Gujarat

વિકરાળ બનતો કોરોના : ૭૬ દર્દીઆને આઇ.સી.યુ.માં દાખલ કરવા પડયા

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
વિકરાળ બનતો કોરોના :  ૭૬  દર્દીઆને આઇ.સી.યુ.માં દાખલ કરવા પડયા

 વડોદરા,શહેરમાં કોરોનાના વધતા જતા કેસના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.ગઇકાલે ૧૧,૮૧૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જ્યારે આજે ૧૨,૭૯૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.ચોવીસ કલાકમાં પોઝિટિવ નોંધાયેલા કેસ ગઇકાલની સરખામણીમાં ૫૪ ઓછા છે.પરંતુ,આઇ.સી.યુ.ના દર્દીઓની સંખ્યા બમણી  થઇ ગઇ છે.અને ઓક્સિજનના સપોર્ટ  પરના દર્દીઓની સંખ્યા પણ વધી છે.

હેલ્થ  ડિપાર્ટમેન્ટ  દ્વારા શહેરના વડસર,અકોટા,એકતાનગર,દંતેશ્વર,માંજલપુર, છાણી,રામદેવનગર,વાઘોડિયારોડ,ગોત્રી, ગાજરાવાડી,કપુરાઇ,નવીધરતી,જેતલપુર, મકરપુરા,બાપોદ,હરણી,કિશનવાડી,તાંદલજા  અને શીયાબાગ વિસ્તારમાં રહેતા ૧૨,૭૯૮ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે  પૈકી ૩,૬૫૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૧,૩૩૦ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજે શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૦૭૨ થઇ  ગઇ છે.જ્યારેે ગઇકાલે એક્ટિવ કેસની સંખ્યા ૧૫,૭૪૯ હતી.હોમ આઇસોલેશનમાં ૧૭,૬૨૨ દર્દીઓ છે.જ્યારે ગઇકાલે હોમ આઇસોલેશનના દર્દીઓની સંખ્યા ૧૫,૪૮૫ હતી.હોસ્પિટલમાં ૪૫૦ દર્દીઓ સારવાર માટે  દાખલ છે.વેન્ટિલેટર પર ૧૬ દર્દીઓ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓની સંખ્યા ૩૮ થી વધીને ૭૬ થઇ  ગઇ છે.આજે  ઓક્સિજનના સપોર્ટ  પર ૩૫૮  દર્દીઓ છે.જ્યારે ગઇકાલે ઓક્સિજનના સપોર્ટ પર ૨૧૧ દર્દીઓ હતા.૧૪,૬૨૦ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે.

કોરોનાની સારવાર લેતા બે યુવાન અને એક વૃદ્ધના મોત

ડેથ ઓડિટ કમિટીએ વધુ બે  સત્તાવાર  મોતની જાહેરાત  કરી

વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા બરાનપુરાના ૩૫ વર્ષના યુવાનનું આજે મોત થયું છે.આ યુવાનને લીવરની બીમારી હતી.જ્યારે સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા ડભોઇના ૭૫ વર્ષના વૃદ્ધ તથા સમીયાલા ગામના ૪૦ વર્ષના યુવાનના મોત થયા છે.કોરોનાની ત્રીજી લહેરમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મોતની સંખ્યા ૩૨ થઇ ગઇ છે.અગાઉ  મૃત્યુ  પામેલા દર્દીઓની સારવારના  રિપોર્ટના અભ્યાસ બાદ ડેથ  ઓડિટ કમિટી દ્વારા બે દર્દીઓના મોત કોરોનાથી થયા હોવાનું સત્તાવાર જાહેર કર્યુ છે.જેથી,ત્રીજી લહેરમાં કોરોનાથી સત્તાવાર થયેલા મોતની  સંખ્યા પાંચ થઇ ગઇ છે.સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન  ૧૫૮ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૨ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.હાલમાં સયાજીમાં કોરોનાના બાવન દર્દીઓ સારવાર  હેઠળ છે.