Get The App

ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ 1 - image


New Year 2026 in Ahmedabad: વર્ષ 2025 હવે ઇતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. ‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ છે, જ્યાં વિદેશી પાર્ટીઓને ટક્કર મારે તેવા ભવ્ય આયોજનો ક્લબો, હોટેલો અને ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં મિની વેકેશન જેવો માહોલ: પ્રવાસન સ્થળો હાઉસફૂલ

આ વખતે ક્રિસમસ અને ન્યુ યર વીકેન્ડમાં આવતા હોવાથી પ્રવાસના શોખીન ગુજરાતીઓએ રાજ્યની બહાર દોટ મૂકી છે. પીવાના શોખીનો અને મોજમસ્તી માટે જાણીતા પર્યટન સ્થળો જેવા કે ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ અને ઉદેપુરની હોટેલો અત્યારથી જ ‘હાઉસફૂલ’ થઈ ગઈ છે.

પરિસ્થિતિ એવી છે કે છેલ્લી ઘડીએ આયોજન કરનારા મુસાફરોએ વિમાનના ભાડામાં ચાર ગણો વધારો સહન કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે અમદાવાદ-ગોવાનું વન-વે ભાડું 4,500 રૂપિયાની આસપાસ હોય છે, જે 31 ડિસેમ્બરના રોજ વધીને 20,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિસોર્ટના પેકેજ પણ 5,000 રૂપિયાથી શરુ થઈ રહ્યા છે, જેમાં ગાલા ડિનર અને ડીજે નાઇટનો સમાવેશ થાય છે.

સીજી રોડ અને સિંધુભવન રોડ બંધ

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા હોય છે. આ ભીડને જોતા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નો-વ્હીકલ ઝોન

સીજી રોડ અને સિંધુભવન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં રાત્રે 8થી 1 વાગ્યા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રસ્તાઓ પર લોકો ચાલીને ન્યુ યરની ઉજવણી કરશે.

હોટ સ્પોટ્સ

સાબરમતી રિવરફ્રન્ટ, એસ. જી. હાઇવે, પ્રહ્લાદનગર, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ સહિતના 15 મુખ્ય સ્થળોએ ભારે ભીડ એકત્ર થવાની સંભાવના છે.

ખાણી-પીણી અને મનોરંજનના આયોજન

અમદાવાદની આસપાસના ફાર્મ હાઉસોમાં ખાનગી પાર્ટીઓના આયોજન કરવામાં આવ્યા છે. શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ‘ડીજે પાર્ટી વિથ ડિનર’ના આકર્ષક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. રાત્રે બરાબર 12 વાગ્યે આકાશ આતશબાજીથી ઝળહળી ઉઠશે અને લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે.

પોલીસનો લોખંડી બંદોબસ્ત: 12,000 જવાનો તૈનાત

ઉજવણીના આનંદમાં કોઈ પલિતો ન ચંપાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે કમર કસી છે. કુલ 12,000 પોલીસ કર્મચારીઓ ડ્રોન અને બોડીવોર્ન કેમેરા સાથે સ્ટેન્ડ-ટુ રહેશે.

નશાખોરો પર નજર

બ્રેથ એનેલાઇઝરની મદદથી ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસો પકડવા માટે ખાસ ટીમો બનાવાઈ છે. ફાર્મ હાઉસ અને શંકાસ્પદ સ્થળોએ યોજાતી રેવ પાર્ટીઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. રાત્રે 12:15 પછી જાહેર સ્થળોએથી ભીડ ઓછી કરવામાં આવશે અને રાત્રે 1 વાગ્યા પછી ખાણી-પીણીની દુકાનો બંધ કરાવી લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડવા પોલીસ સક્રિય બનશે. શહેરમાં 4,000થી વધુ સીસીટીવી કેમેરા અને હોક બાઇક પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

કાયદો તોડનારાઓને ચેતવણી

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રહેણાંક વિસ્તારોમાં કે ખાનગી સ્થળોએ જો પાડોશીઓને પરેશાની થાય તે રીતે પાર્ટી કરવામાં આવશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. બેફામ વાહન ચલાવતા તત્ત્વોને ઝડપી લેવા માટે ટ્રાફિક પોલીસની ખાસ ટીમો કાર્યરત રહેશે. આમ, એક તરફ આશા અને ઉમંગ સાથે વર્ષ 2026નું સ્વાગત કરવાની તૈયારીઓ છે, તો બીજી તરફ શિસ્ત અને સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર સજ્જ છે.