Get The App

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી 1 - image

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 18મીથી 20મી માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 18મી માર્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.

19મી માર્ચે વરસાદનું પ્રમાણ વધુ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિત કચ્છ અને દીવ વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

20મી માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આ વરસાદથી ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે

તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, 'આવનારા 16મીથી 22મી માર્ચના સાત દિવસ માટે અમારું અનુમાન છે કે 16-17 તારીખે હવામાનમાં પલટો આવશે અને 18મી, 19મી તથા 20મી તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ થવાની સંભાવના છે. આ વરસાદનું મુખ્ય કારણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ગુજરાત સુધી વિસ્તરાયેલું છે. આ ફેરફારોને કારણે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જોકે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.'