Gujarat

ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
વલસાડ કસ્ટમ્સ ડિવિઝને કોલક દરિયાકાંઠેથી દમણથી આવતી એક બોટ ઝડપી પાડી છે. જેમાં 50 લાખની કિંમતનો 18,672 બોટલ દારૂ મળી આવ્યો છે. 8 શખ્સોની ધરપકડ કરી પોલીસને સોંપાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

Valsad News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે, પરંતુ કસ્ટમ્સ વિભાગની સતર્કતાએ આજે દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ કસ્ટમ્સ હેઠળના વલસાડ કસ્ટમ્સ ડિવિઝનના અધિકારીઓએ દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન 555 બોક્સ દારૂનો જથ્થો અને એક બોટ ઝડપી પાડી છે. આ મુદ્દામાલની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા હોવાનું અનુમાન છે.

કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?

પ્રાપ્ત વિગતો અનુસાર, 16 એપ્રિલ 2026ના રોજ વલસાડ કસ્ટમ્સ ડિવિઝનના અધિકારીઓ નિયમિત દરિયાઈ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન દરિયામાં એક શંકાસ્પદ બોટ દમણ તરફથી વલસાડ તરફ આવતી જણાઈ હતી. કસ્ટમ્સની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વલસાડ જિલ્લાના કોલક દરિયાકાંઠે આ બોટને આંતરી હતી.


555 બોક્સ અને 18,672 બોટલોનો જથ્થો

બોટની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બોટની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 555 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 18,672 બોટલો ભરેલી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણથી ગુજરાતમાં સ્મગલિંગ કરીને લાવવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો : કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું

8 બુટલેગરો પોલીસને હવાલે

ભારતીય દારૂ પર કસ્ટમ્સ ડ્યૂટી લાગતી ન હોવાથી, કસ્ટમ્સ વિભાગે પંચનામા અને ઈન્વેન્ટરીની પ્રક્રિયા પૂર્ણ કરી સમગ્ર મુદ્દામાલ પોલીસને સોંપ્યો છે. કસ્ટમ્સ દ્વારા ઝડપાયેલ દારૂના 555 બોક્સ ઉપરાંત  હેરાફેરીમાં વપરાયેલી બોટ અને બોટમાં સવાર 8 બુટલેગરોને પોલીસને હવાલે કર્યા હતા. 

પોલીસ દ્વારા કેસ દાખલ કર્યો

આ તમામ વસ્તુઓ અને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પારડી પોલીસ સ્ટેશન (જિલ્લો વલસાડ) ના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો ગુજરાતમાં કયા બુટલેગરે મંગાવ્યો હતો. દારૂ દરિયામાંથી કિનારે લાવ્યા બાદ કઇ રીતે પહોંચાડવાના હતા વગેરે બાબતે તપાસ આદરી છે.