Get The App

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત  : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો 1 - image

Vadodara Dirty Water : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. પૂર્વ વિસ્તારમાં પાણીનો પુરવઠો વધારવા માટે આજવા ખાતેથી નવી લાઈન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતા હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. સ્થિતિ એવી બની છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાની ફરજ પડી રહી છે.

આ દરમિયાન આજે વોર્ડ નંબર-4 કચેરી ખાતે પાણીની સમસ્યાથી પરેશાન નાગરિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખોડીયારનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણા નગર વિભાગ-2 સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના 300 મકાનોમાં છેલ્લા ચાર મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણીના ઓછા પ્રેશરના કારણે ઘરો સુધી યોગ્ય રીતે પાણી પહોંચતું નથી, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રહીશોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તેનાથી સમસ્યાનો સ્થાયી ઉકેલ આવતો નથી. ઘણી વખત પીવાના પાણી માટે અલગથી પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત વોર્ડ કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ઉચ્ચ અધિકારીઓ પણ લોકોની ફરિયાદો સાંભળતા ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું. અંતે હવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.