાન અત્યંત નાજુક અને લોહીલુહાણ અવસ્થામાં તરફડી રહ્યો હતો. તેને ત્વરિત એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો તેને બચાવવા આઈસીયુ (ICU) માં મથી રહ્યા છે.

લેકાવાડાના વતની એવા જવાનની ઓળખ થઈ
સ્થાનિક સેક્ટર-7 પોલીસના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત સુરક્ષાકર્મીની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. જેઓ નજીકના જ લેકાવાડા ગામના રહેવાસી છે. રવિવારની સવારે તેઓ કોસ્ટ ગાર્ડ ઓફિસના મુખ્ય સંકુલમાં પોતાની સિક્યોરિટી ડ્યુટી પર હાજર હતા. બરાબર એ જ સમયે કોઈ અકળ કારણોસર તેમણે આ જીવલેણ પગલું ભરી લીધું હતું.

ચુસ્ત સુરક્ષા ઘેરાવા વચ્ચે તપાસનો ધમધમાટ
એક સંવેદનશીલ મિલિટરી સ્થાપન જેવી ઓફિસમાં ખુદ જવાન દ્વારા જ હથિયાર ચલાવવાની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ આત્મઘાતી પ્રયાસ પાછળ કોઈ પારિવારિક સમસ્યા હતી કે નોકરીનું ટેન્શન, તે જાણવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. એફએસએલ (FSL) દ્વારા લોહીના ડાઘ અને હથિયારના સેમ્પલ લેવાયા છે. હાલમાં પોલીસ જવાનના સાથીદારો અને તેના સગા-સંબંધીઓના નિવેદન નોંધીને ઘટનાનું મૂળ શોધવા પ્રયાસ કરી રહી છે.