Get The App

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
Vadodara Sayajibaug Zoo


Vadodara Sayajibaug Zoo: વડોદરાના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં 40 વર્ષના લાંબા વિરામ બાદ સફેદ વાઘના પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે, પરંતુ આ ખુશીની સાથે શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. ડિસેમ્બ૨ 2025માં રાજકોટ ઝૂથી લાવવામાં આવેલી સફેદ વાઘણ 'રાધા'એ ગત 9 એપ્રિલના રોજ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જોકે, પ્રથમ વખત માતા બનેલી રાધા બચ્ચાને સ્તનપાન ન કરાવી શકતા કમનસીબે બે બચ્ચાના ગણતરીના દિવસોમાં જ મોત નીપજ્યા છે, જ્યારે એક બચ્ચાને બચાવવા માટે ઝૂ પ્રશાસને રાત-દિવસ એક કર્યા છે.

ઝૂમાં સફેદ વાઘની સંખ્યા વધીને ત્રણ થઈ

આ ઘટના બાદ વન્યજીવ પ્રોટોકોલ મુજબ, ઝૂના વેટરનરી ડૉક્ટરોએ ત્રીજા બચ્ચાને બચાવવા માટે તેને પોતાની દેખરેખ હેઠળ લીધું છે. પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, બચ્ચાને અત્યારે ઝૂની હોસ્પિટલના ખાસ નિયોનેટલ કેર યુનિટમાં 'હેન્ડ-રેરિંગ'(માનવીય દેખરેખ) હેઠળ રાખવામાં આવ્યું છે. ચેપથી બચાવવા માટે આ બચ્ચાને ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યું છે અને તેની તબિયત હાલ સ્થિર અને સારી છે. માતા રાધા પણ સંપૂર્ણ સ્વસ્થ છે. આ નવા મહેમાનના આગમન સાથે હવે વડોદરા ઝૂમાં સફેદ વાઘની કુલ સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે.

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત 2 - image