વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Body Elections 2026: વાવ-થરાદ જિલ્લામાં રાજકીય ગરમીમાં ભોરોલ તાલુકા પંચાયતની બેઠક અત્યારે કેન્દ્રબિંદુ બની છે. એક તરફ ભાજપ આ બેઠક પર બિનહરીફ વિજયનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ મેદાનમાં ઉતરી ભાજપના દાવાને ફગાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર હટી જતાં ભાજપ માટે રસ્તો સાફ હોવાની ચર્ચાઓ વચ્ચે ‘આપ’ના આક્રમક વલણે રાજકીય ખળભળાટ મચાવ્યો છે.
ભાજપનો બિનહરીફનો દાવો અને કોંગ્રેસમાં ગાબડું
ભોરોલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે જોગાજી રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા બાદ કોંગ્રેસના કોઈ મજબૂત હરીફ સામે ન આવતા અથવા ઉમેદવાર હટી જતાં, ભાજપ છાવણીમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા સમાન જોવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીનો વીડિયો વાઈરલ
આ દરમિયાન સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઉમેદવારના બે વીડિયો વાઈરલ થતા મામલો ગરમાયો છે. ‘આપ’ના નેતાઓએ ભાજપના બિનહરીફ વિજયના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. થરાદ વિધાનસભા પ્રભારી જગદીશ પટેલે સ્પષ્ટ કર્યું કે મીડિયામાં ચાલતી બિનહરીફની વાતોમાં કોઈ તથ્ય નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મશરૂભાઈ પટેલ (ભોરોલ-4 બેઠક) મેદાનમાં મક્કમ છે.
‘આપ’ નેતા કમલેશ આસલે આક્ષેપ કર્યો કે, 'કોંગ્રેસે ભલે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હોય, પણ આમ આદમી પાર્ટી જનતાના પક્ષે ઉભી છે. સમાધાન કે લાલચને કોઈ સ્થાન નથી.'
ઉમેદવાર મશરૂભાઈ નરસિંહભાઈએ જણાવ્યું કે, 'અમે કોઈપણ લાલચમાં આવ્યા વગર ભાજપ સામે ચૂંટણી લડીશું.'
ભાજપ માટે કાયદાકીય અડચણ?
જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાનું ફોર્મ જાળવી રાખે છે, તો ભાજપ માટે ટેકનિકલી બિનહરીફ જાહેર થવું અશક્ય બની જશે. ભાજપના કાર્યકરો જ્યાં વિજયોત્સવની તૈયારીમાં છે, ત્યાં ‘આપ’ના આક્રમક વલણે જનતામાં કુતૂહલ જગાડ્યું છે.
વાવ-થરાદના રાજકારણ પર નજર
વાવ-થરાદમાં કોંગ્રેસની નબળી પડતી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી ત્રીજા મજબૂત પક્ષ તરીકે ઉભરી રહી છે. શું ભાજપ ખરેખર બિનહરીફ થશે કે પછી આમ આદમી પાર્ટી કોંગ્રેસની ખાલી પડેલી જગ્યા ભરીને મોટો ઉલટફેર કરશે? આ પ્રશ્ન અત્યારે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.









