Gujarat

પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન

By GS Team
21 Aug 20252 mins read
This article was originally published on 21 Aug 2025
TukuTouch Logo
પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતાં માતા અને પુત્રીનું મોત થયુ છે. આ કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતાં. જેમાં સદનસીબે પતિનો આબાદ બચાવ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન

Pardi Heavy Rain: પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતાં માતા અને પુત્રીનું મોત થયુ છે. આ કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતાં. જેમાં સદનસીબે પતિનો આબાદ બચાવ થયો હતો.



કોઝ વે પરથી જઈ રહેલી કાર અચાનક પાણીમાં તણાઈ જતાં પતિ-પત્ની અને બાળકી તણાયા હતાં. જેમાં આસપાસના લોકોએ પતિને બચાવી લીધો હતો. પરંતુ કાર સાથે માતા-પુત્રી તણાઈ ગયા હતાં. તેમની શોધખોળ શરૂ થઈ હતી. આજે ગુરૂવારે એનડીઆરએફ ટીમને શોધખોળ દરમિયાન કાર મળી આવી હતી. જેમાંથી માતા પુત્રીની લાશ મળી આવતાં પંથકમાં શોકનો માહોલ પ્રસર્યો હતો.

આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ

4 ફૂટ ઊંચાઈએ વહેતાં પાણીના પ્રવાહમાં તણાયા

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના નારગોલ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ ગોવનભાઇ પટેલ પારડી ખાતે રોયલપાર્કમાં પરિવાર સાથે રહે છે. મહેશ પટેલ પારડીના અંબાચ ગામે શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા પત્ની તનાશા અને પુત્રી યશવી સાથે ગઇકાલે બુધવારે આઇ10 કારમાં કામ અર્થે ડુમલાવ ગયા હતા. પટેલ પરિવાર ડુમલાવથી પરત પારડી કારમાં આવી રહ્યો હતો. તે દરમિયાન પારડીના તરમાલિયા ગામે ભેસુ ખાડીના નીચાણવાળા કોઝ વે પરથી લગભગ 4 ફુટ ઊંચાઇએ પાણીનો ધસમસતો પ્રવાહ આવતાં કાર પાણીના વહેણમાં તણાઈ હતી. ઘટનાને પગલે ગામલોકો અને તરવૈયા દોડી ગયા હતા. પારડીના મામલતદાર રાણા અને ટીમ પણ દોડી ગઇ હતી. ચાલક મહેશ પટેલને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતાં. પરંતુ પત્ની-પુત્રી ગુમ કાર સાથે ગુમ થયા હતાં.


એનડીઆરએફે શોધખોળ શરૂ કરી

એનડીઆરએફની ટીમ અને પારડીના ચંદ્રપુરના લાઇફ સેવર ટ્રસ્ટના સભ્યોએ રેસ્ક્યુ શરૂ કર્યુ હતું. જો કે અંધારાને કારણે રેસ્ક્યુની કામગીરી વિલંબમાં પડી હતી. આજે ગુરૂવારે વહેલી સવારે ખાડામાંથી કાર મળી આવ્યા બાદ કારમાંથી તનાશા અને યશવીની લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, વર્ષોથી ચોમાસામાં ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ડૂબી જાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરાતા ભારે યાતના ભોગવવી પડે છે.