Vapi Corporation : વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડે.મેયર માટે આજે ગુરૂવારે ચૂંટણીમાં યોજાઇ હતી. જેમાં ભાજપના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે કારોબારી સમિતિની રચના બાદ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પણ નિયુક્તિ કરાઇ હતી.
વાપી મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 52 માંથી 37 બેઠક ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે 11 બેઠક અને અપક્ષે 4 બેઠક મેળવી હતી. ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે મનપા પર ભગવો લહેરાવ્યો હતો. મનપાના પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી બેઠકના પ્રથમ મેયર, ડે.મેયર સહિત પાંચ હોદ્દેદારોની ભાજપે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

(ડાબેથી ડે.મેયર, મેયર, કારોબારી ચેરમેન)
મનપાના મેયર, ડે.મેયર, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક કોણ બનશે તે લોકોમાં અનેક અટકળો ચાલી રહી હતી. આખરે આજે ગુરુવારે રજજુભાઇ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં આસિ.કમિશ્નર આસ્થા સોલંકી દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા મેયર માટે ભાજપના વોર્ડ નં.4ના દક્ષાબેન રાજેશભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જો કે એક માત્ર પત્રક હોવાથી દક્ષાબેન પટેલ પ્રથમ મેયર તરીકે બિનહરિફ જાહેર થયા હતા. બાદમાં મેયર દક્ષાબેન પટેલના પ્રમુખ સ્થાને ડે.મેયર અને કારોબારી સમિતિની રચના માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ડે.મેયર મિતેશ નવનીતરાય દેસાઇ પણ બિનહરિફ જાહેર થયા હતા. આ ઉપરાંત કારોબારી સમિતિ ચેરમેન સતિષ ગંગારામ પટેલ, પક્ષના નેતા ધર્મેશ વેસ્તાભાઇ પટેલ અને દંડક તરીકે સુનિતાબેન યુ.તિવારીની નિયુક્તિ કરાઇ હતી. આજે મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોની વરણી થતા તમામ અટકળોનો અંત આવી ગયો હતો. જો કે મેયર પદ માટે ઓબીસી વર્ગના ચૂંટાયેલા છ મહિલા સભ્યોમાંથી એકની પસંદગી કરવા તમામ સમિકરણોની ચકાસણી અને પરામર્શ બાદ મેયરના નામની પસંદગી કરાઇ હતી.
કારોબારી સમિતિના ચેરમેન અને સભ્યો
- ચેરમેન
સતીષ ગંગારામ પટેલ
- સભ્યો
સંદિપ અમૃતભાઇ પટેલ
યોગેશ રામુભાઇ પટેલ
કૌશિકભાઈ પ્રહ્લલાદભાઇ પટેલ
સુનિતાબેન યુ.તિવારી
દેવેન્દ્ર લલ્લુભાઇ પટેલ
દેવલબેન દિપકુમાર દેસાઇ
તસ્લીમ સુલતાન બાબુલ
ભાવલેશ જી.કોટડીયા
મનીષાબેન ડી.દાયામા
ટીનાબેન બી.હળપતિ
જેતલબેન એમ પટેલ
- શાસક પક્ષના નેતા
ધર્મેશ વેસ્તાભાઇ પટેલ
- દંડક
સુનિતાબેન તિવારી
- વિરોધપક્ષ નેતા
પીર મોહંમદ મકરાણી


