Gujarat

લિગલ કમિટીમાં રજૂ થયેલ વિજિલન્સ રીપોર્ટ ર્ઉપર ઢાંકપિછોડો, રોડ તૂટવાના કૌભાંડમાં કોન્ટ્રાકટરને ૮૦ કરોડ ચૂકવવા હુકમ કરાયો હતો

By GS TEAM
27 Aug 20252 mins read
લિગલ કમિટીમાં રજૂ થયેલ વિજિલન્સ રીપોર્ટ ર્ઉપર ઢાંકપિછોડો, રોડ તૂટવાના કૌભાંડમાં કોન્ટ્રાકટરને ૮૦ કરોડ ચૂકવવા હુકમ કરાયો હતો

અમદાવાદ,બુધવાર,27 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાંચ વર્ષમાં આર્બિટ્રેશનમાં ૬૦ કેસ હારી ગયુ હતુ.કોન્ટ્રાકટરોને રુપિયા ૧૦૧.૨૪ કરોડ ચૂકવવાના આર્બિટ્રેટરના હુકમ સામે વિજિલન્સ તપાસના સત્તાધીશોએ આદેશ આપ્યા હતા. છ મહીનાથી ચાલતી વિજિલન્સ તપાસનો રીપોર્ટ લિગલ કમિટીમાં રજૂ કરાયો હતો.આ રીપોર્ટ ઉપર ઢાંકપિછોડો કરાયો છે.રીપોર્ટ જાહેર નહીં કરવા પાછળ વર્ષ-૨૦૧૭માં રોડ તૂટવાના કૌભાંડમાં કોન્ટ્રાકટર આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચરના જુદા જુદા ૪૦ કરોડના બિલ રોકી દેવાતા તે આર્બિટ્રેશનમાં ગયા હતા.જે પછી ૪૦ કરોડ બિલની રકમ અને ૪૦ કરોડ વ્યાજ સાથે ૮૦ કરોડ ચૂકવવા કોર્પોરેશનને આર્બિટ્રેશન તરફથી હુકમ કરાયો હતો.ગુજરાત કોલેજ ફલાયઓવરબ્રિજ સાથે એક અન્ય બ્રિજના કામમાં કોન્ટ્રાકટર દ્વારા આર્બિટ્રેશનમાં કેસ દાખલ કરાયા હતા.

૬૦ કેસના ચૂકાદા કોર્પોરેશનની વિરુધ્ધમાં આવતા છ મહીના અગાઉ લિગલ કમિટીએ તમામ કેસની વિજિલન્સ તપાસ કરવા આદેશ કર્યો હતો.મંગળવારે મળેલી લિગલ કમિટીની બેઠકમાં વિજિલન્સ તપાસનો રીપોર્ટ પણ સબમીટ કરાયો હતો. આમ છતાં કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે રીપોર્ટનો અભ્યાસ કરવાનો બાકી છે એમ કહી રીપોર્ટની વિગત જાહેર કરવાનુ ટાળી દીધુ હતુ.વર્ષ-૨૦૧૭માં શહેરમાં રુપિયા ૪૫૦ કરોડના રોડ તૂટવાનુ કૌભાંડ સામે આવ્યુ હતુ.સમગ્ર કૌભાંડ મામલે વર્ષ-૨૦૨૨માં વિજિલન્સ તપાસ પછી ૧૧૦ કોર્પોરેશનના અધિકારીઓને ઈન્ક્રીમેન્ટ રોકવા સહીતની શિક્ષાત્મક સજા કરાઈ હતી.૧૩ ઓકટોબર-૨૦૨૨ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં વિજિલન્સ રીપોર્ટ રજૂ કરાયો હતો.

કોન્ટ્રાકટરો દ્વારા શહેરમાં રોડ રીસરફેસ કરવાના કામોમા બિટયુમીનના ડુપ્લીકેટ બિલ રજૂ કરીને ચોરી કરવામા આવતી હતી.આ સિવાય પણ રોડના કામમા ગુણવત્તા જળવાતી નહીં હોવાનું સામે આવ્યુ હતુ.ત્રણ કોન્ટ્રાકટરો આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચર, જી.પી.ચૌધરી અને જે.આર.અગ્રવાલને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા. આ ઉપરાંત ડુપ્લીકેટ બિટયુમીનના બિલોના કૌભાંડ મામલે ત્રણ પોલીસ ફરિયાદ કરાઈ હતી.સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચર ના ૪૦ કરોડના બિલ રોકી દેવાતા કોન્ટ્રાકટરે આર્બિટ્રેશનમાં અપીલ કરી હતી.જે પછી આર્બિટ્રેટર તરફથી ૪૦ કરોડ બિલની રકમ અને ૪૦ કરોડ વ્યાજ સહીત કુલ ૮૦ કરોડ કોર્પોરેશન કોન્ટ્રાકટરને ચૂકવે એવો આદેશ કોન્ટ્રાકટરની તરફેણમાં આપતા હવે કોર્પોરેશને કોમર્શિયલ કોર્ટમાં અપીલ કરી હોવાનુ બહાનુ આગળ કર્યુ છે.તમામ કેસ માટે કોર્પોરેશને આર્બિટ્રેટરને રુપિયા ૧.૬૪ કરોડ અને વકીલોને ફી પેટે રુપિયા ૧.૬૪ કરોડ ચૂકવ્યા પછી પણ તમામ ૬૦ કેસમાં કોન્ટ્રાકટરોની તરફેણમાં ચૂકાદા આવ્યા હતા.

રણજિત બિલ્ડકોનને ૨૩ કરોડથી વધુ ચૂકવવા આર્બિટ્રેટર ઓર્ડર છે

ગુજરાત કોલેજ રેલવે ફલાય ઓવરબ્રિજ અને અન્ય એક બ્રિજ બનાવવા મામલે કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોન દ્વારા આર્બિટ્રેશનમાં કેસ દાખલ કરાતા  આર્બિટ્રેટર દ્વારા કોન્ટ્રાકટરને રુપિયા ૨૩ કરોડ ચૂકવવા ઓર્ડર કરેલો છે.આમ આ બે કેસના ચૂકાદા પણ કોન્ટ્રાકટરની તરફેણમાં આવેલા છે.