જિલ્લા ચૂંટણી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું
એફએલસી બાદ ૧૮૦૦ બીયુ અને ૨૨૦૦ જેટલા સીયુ તાલુકા કક્ષાએ સ્ટ્રોંગરૃમમાં મોકલી અપાયા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, પરંતુ હવે ટૂંક સમયમાં ચૂંટણીના નગારા વાગવાના સંકેતો મળી રહ્યા છે. એક તરફ રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાઓ ચૂંટણીની તૈયારીઓ કરતાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્રએ પણ કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય પાસા સમાન મતદારયાદી અને ઈવીએમ તૈયાર કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૧૮૦૦ જેટલા બીયુ અને ૨૨૦૦ જેટલા બીયુ નવા મોકલવામાં આવ્યા છે.જેનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આગામી સામાન્ય ચૂંટણીઓમાં ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપરાંત દહેગામ, કલોલ અને માણસા
તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,
દહેગામ અને કલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજવાની હોવાથી સમગ્ર
જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામશે. માત્ર ગાંધીનગર કોર્પોરેશન અને માણસા નગરપાલિકા
સિવાયનો તમામ ભૌગોલિક વિસ્તાર આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવશે.
ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ગાંધીનગર
જિલ્લામાં નવા જ કંટ્રોલ યુનિટ અને બેલેટ
યુનિટનો સ્ટોક ફાળવવામાં આવ્યા છે.તાજેતરમાં એન્જિનિયરો દ્વારા ૧૮૦૦થી વધુ સીયુ
અને ૨૨૦૦ જેટલા બીયુનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા
દરમિયાન પારદશતા જાળવવા માટે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં
આવ્યા હતા.
ટેસ્ટિંગ દરમિયાન જે મશીનોમાં ટેકનિકલ ક્ષતિઓ જણાઈ હતી, તેને પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવ્યા છે. બાકીના તમામ ચુસ્ત અને કાર્યક્ષમ મશીનોને ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ મોકલી આપવામાં આવ્યા છે. તંત્રના દાવા મુજબ, આ તમામ મશીનોને તાલુકા કક્ષાના સુરક્ષિત સ્ટ્રોંગ રૃમમાં કડક બંદોબસ્ત વચ્ચે મૂકી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,રાજ્ય ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ, ૨૩ માર્ચના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે.


