Get The App

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઇડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઇડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે 1 - image

Gujarat LPG Policy: રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઇડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે 2 - image

LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી

સરકારના આદેશ અનુસાર, જે સ્થળોએ PNG  નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં કોમર્શિયલ LPG રીફિલની ફાળવણી કરવામાં આવશે.

• હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ 100% જથ્થો મળશે.

•ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને એરલાઇન કે રેલવે કેન્ટીનને 70% જથ્થો અપાશે.

•હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને હવે માત્ર 10% જથ્થો ફાળવવામાં આવશે.

•છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10%ની મર્યાદામાં જથ્થો મળશે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઇડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે 3 - image

LPGને PNGમાં કન્વર્ટ કરવામાં પ્રાથમિકતા

સુશ્રી મોના ખંધારના જણાવ્યા અનુસાર અત્યારે LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ LPG સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. 

દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. સુશ્રી મોના ખંધારના જણાવ્યા અનાસાર, 'LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 કિલો લીટર (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.'

આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ અનુસાર LPGની ફાળવણી

રાજ્યમાં હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરન્ટ/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે.

LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે. 

LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222

રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.