Gujarat

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના વિરમગામની કનેક્ટિવિટીના આધારરૂપ ડબલ લેન હાઈવેને પહોળો કરવાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. આ માર્ગ આડે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે (પહેલી જૂન) વહેલી સવારથી વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), DySP અને SDM સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી કોઈ પણ જાતના વિરોધ વિના, અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસકર્મીના કાફલા સાથે દબાણો દૂર કરાયા

Viramgam Mega Demolition: અમદાવાદ જિલ્લાના વિરમગામની કનેક્ટિવિટીના આધારરૂપ ડબલ લેન હાઈવેને પહોળો કરવાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. આ માર્ગ આડે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે (પહેલી જૂન) વહેલી સવારથી વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), DySP અને SDM સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી કોઈ પણ જાતના વિરોધ વિના, અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે.


2થી 3 મહિનાના સઘન પ્લાનિંગ બાદ કડક એક્શન

આ મેગા ડિમોલિશન અચાનક નહીં, પરંતુ તંત્રના સચોટ અને સુવ્યવસ્થિત આયોજનનું પરિણામ હતું. હાઈવે પહોળો કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરતા દબાણો હટાવવા માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સઘન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી પૂર્વે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. લોકોમાં કોઈ આક્રોશ ન ફેલાય તે માટે કલેક્ટર, એસપી, સ્થાનિક DySP અને SDM દ્વારા વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજીને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.


500થી વધુ પોલીસ જવાનો અને એજન્સીઓ મેદાનમાં

ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિરમગામ ટાઉનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની 2 આખી કંપનીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતા. સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI) પણ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહ્યા હતા.


અમદાવાદ રૂરલ એસપી (SP) ઓમ પ્રકાશે મીડિયાને જણાવ્યું હતું કે, 'વિરમગામ ટાઉનની આંતરિક અને બાહ્ય કનેક્ટિવિટી માટે આ ડબલ લેન હાઈવે બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે, જેનું ગયા વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડ પહોળો થવાથી અહીંની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અગાઉથી કરાયેલી કાનૂની તૈયારીઓ અને સ્થાનિક આગેવાનો સાથેની સમજાવટભરી બેઠકોના કારણે જ આજે વહીવટી તંત્ર વિરમગામના વિકાસ માટે આ ડિમોલિશનની પ્રક્રિયા કોઈ પણ વિઘ્ન વગર, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરી કરી શક્યું છે.'

દબાણો દૂર થતાં જ હવે માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવેને પહોળો કરવાની અને મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.